Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1387 of 4199

 

૩૨૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ

હવે નયપક્ષના ત્યાગની ભાવનાનું છેલ્લું કાવ્ય કહે છેઃ-

* કળશઃ ૯૧ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *
‘पुष्कल–उत्–चल–विकल्प–वीचिभिः उच्छलत्’ પુષ્કળ, મોટા, ચંચળ વિકલ્પરૂપ તરંગો

વડે ઊઠતી ‘इदम् एवम् कृत्स्नम् इन्द्रजालम्’ આ સમસ્ત ઇન્દ્રજાળને ‘यस्य विस्फुरणम् एव’ જેનું સ્ફુરણમાત્ર જ ‘तत्क्षणं’ તત્ક્ષણ ‘अस्यति’ ભગાડી મૂકે છે ‘तद् चिन्महः अस्मि’ તે ચિન્માત્ર તેજઃપુંજ હું છું.

જુઓ, નયપક્ષના વિકલ્પોને અહીં ઇન્દ્રજાળ કહેલ છે. વ્યવહારના શુભરાગને ઝેર કહેલ છે. પુષ્કળ, મોટા, ચંચળ વિકલ્પરૂપ તરંગો ઊઠે તે તે સમસ્ત ઇન્દ્રજાળ છે. જ્ઞાયકસ્વરૂપમાં નથી ને! તેથી વિકલ્પો બધા ઇન્દ્રજાળની જેમ જૂઠા છે એમ કહે છે. વસ્તુ તરીકે વિકલ્પ છે પણ તે સ્વભાવ નથી માટે વિકલ્પ બધા જૂઠા છે. વિકલ્પની આડમાં-હું શુદ્ધ છું, એક છું-એવા વિકલ્પની આડમાં ઊભો રહે એમાં જ્ઞાયક વસ્તુનું સ્વરૂપ નથી. વિકલ્પની આડમાં રોકાવું એ તો મોહભાવ છે, મૂર્છા છે.

હવે કહે છે-ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મામાં જ્યાં એકાગ્રતારૂપ ટંકાર થયો કે તરત જ બધા વિકલ્પો નાશ પામી જાય છે. ચૈતન્યજ્યોતિ જાગ્રત થતાં જ્યાં શ્રદ્ધા અને જ્ઞાનમાં જાણ્યું કે હું તો ચિત્સ્વરૂપ પરમાત્મા છું ત્યાં સમસ્ત વિકલ્પો દૂર ભાગી જાય છે, નાશ પામી જાય છે. જ્ઞાનની ધારાના ટંકારમાત્રથી રાગનો નાશ થઈ જાય છે. બાપુ! આત્માનું સામર્થ્ય કેટલું છે તેની તેને ખબર નથી. અનંત પુરુષાર્થનો પિંડ પ્રભુ આત્મા છે. જ્ઞાન કહો તો જ્ઞાનનો પિંડ, શ્રદ્ધા કહો તો શ્રદ્ધાનો પિંડ, આનંદ કહો તો આનંદનો પિંડ, વીર્ય કહો તો વીર્યનો પિંડ, -અહાહા...! અનંત સામર્થ્યથી ભરેલા એક એક એમ અનંત ગુણનો પિંડ પ્રભુ આત્મા છે. આવો પૂર્ણ પુરુષાર્થ ભરેલો ભગવાન જ્યાં અંતર-સ્વરૂપમાં એકાગ્ર થાય છે ત્યાં સર્વ વિકલ્પો તત્ક્ષણ ભાગી જાય છે. આવું જ વસ્તુનું સ્વરૂપ છે કે તેનું સ્ફુરણમાત્ર વિકલ્પોને ભગાડી દે છે.

આવો ચિન્માત્ર તેજઃપુંજ હું છું. ભગવાન આત્મા અનુભવમાં આવતાં સમસ્ત નયોના વિકલ્પની ઇન્દ્રજાળ ક્ષણમાં વિલય પામે છે, અદ્રશ્ય થઈ જાય છે. આ રીતે આત્મા પ્રાપ્ત થાય છે. આ સિવાય બીજી કોઈ રીતે આત્મા પ્રાપ્ત થાય તેમ નથી. નિમિત્તથી કે વ્યવહારથી આત્મા પ્રાપ્ત થાય એવું એનું સ્વરૂપ નથી. નિમિત્ત છે ખરું, વ્યવહાર છે ખરો; પણ એનાથી આત્મા પ્રાપ્ત થાય નહિ. આવી જ વસ્તુસ્થિતિ છે.

ત્યારે કોઈ કહે કે-થોડું તમે ઢીલું મૂકો, થોડું અમે ઢીલું મૂકીએ; તો બંનેનો મેળ ખાઈ જાય અર્થાત્ સમન્વય થઈ જાય.

અરે ભાઈ! એવી આ ચીજ નથી. દિગંબર સંતો-કુંદકુંદાચાર્યદેવ, અમૃતચંદ્રાચાર્યદેવ શું કહે છે તે સાંભળ. તેઓ પોકારીને કહે છે કે આત્મા ચૈતન્ય મહાપ્રભુ છે.