૩પ૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ જેમાં નથી એવો ચૈતન્યમહાપ્રભુ આત્મા છે. તેના ઉપર દ્રષ્ટિ પડતાં અર્થાત્ વર્તમાન જ્ઞાનની પર્યાય ત્રિકાળી દ્રવ્યમાં એકત્વ પામતાં સમસ્ત વિકલ્પનો વ્યાપાર જેને અટકી ગયો છે એવો તે સમયસાર છે. જેવો શુદ્ધ ચૈતન્યમય આત્મા છે તેવો નિર્વિકલ્પ અનુભવમાં આવતાં આ સમયસાર છે એમ જાણવામાં આવે છે અને એ જ આત્મા છે. આ અપૂર્વ વાત છે, ભાઈ! આ સિવાય રાગની કે વિકલ્પની વૃત્તિ ઉઠે તે અનાત્મા છે, જડ છે, અચેતન છે.
સ્વાનુભવ દશામાં પ્રગટ થતા સમ્યગ્દર્શન વિનાનાં વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ એકડા વગરનાં મીડાં છે. વળી એ રાગમાં તન્મય થવું એ મિથ્યાત્વભાવ છે. અહા! જીવ પૂર્વે અનંતવાર નગ્ન જૈન સાધુ થયો અને પંચમહાવ્રત અને અઠ્ઠાવીસ મૂલગુણનું એણે પાલન કર્યું. પણ એ તો બધો શુભરાગ હતો. તેમાં (શુભરાગમાં) એકતા કરીને પરિણમવું એ મિથ્યાત્વભાવ છે અને એનું ફળ સંસાર જ છે.
અહીં કહે છે-નયપક્ષથી રહિત થઈને જે પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપને અનુભવે છે તે સમયસાર છે. અહાહા...! એકલું જ્ઞાન-જ્ઞાન-જ્ઞાન! જાણગસ્વભાવનું દળ પ્રભુ આત્મા છે. તેની સન્મુખ થઈને તેને અનુભવતાં સમસ્ત વિકલ્પનો નાશ થઈ જાય છે અર્થાત્ ત્યારે કોઈ વિકલ્પ ઉત્પન્ન જ થતાં નથી. આને સમયસાર અર્થાત્ આત્મા કહે છે અને તે એકને જ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનનું નામ મળે છે. જુઓ, આ ચોથા ગુણસ્થાનની વાત છે. શ્રાવકપણું અને મુનિપણું તો તેનાથી આગળની કોઈ અદ્ભુત અલૌકિક દશાઓ છે. દેવ-ગુરુ-શાસ્ત્રનું બાહ્ય શ્રદ્ધાન કે નવતત્ત્વનું ભેદરૂપ શ્રદ્ધાન એ સમ્યગ્દર્શન નથી.
રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં પંડિતપ્રવર શ્રી ટોડરમલજીએ કહ્યું છે કે-‘‘જૈનમતમાં કહેલાં દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણેને માને છે તથા અન્યમતમાં કહેલાં દેવાદિ વા તત્ત્વાદિને માને નહિ તો એવા કેવળ વ્યવહારસમ્યક્ત્વ વડે તે સમ્યક્ત્વની નામને પામે નહિ, માટે સ્વ- પરભેદવિજ્ઞાનપૂર્વક જે તત્ત્વાર્થશ્રદ્ધાન હોય તે સમ્યક્ત્વ જાણવું.’’ વીતરાગસ્વભાવી શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મા છે, તેનો અંતર-અનુભવ કરવો તે એકને સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન એવું નામ મળે છે, તે સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન સયમસારથી જુદા નથી, સમયસાર જ છે.
જેમ સિદ્ધ પરમાત્માને કોઈ પરદ્રવ્ય કે વિકલ્પ સાથે સંબંધ નથી તેમ પરમાનંદસ્વરૂપ ભગવાન આત્માને કોઈ પરદ્રવ્ય કે વિકલ્પ સાથે સંબંધ નથી. અરે ભાઈ! પરદ્રવ્યની વ્યવસ્થા કરે એવું આત્માનું સ્વરૂપ નથી. શુભાશુભ રાગ કરે એવું પણ આત્માનું સ્વરૂપ નથી. શુભાશુભ રાગનો જે કર્તા થાય એ મિથ્યાદ્રષ્ટિ છે, અનાત્મા છે. પરદ્રવ્યની કોઈ પર્યાયને આત્મા કરે (કરી શકે) એ તો વાત છે જ નહિ, પણ પોતાની પર્યાયમાં રાગ કરે, વિકલ્પ કરે (કર્તા થઈને) એ મિથ્યાદ્રષ્ટિ છે. જુઓ, આ કર્તાકર્મ અધિકાર