Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1381 of 4199

 

૩૨૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ આત્મામાં અકારણકાર્યત્વ શક્તિ-સ્વભાવ એવો છે કે તે વડે તે રાગનું કારણ પણ નથી, કાર્ય પણ નથી. અહાહા...! વ્યવહારરત્નત્રયનો જે રાગ છે તેનું ભગવાન આત્મા કારણ નથી. તેમ વ્યવહારરત્નત્રયનો જે રાગ છે તેનું આત્મા કાર્ય પણ નથી. (પછી વ્યવહારથી નિશ્ચય પ્રગટે એ કયાં રહ્યું?) આત્મા તો પોતાના શુદ્ધ સ્વરૂપનું કારણ અને શુદ્ધ સ્વરૂપનું કાર્ય છે. સૂક્ષ્મ વાત છે, ભાઈ!

પણ આ બધું તારે નક્કી કરવું પડશે. ભાઈ! ૮૪ના અવતારમાં જીવ દુઃખી જ દુઃખી થયો છે. જુઓને! ક્ષણવારમાં હાર્ટફેલ થઈ જાય છે! પણ દેહ તારી ચીજ કયાં છે? એ તો પર ચીજ છે. એક ક્ષેત્રે હોવા છતાં આત્માથી હમણાં પણ ભિન્ન જ છે. શરીર, કર્મ અને રાગથી ચૈતન્યસત્ત્વ ભિન્ન છે.

જેમ નાળિયેરમાં ગોળો કાચલીથી ભિન્ન ચીજ છે તેમ ચૈતન્યગોળો શરીરથી અને રાગથી ભિન્ન તત્ત્વ છે. ચૈતન્યદ્રવ્યનું સામર્થ્ય જ એવું છે કે તે રાગનું કારણ ન થાય અને રાગનું કાર્ય પણ ન થાય.

ચૈતન્યપ્રકાશરૂપ વસ્તુ આત્મા પદાર્થ છે કે નહિ? હા, પદાર્થ છે; તો તેને અન્ય પદાર્થ સાથે કાંઈ સંબંધ નથી. વળી પર પદાર્થના લક્ષે જે શુભ વિકલ્પ થાય છે તે પુણ્ય તત્ત્વ છે અને ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાયક તત્ત્વ છે. બંને ભિન્ન ભિન્ન છે. માટે પુણ્ય તત્ત્વથી જ્ઞાયક તત્ત્વની પ્રાપ્તિ ન થાય. વ્યવહારથી નિશ્ચય ન થાય. ભાઈ! અનાદિ અનંત સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માનો અકારણકાર્યસ્વભાવ જ એવો છે કે સંસારના કોઈ પણ પદાર્થનું આત્મા કારણ ન થાય અને જગતના કોઈ પણ અન્ય પદાર્થથી (નિમિત્તથી કે રાગથી) આત્માને સમ્યગ્દર્શન આદિ ચૈતન્યપરિણમન ન થાય. અહાહા...! રાગના અભાવસ્વભાવસ્વરૂપ શુદ્ધ ચૈતન્યતત્ત્વ આત્મા છે તે નિજ ચૈતન્યસ્વરૂપ સિવાય કોઈનું કારણ-કાર્ય નથી. આવું જ સ્વરૂપ છે; પણ તે નયોના પક્ષપાતરૂપ વિકલ્પોથી પ્રાપ્ત થતું નથી. તેથી કહે છે-

‘જે પુરુષ નયોના કથન અનુસાર યથાયોગ્ય વિવક્ષાપૂર્વક તત્ત્વનો વસ્તુસ્વરૂપનો નિર્ણય કરીને નયોના પક્ષપાતને છોડે છે તે પુરુષને ચિત્સ્વરૂપ જીવનો ચિત્સ્વરૂપે અનુભવ થાય છે.’

જુઓ, પ્રથમ વસ્તુસ્વરૂપનો નિર્ણય કરતી વેળા નય વિકલ્પ આવે છે ખરા, પણ જે પુરુષ તેને ઓળંગી જઈ સ્વભાવસન્મુખ થાય છે તેને ચિત્સ્વરૂપ જીવનો ચિત્સ્વરૂપે અનુભવ થાય છે. વિકલ્પથી ભિન્ન પડી, ચૈતન્યની પર્યાય જે સ્વભાવમાં તન્મય થાય છે તેનું નામ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે. પહેલાં પર્યાય વિકલ્પમાં એકમેક હતી તે જ્ઞાયકમાં એકમેક થાય છે એનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે. જ્ઞાનીને નિરંતર ચિત્સ્વરૂપ જીવ ચિત્સ્વરૂપે અનુભવાય છે. હવે કહે છે-