સમયસાર ગાથા-૧૪૩ ] [ ૩૩પ
અર્થઃ- તેથી પ્રમાદ સંસારનું કારણ છે અને અનુભવ મોક્ષનું કારણ છે. પ્રમાદી જીવ સંસાર તરફ ઝુકે છે અને અપ્રમાદી જીવ મોક્ષ તરફ ઝુકે છે.
ભાવલિંગી મુનિને દ્રવ્યનો આશ્રય સવિશેષ છે, શ્રાવક કરતાં ઘણો અધિક છે, છતાં પૂર્ણ નથી; જો પૂર્ણ હોય તો કેવળજ્ઞાન થઈ જાય. તેવા મુનિરાજને જેટલો પ્રમાદનો અંશ છે તે જગપંથ છે. છઠ્ઠે ગુણસ્થાને જે મહાવ્રતાદિના વિકલ્પ આવે તે પ્રમાદભાવ છે અને તે જગપંથ છે. પ્રમાદ છોડી જેટલો સ્વરૂપમાં ઠરે તે શિવપંથ છે, મોક્ષપંથ છે.
અહીં છ બોલથી કેવળી અને અનુભવ કાળમાં રહેલા સમકિતીને-બંનેને સરખા ગણેલા છે. આ તો હજુ જેને કર્તાકર્મપણું છૂટયું છે એવા ચોથા ગુણસ્થાનવર્તી જીવની વાત છે. હવે કહે છે-
તે આત્મા ખરેખર સમસ્ત વિકલ્પોથી અતિ પર, પરમાત્મા, જ્ઞાનાત્મા, પ્રત્યગ્જ્યોતિ, આત્મખ્યાતિરૂપ, અનુભૂતિમાત્ર સમયસાર છે.
જ્ઞાની જીવ સમસ્ત વિકલ્પોથી અતિ પર પરમાત્મા છે. અહાહા...! પોતાના પરમ સ્વરૂપનો જેને અનુભવ થયો તેને અહીં અનુભવ કાળમાં પરમાત્મા કહ્યો છે. દ્રષ્ટિમાં સદા મુક્તસ્વરૂપ નિર્વિકલ્પ ભગવાન આવ્યો છે તેથી તેને પરમાત્મા કહ્યો છે. વળી તે જ્ઞાનાત્મા છે. પોતે એકલો જ્ઞાનનો ગોળો ત્રિકાળી ધ્રુવ પ્રભુ છે. તેના ઉપર દ્રષ્ટિ પડતાં તે જ્ઞાનાત્મા છે. જેવો જ્ઞાનસ્વરૂપ ત્રિકાળી ભગવાન છે તેવો અનુભવમાં આવ્યો તેથી જ્ઞાનાત્મા છે. આ તો નિર્વિકલ્પ અનુભવમાં તે વખતે જ્ઞાનાત્મા થયો તેની વાત છે. જ્યાં વિકલ્પ રહ્યો નથી તે જ્ઞાનઘન થયો થકો જ્ઞાનાત્મા છે. તે પ્રત્યગ્જ્યોતિ છે. વિકલ્પરહિત થતાં વિકલ્પથી પૃથક્ જ્યોતિસ્વરૂપ છે. અહાહા...! બાપુ! સમ્યગ્દર્શન શું ચીજ છે એની લોકોને ખબર નથી.
સમ્યક્દર્શન એટલે સત્ય દર્શન. અંદર પોતાની વિકલ્પ વિનાની ત્રિકાળી ધ્રુવ ચીજનો અનુભવ થાય તેનું નામ સમ્યગ્દર્શન છે. સમકિતીને પોતાના પૂર્ણ આત્માની પ્રતીતિ થઈ છે તેથી તે જ્ઞાનાત્મા થયો છે, પ્રત્યગ્જ્યોતિસ્વરૂપ થયો છે, આત્મખ્યાતિરૂપ થયો છે. આ ટીકાનું નામ પણ આત્મખ્યાતિ છે ને! આત્મખ્યાતિ કહેતાં આત્માની પ્રસિદ્ધિ. પહેલાં રાગ અને વિકલ્પની પ્રસિદ્ધિ થતી હતી તે હવે ધર્મીને નિર્વિકલ્પ અનુભવની દશામાં આત્માની પ્રસિદ્ધિ થઈ તેથી તે આત્મખ્યાતિરૂપ થયો. અંદર આત્મા તો પરિપૂર્ણ પડયો છે તે પર્યાયમાં પ્રસિદ્ધિ થતાં આત્મખ્યાતિરૂપ થયો.
ભાઈ! વ્યવહારના વિકલ્પ તે સાધન નથી. નય વિકલ્પને (પ્રથમ) જે સાધન માન્યું છે તે તો બાધક છે. રાગ કે વિકલ્પ તે વસ્તુના સ્વરૂપમાં નથી અને પર્યાયમાં જે રાગ કે વિકલ્પ ઉઠે તે બધો સંસાર છે. અહાહા...! જગતથી જગતેશ્વર ભગવાન