૩૩૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ ભિન્ન વસ્તુ છે. આવા પોતાના શુદ્ધ ચૈતન્યમાત્ર આત્માની અનુભૂતિ થતાં તે અનુભૂતિમાત્ર સમયસાર થયો. ભાઈ! સમયસાર રાગમાં આવતો નથી અને રાગથી તે જણાતો નથી. દેવ- ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાના વિકલ્પમાં કે નયપક્ષના વિકલ્પમાં ભગવાન આત્મા આવતો નથી અને તે વિકલ્પ વડે તે જણાતો નથી. આવો આત્મા પૃથક્ જ્યોતિસ્વરૂપ અનુભવમાં આવ્યો એનું નામ સામાયિક છે. સામાયિકનો અર્થ છે સમતા. વિકલ્પની વિષમતા ટળતાં જે વીતરાગતાનો- સમતાનો સમકિતીને લાભ થાય તેનું નામ સામાયિક છે. અજ્ઞાનીએ બહારની ક્રિયામાં સામાયિક માની છે, પણ એ સાચી સામાયિક નથી. અહો! આ ગાથામાં ગજબની વાત કરી છે.
ભગવાન જિનેશ્વરદેવ એમ કહે છે કે દેહમાં રહેલો આત્મા સ્વરૂપથી જિનચંદ્ર છે. વીતરાગી શાંતિનો પિંડ પ્રભુ શીતળ ચંદ્ર છે. આવા નિજ સ્વરૂપમાં વિકલ્પનો અવકાશ કયાં છે? અહાહા...! જેમાં રાગનો અંશ નથી એવા શુદ્ધ ચૈતન્યમય આત્માનો અનુભવ કરનારને અહીં પ્રથમ પરમાત્મા કહ્યો, પછી એનો જ્ઞાનગુણ લક્ષમાં લઈને જ્ઞાનાત્મા કહ્યો, વળી રાગથી ભિન્ન પાડીને તેને જ પ્રત્યગ્જ્યોતિ કહ્યો, પછી તેને આત્મખ્યાતિ કહ્યો અને છેલ્લે તેને જ અનુભૂતિમાત્ર સમયસાર કહ્યો.
કેટલાકે તો જિંદગીમાં સાંભળ્યું પણ ન હોય એવી આ વાત છે. શ્રી કુંદકુંદાચાર્યદેવ વિદેહક્ષેત્રમાંથી ભગવાનનો આ સંદેશ લાવ્યા છે. ચોથા ગુણસ્થાને સમ્યગ્દર્શનનું સ્વરૂપ કેવું છે તેની આ વાત છે. શ્રાવકનું પંચમ ગુણસ્થાન તો કોઈ અલૌકિક ચીજ છે, બાપા! એને તો અંદર સ્વાનુભવના આનંદની રેલમછેલ હોય છે. અને પ્રચુર આનંદના વેદનમાં ઝૂલતા મુનિની દશાની તો શી વાત? ભાઈ! ‘ણમો લોએ સવ્વસાહૂણં’ -એવા ણમોકાર મંત્રના પાંચમા પદમાં જેમનું સ્થાન છે તે વીતરાગી નિર્ગ્રંથ મુનિનો તો અત્યારે નમૂનો દેખવા મળવો મુશ્કેલ છે. અહાહા...! જેમને ત્રણ કષાયના અભાવથી અંતરમાં આત્મા પ્રસિદ્ધ થઈ ગયો છે તે મુનિ અંતર્બાહ્ય નિર્ગ્રંથ હોય છે. જરા પંચમહાવ્રતનો વિકલ્પ ઊઠે છે તે અપરાધ છે પણ તે ટળવા ખાતે છે. ભાઈ! જે ભાવે તીર્થંકરગોત્ર બંધાય તે ભાવ અપરાધ છે. જે ભાવથી પ્રકૃતિનો બંધ થાય તે ભાવ ધર્મ કેમ હોય! તે ભાવ શુભ છે અને તે અપરાધ છે. મુનિને તે હોય છે પણ તે ટળવા ખાતે છે. ભાઈ! આવું જ વસ્તુનું સ્વરૂપ છે.
‘જેમ કેવળી ભગવાન સદા નયપક્ષના સ્વરૂપના સાક્ષી (જ્ઞાતા-દ્રષ્ટા) છે તેમ શ્રુતજ્ઞાની પણ જ્યારે સમસ્ત નયપક્ષોથી રહિત થઈ શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવનું અનુભવન કરે છે ત્યારે નયપક્ષના સ્વરૂપનો જ્ઞાતા જ છે.’
જુઓ, કેવળી ભગવાન આખા વિશ્વના સાક્ષી એટલે જ્ઞાતા-દ્રષ્ટા છે. હું કેવળી