સમયસાર ગાથા-૧૪૨ ] [ ૩૨૭ તેની મોટપની તને ખબર નથી, ભાઈ! આ વિકલ્પ છે એ તો કલંક છે, હીણપ છે. હીણપથી મોટપ કેમ પમાય? ભગવાન! વીતરાગમૂર્તિ આત્મા છે તે રાગની હીણપથી કેમ પમાય? તું સહેલું કરવા માગે અને બીજી રીતે માને પણ એનાથી વસ્તુ પ્રાપ્ત નહિ થાય. વ્યવહારનું લક્ષ છૂટીને જ આત્માનુભવ પ્રગટ થાય છે. આ જ રીત છે.
રાગ છે તેનાથી છૂટી જાય છે ત્યારે જ્ઞાનકાંડ થાય છે. જિનવચન પૂર્વાપર વિરોધરહિત સત્ય હોય છે. તેને યથાર્થ સમજવું જોઈએ.
ત્રિકાળી શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માનો આશ્રય લે ત્યારે સમ્યગ્દર્શન થાય છે. તેમાં વ્યવહારની કોઈ અપેક્ષા નથી અર્થાત્ એટલી અપેક્ષા છે કે વ્યવહારની ત્યાં ઉપેક્ષા કરવામાં આવી છે. સ્વભાવની અપેક્ષા કરતાં વ્યવહારની ઉપેક્ષા થઈ જાય છે.
‘ચૈતન્યનો અનુભવ થતાં સમસ્ત નયોના વિકલ્પરૂપી ઇન્દ્રજાળ તે ક્ષણે જ વિલય પામે છે; એવો ચિત્પ્રકાશ હું છું.’
આવો છું, આવો છું-એમ કહે પણ એ તો વિકલ્પ છે. સ્વરૂપમાં વિકલ્પ કયાં છે? નિર્વિકલ્પ ચૈતન્યમાં દ્રષ્ટિ દેતાં સર્વ વિકલ્પ મટી જાય છે અને એ જ સ્વાનુભવરૂપ ધર્મ છે.