સમયસાર ગાથા-૧૪૨ ] [ ૩૨૧
‘જીવમાં અનેક સાધારણ ધર્મો છે પરંતુ ચિત્સ્વભાવ તેનો પ્રગટ અનુભવગોચર અસાધારણ ધર્મ છે તેથી તેને મુખ્ય કરીને અહીં જીવને ચિત્સ્વરૂપ કહ્યો છે.’
ભગવાન આત્મામાં બીજાં દ્રવ્યોમાં છે એવા પોતાના અનેક સાધારણ ધર્મો છે. પોતામાં હોય અને બીજાં દ્રવ્યોમાં પણ હોય તેવા ધર્મોને સાધારણ ધર્મો કહે છે. એ રીતે આત્મામાં અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુલઘુત્વ આદિ પોતાના સાધારણ ધર્મો અનંત છે; અને અસાધારણ ધર્મ પણ અનેક છે.
ચિત્સ્વભાવ, જાણગસ્વભાવ ભગવાન આત્માનો પ્રગટ અનુભવગોચર અસાધારણ ધર્મ છે. પોતાનો ચૈતન્યસ્વભાવ બીજાં દ્રવ્યોમાં નથી. પોતમાં અસ્તિત્વ ગુણ છે તેવો ગુણ બીજા દ્રવ્યોમાં છે, પણ ચૈતન્યધર્મ પોતામાં છે અને બીજામાં નથી. તે ચૈતન્ય-ધર્મ અનુભવમાં આવી શકે તેવો પ્રગટ અનુભવગોચર અસાધારણ ધર્મ છે. જે વિકલ્પ ઉઠે છે તે તો અંધકાર છે, કેમકે તેમાં ચૈતન્યનો અભાવ છે. તે ચૈતન્યસ્વભાવને-પ્રકાશ-સ્વભાવને પ્રાપ્ત કરાવી શકે નહિ. અંધકાર પ્રકાશનું કારણ કેમ થાય? ન થાય. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા, શાસ્ત્રનું બાહ્ય જ્ઞાન, અને પંચમહાવ્રતના પરિણામ-એ બધા વિકલ્પરૂપ છે તેથી તેનાથી ચૈતન્યતત્ત્વની પ્રાપ્તિ થઈ શકે નહિ.
ચૈતન્ય આત્માનો અસાધારણ ધર્મ છે. આત્મા ઉપરાંત ધર્માદિ દ્રવ્યો પણ અરૂપી છે. છ દ્રવ્યમાં પાંચ અરૂપી છે અને એક પુદ્ગલરૂપી છે. તેમાં આત્માનું સ્વરૂપ જ્ઞાન છે. જ્ઞાન એટલે શાસ્ત્રજ્ઞાન નહિ, પણ જેમ સાકરનો ગળપણ સ્વભાવ છે તેમ આત્માનો જ્ઞાનસ્વભાવ છે, ચિત્સ્વભાવ છે. તે પ્રગટ અનુભવગોચર અસાધારણ ધર્મ હોવાથી અહીં જીવને ચિત્સ્વરૂપ કહ્યો છે.
ઉપરના ૨૦ કળશના કથનને હવે સમેટે છેઃ-
‘एवं’ એ પ્રમાણે ‘स्वेच्छा–समुच्छलद्–अनल्प–विकल्प–जालाम्’ જેમાં બહુ વિકલ્પોની જાળો આપોઆપ ઊઠે છે-અહો! દિગંબર સંતોએ તત્ત્વને શું સહેલું કરીને બતાવ્યું છે? કહે છે- એ પ્રમાણે બહુ વિકલ્પોની જાળો આપોઆપ ઊઠે છે એટલે કે વિકલ્પોની જાળ વસ્તુના- આત્માના સ્વભાવમાં નથી. હું અબદ્ધ છું, શુદ્ધ છું, એક છું, પૂર્ણ છું-એવી અનેક પ્રકારની રાગની વૃત્તિઓ જે ઊઠે છે તે આપોઆપ ઊઠે છે, એટલે કે તે સ્વભાવમાં નથી. વિકલ્પની જાળ ઊઠે એવો આત્મામાં ગુણ નથી.
જુઓ, અઢી દ્વીપની બહાર અસંખ્ય તિર્યંચો છે. તેમાં અસંખ્ય સમકિતી તિર્યંચો છે. હજાર જોજનના મચ્છ, વાંદરા, હાથી, વાઘ, સિંહ, નોળ, કોળ-એવા અસંખ્ય જીવો