સમયસાર ગાથા-૧૪૪ ] [ ૩પ૧ છે ને! વિકલ્પ કરવો એ ચૈતન્યના સ્વરૂપમાં નથી. તથાપિ કોઈ વિકલ્પનો કર્તા થાય અને વિકલ્પ પોતાનું કર્તવ્ય માને તે મિથ્યાદ્રષ્ટિ છે.
આત્મા વિજ્ઞાનઘન પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ પરમાત્મા છે, એમાં પરનો અને વિકલ્પનો કયાં અવકાશ છે? ક્ષુલ્લક ધર્મદાસજીએ એને સપ્તમ્ દ્રવ્ય કહ્યું છે. સમયસાર ગાથા ૪૯ ની ટીકામાં અવ્યક્તના છ બોલ છે. તેમાં પહેલા બોલમાં કહ્યું છે કે-‘‘છ દ્રવ્યસ્વરૂપ લોક જે જ્ઞેય છે અને વ્યક્ત છે તેનાથી જીવ અન્ય છે માટે અવ્યક્ત છે.’’ છ દ્રવ્ય જ્ઞાનમાં જણાવા લાયક છે માટે વ્યક્ત છે. તેનાથી ભગવાન આત્મા ભિન્ન છે. છમાં હોવા છતાં છ દ્રવ્યથી ભિન્ન છે માટે તેને સપ્તમ્ દ્રવ્ય કહ્યું છે. એકકોર રામ અને એકકોર આખું ગામ, અર્થાત્ આ વિશ્વના છ દ્રવ્યો બધા આત્માથી ભિન્ન છે અને આત્મા એ સર્વથી ભિન્ન છે. પોતે સ્વને જાણતાં એ સર્વને જાણે એવો એનો જ્ઞાનસ્વભાવ છે. પોતાનો સ્વપરપ્રકાશકસ્વભાવ હોવાથી પોતાને જાણતાં એ બધું સહજ જણાઈ જાય છે. પરંતુ એકલું પરને જ જાણવું એ મિથ્યાજ્ઞાન છે. સ્વભાવમાં તન્મય થઈને પોતાને જાણતાં પર જણાઈ જાય તેને વ્યવહાર કહે છે. આનું નામ સમ્યગ્જ્ઞાન છે. સમ્યગ્જ્ઞાન સ્વરૂપના અનુભવ સહિત હોય છે. સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન એ કાંઈ આત્માથી જુદો ભાવ નથી. આટલી વાત પ્રથમ કરીને હવે શરૂઆત કેમ કરવી તે હવે કહે છેઃ-
‘પ્રથમ, શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાનસ્વભાવ આત્માનો નિશ્ચય કરીને-’ શું કહ્યું? કે વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરનાં જે શાસ્ત્રો છે તેના અવલંબનથી પ્રથમ જ્ઞાનસ્વભાવ આત્માનો નિશ્ચય કરવો. આ નિર્ણય પ્રથમ વિકલ્પ દ્વારા કરવાની વાત છે. નિર્વિકલ્પ થવા માટે જ્ઞાનસ્વભાવી આત્માનો વિકલ્પથી નિર્ણય કરવો એમ કહ્યું ત્યાં એમ ન સમજવું કે આ વિકલ્પાત્મક નિર્ણય નિર્વિકલ્પનું કારણ છે. આ તો વિકલ્પાત્મક નિર્ણય પ્રથમ દશામાં હોય છે એની અહીં વાત કરી છે. હું ત્રિકાળી શુદ્ધ જ્ઞાનસ્વભાવી નિત્યાનંદસ્વરૂપ પ્રભુ આત્મા છું એમ પ્રથમ શ્રુતજ્ઞાનના અવલંબનથી રાગમિશ્રિત વિચારથી નિર્ણય કરે છે. ‘શ્રુતજ્ઞાનના અવલંબનથી’-એમ કહ્યું એનો અર્થ એમ છે કે જીવ સર્વજ્ઞદેવ અને સાચા નિર્ગ્રંથ ગુરુ આગમની જે વાત કહે તે સાંભળીને નિર્ણય કરે છે. ગુરુએ કહ્યું-વિકલ્પથી માંડીને સર્વ લોકાલોકથી ભિન્ન તારો આત્મા શુદ્ધ જ્ઞાનસ્વભાવી છે તેને તું જાણ. આમ સાંભળીને પ્રથમ તે મનના સંબંધથી વિકલ્પાત્મક નિર્ણય કરે છે તેની આ વાત છે. સમ્યગ્દર્શન તો હજી પછીની વાત છે. આ તો (વિકલ્પના) આંગણામાં ઊભો રહીને પ્રથમ અંદરનો નિર્ણય કરે છે એની વાત છે.
પ્રથમ, આત્માના અનુભવની શરૂઆત જેને કરવી છે, જેને સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવું છે તેણે પ્રથમ શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાનસ્વભાવ આત્માનો નિશ્ચય કરવો એમ કહે છે. દયા, દાન આદિના વિકલ્પ છે તે વિભાવ છે, ચૈતન્યનો સ્વભાવ નથી અને ભગવાન આત્મા એનાથી ભિન્ન એકલો જાણગ-જાણગસ્વભાવી ચૈતન્યનો પિંડ છે. અનાદિનું