સમયસાર ગાથા-૧૪૩ ] [ ૩૪૧
હવે કહે છે-જ્ઞાનસ્વભાવના પુંજ વડે જ પોતાનાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય કરાય છે- એવું જેનું પરમાર્થસ્વરૂપ હોવાથી જે એક છે એવા ‘अपारम् समयसारम्’ અપાર સમયસારને હું, ‘समस्तां बंधपद्धतिम्’ સમસ્ત બંધપદ્ધતિને ‘अपास्य’ દૂર કરીને અર્થાત્ કર્મના ઉદયથી થતા સર્વ ભાવોને છોડીને ‘चेतये’ અનુભવું છું.
આવું જ આત્માનું પરમાર્થ સ્વરૂપ છે માટે તે એક છે. તેમાં વિકલ્પ આદિ બીજી ચીજ છે જ નહિ. આવા નિજ સ્વભાવની ભાવના થતાં એકરૂપ નિર્મળ દશા પ્રગટ થાય છે, પર્યાય અને દ્રવ્ય એકમેક થઈ જાય છે; એટલે કે ત્યાં ભેદનું લક્ષ રહેતું નથી.
પ્રભુ તું કોણ છો અને તને ધર્મ કેમ થાય એની આ વાત ચાલે છે. કહે છે-આવું જેનું પરમાર્થસ્વરૂપ હોવાથી જે એક છે એવા અપાર સમયસારને હું અનુભવું છું. જેનો જ્ઞાન, આનંદ, શાંતિ, સ્વચ્છતા ઇત્યાદિ-અપાર અનંત સ્વભાવ છે એવો સમયસાર છે. એવા સમયસારને હું સમસ્ત બંધપદ્ધતિને-વિકલ્પોને છોડીને અનુભવું છું. જુઓ, હું શુદ્ધ છું એવો વિકલ્પ પણ બંધપદ્ધતિરૂપ છે, તેને છોડીને હું સમયસારને અનુભવું છું. કર્મના ઉદયથી ઉત્પન્ન થતા સર્વ ભાવોને છોડીને હું અપાર એવા સમયસારને અનુભવું છું પંચમહાવ્રતનો જે વિકલ્પ ઉઠે છે તે બંધપદ્ધતિમય છે; તે વિકલ્પને છોડીને હું સમયસારને અનુભવું છું એમ આચાર્યદેવ કહે છે. માનો કે ન માનો; ભગવાન! માર્ગ તો આ છે.
સંવત ૪૯ની સાલમાં શ્રી કુંદકુંદાચાર્ય વિદેહક્ષેત્રમાં પધાર્યા હતા. આઠ દિવસ ત્યાં રહ્યા હતા. કેવળી અને શ્રુતકેવળીનો પરિચય કરીને પછી ભરતમાં પધાર્યા હતા. પોતે વીતરાગભાવમાં ઝૂલતા હતા. તેમણે આ પરમાગમ શાસ્ત્રો રચ્યાં છે. તેઓ એમ કહે છે કે છઠ્ઠા ગુણસ્થાને પંચમહાવ્રતાદિનો શુભરાગ હોય છે. તેને છોડીને મુનિ પોતાના ચિત્સ્વભાવને અનુભવે છે. મુનિને સાતમું ગુણસ્થાન નિર્વિકલ્પ ધ્યાનમાં પ્રગટ થાય છે. આવી અલૌકિક મુનિદશા છે.
‘નિર્વિકલ્પ અનુભવ થતાં, જેના કેવળજ્ઞાનાદિ ગુણોનો પાર નથી એવા સમયસારરૂપી પરમાત્માનો અનુભવ જ વર્તે છે, ‘હું અનુભવું છું’ એવો પણ વિકલ્પ હોતો નથી-એમ જાણવું.’
ચોથા ગુણસ્થાને આત્માના સ્વરૂપનો નિર્વિકલ્પ અનુભવ થતાં જેના કેવળજ્ઞાનાદિ ગુણોનો પાર નથી એવા સમયસારરૂપી પરમાત્માનો અનુભવ જ વર્તે છે. પાંચમા ગુણસ્થાનવાળા શ્રાવકને તો સમ્યગ્દર્શન ઉપરાંત ઘણી શાંતિ વધી છે. અને મુનિદશાની તો શી વાત! એ તો પ્રચુર આનંદ અને શાંતિના સ્વામી છે. અહાહા...! કેવળજ્ઞાનાદિ એટલે એકલું જ્ઞાન, એકલું દર્શન, એકલું સુખ, એકલું વીર્ય, એકલી પ્રભુતા ઇત્યાદિ