૩૪૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ કથન કરવાની શક્તિ છે, પણ વસ્તુનું પરિણમન કરવાની શક્તિ નથી. હવે કોઈ જીવ શબ્દો સાંભળીને, તેનો વિકલ્પ મટાડીને ચિત્સ્વભાવનો પુંજ એવા આત્મામાં એકાગ્ર થાય છે તો તે સમકિતની દશાને, સ્વાનુભવની દશાને પામે છે. ત્યારે શબ્દોને નિમિત્ત કહેવામાં આવે છે. પણ નિમિત્તથી વસ્તુ જણાય છે, પ્રાપ્ત થાય છે એમ છે નહિ.
અરે! મુંબઈથી મદ્રાસ જતાં દરિયામાં એકાએક એરોપ્લેન તૂટી પડયું અને ૯૦ માણસો ક્ષણમાં મરણને શરણ થયા! ભાઈ! આવાં (મરણનાં) દુઃખ તેં અનંતવાર સહન કર્યાં છે. જે ક્ષણે દેહ છૂટવાનો હોય તે ક્ષણે છૂટી જાય, એક ક્ષણ પણ આગળ-પાછળ ન થાય. આ લસણ અને ડુંગળીની કટકીમાં અસંખ્ય શરીર છે. પ્રત્યેક શરીરમાં અનંત જીવો છે. તેલમાં નાખીને તળે ત્યાં તે જીવોના દુઃખનું શું કહેવું? એ બધા કંદમૂળ અનંતકાય અભક્ષ્ય છે. જૈન કે આર્યને એવો ખોરાક ન હોય. પણ અરે! એને તળીને ખાય! (નામધારી જૈનને પણ ન શોભે.) ભાઈ! સ્વરૂપને ભૂલીને આમ અનંતવાર તું તળાઈ ગયો છું, અનંતવાર ભરખાઈ ગયો છું. ભગવાન! તું તને ભૂલી ગયો! તું ચિત્સ્વભાવનો પુંજ છે પ્રભુ! અહીં કહે છે-એવા ચૈતન્યસ્વભાવ વડે પોતાનાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય કરાય છે. વિકલ્પમાત્ર આત્માના સ્વભાવમાં નથી. ધીરાનાં કામ છે, બાપા! આ તો વીતરાગનો માર્ગ છે. તે વીતરાગ ભાવથી જ પ્રગટ થાય છે. ત્રિકાળી તેજનો પુંજ પ્રભુ આત્મા છે, તે વડે ભાવિત થઈને નિર્મળ પર્યાયની દશા ઉત્પન્ન થાય છે અને તેને ધર્મ કહેવામાં આવે છે.
ભગવાન સર્વજ્ઞદેવનું આ ફરમાન છે. શ્રીમદે એકવાર કહ્યું કે અમારો નાદ કોણ સાંભળશે? કે એક તણખલાના બે ટુકડા કરવાની તાકાત આત્મામાં નથી. મતલબ કે જડની પર્યાયનો કર્તા આત્મા નથી. તણખલાના ટુકડા એના સ્વકાળે જે થવાના હોય તે તેના કારણે થાય છે, આંગળીથી નહિ, ચપ્પુથી નહિ કે આત્માથી નહિ. એ બધાં તો નિમિત્ત છે. નિમિત્ત છે, નિમિત્ત છે એ વાતનો અહીં નિષેધ નથી પણ નિમિત્તથી ઉપાદાનનું કાર્ય થાય એ વાતનો અહીં નિષેધ કરવામાં આવે છે.
અહો! શું સરસ વાત કરી છે! કે આત્માનો ચિત્સ્વભાવ છે; રાગભાવ નહિ, પુણ્યભાવ નહિ, સંસારભાવ નહિ, એક સમયનો પર્યાયભાવ પણ એનો સ્વભાવ નહિ. આવા પોતાના ચિત્સ્વભાવના પુંજ વડે પોતાનાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય કરાય છે. અહાહા...! પોતાની વીતરાગી નિર્મળ પર્યાય ઉત્પન્ન થાય, પૂર્વની પર્યાયનો વ્યય થાય અને ધ્રુવ ધ્રુવપણે રહે તે ચિત્સ્વભાવના પુંજ વડે કરાય છે, હોય છે.
ભાઈ! ક્ષણમાં આ દેહ સ્વકાળે છૂટી જશે. માટે ચિત્સ્વભાવના પુંજરૂપ તારી વસ્તુ છે તેની ભાવના કર. આ રાગની ભાવનામાં તને દુઃખનો અનુભવ છે. માટે વિકલ્પો છોડીને સ્વરૂપમાં સાવધાન થા.