Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1395 of 4199

 

૩૩૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ ત્રણ કષાય જે વિદ્યમાન છે એટલું ત્યાં દુઃખ અનુભવે છે. સંયોગનું વેદન નથી પણ જે ત્રણ કષાય છે તેનું ગૌણપણે વેદન છે. અઢી હજાર વર્ષ વીતી ગયાં છે. હજુ ૮૧પ૦૦ વર્ષની આયુની સ્થિતિ બાકી છે. બાપુ! વિચાર તો કર કે જેને આગામી કાળમાં તીર્થંકર થવાનું છે એવો સમકિતી જીવ વર્તમાનમાં નરકગતિમાં આવાં દુઃખ વેદે છે તો મિથ્યાત્વપૂર્વકના પરિણામની વિષમ વિચિત્રતાનું તો શું કહેવું?

એ જ જીવ જ્યારે માતાના ગર્ભમાં પધારશે ત્યારે ઉપરથી ઇન્દ્રો માતાની સેવા કરવા આવશે અને કહેશે-ધન્ય માતા! આપની કૂખે ત્રણલોકના નાથ ભગવાન પધાર્યા છે. જુઓ, આ ત્રણલોકના નાથ તીર્થંકરદેવનો જ્યારે અંતિમ જન્મ થશે ત્યારે ઇન્દ્રો અને દેવો મોટો ઉત્સવ ઉજવશે. આવો જીવ પણ વર્તમાનમાં નરકગતિમાં પોતાના પૂર્વ દોષનું ફળ ભોગવે છે તો પછી મિથ્યાદ્રષ્ટિ જીવના પરિણામ અને એના ફળની શી વાત કરવી? ભાઈ! જેની દ્રષ્ટિ વિપરીત છે તેના દુઃખથી પરાકાષ્ટાની શું વાત કહેવી? વિપરીત દ્રષ્ટિના ફળમાં જીવ અનંતકાળ અનંત દુઃખ ભોગવે છે. એમાંથી ઉગરવાના ઉપાયની આ વાત છે.

ભાઈ! પ્રથમ નિર્ધાર તો કર કે ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યસ્વભાવી પૂર્ણાનંદનો નાથ છે, અને તેની સન્મુખ થતાં નિર્વિકલ્પ દશા થાય છે. આવી નિર્વિકલ્પ દશા થયા વિના કોઈને રાગની મંદતા થાય પણ તેથી શું? અંદર આત્માનો આશ્રય નથી તેથી તેને અનંતાનુબંધીનો કષાય વિદ્યમાન છે. બહારથી ભલે તે ક્રોધ ન કરે, તોપણ તેને ઉત્તમક્ષમા નથી. અહાહા...! ક્ષમાનો દરિયો પ્રભુ પોતે છે; તેનો આશ્રય લીધા વિના ઉત્તમક્ષમા હોઈ શકે નહિ.

અહીં કહે છે કેવળી ભગવાન જેમ નયપક્ષના ગ્રહણથી દૂર થયા છે, કોઈ પણ નયપક્ષને ગ્રહતા નથી તેમ સમકિતી જીવ પણ સ્વાનુભવના કાળમાં કોઈ પણ નયપક્ષને ગ્રહતો નથી. જ્ઞાનની પર્યાય જ્યાં સ્વદ્રવ્ય ભણી ઝુકી છે ત્યાં પછી (અન્ય) કોને ગ્રહે? ભગવાન ચૈતન્યમૂર્તિને જેણે ગ્રહણ કર્યો છે તે નિશ્ચય-વ્યવહારના કોઈ પક્ષને ગ્રહતો નથી.

આત્મા શાશ્વત, અમૃતનો સાગર છે. તેનો ગમે તેટલો વિસ્તાર કરીને વાત કરો તોપણ પાર આવે તેમ નથી. આત્મા વસ્તુ વિકલ્પાતીત છે. એના અનુભવ વિના જેટલા નિશ્ચય- વ્યવહારનયના વિકલ્પો આવે તે બધા સંસાર ખાતે છે. ચોથા ગુણસ્થાને ક્ષાયિક સમકિતીને જે શાંતિ પ્રગટી છે તેના કરતાં પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવકને અધિક શાંતિ હોય છે અને છઠ્ઠા ગુણસ્થાનવર્તી ભાવલિંગી મુનિરાજને તો શાંતિ અને વીતરાગતા ઔર વધી ગયાં હોય છે. મુનિરાજને પંચમહાવ્રતનો જે વિકલ્પ આવે તેને સમયસાર નાટકમાં પં. બનારસીદાસે જગપંથ કહ્યો છે. ત્યાં મોક્ષદ્વારના ૪૦ માં છંદમાં કહ્યું છે-