સમયસાર ગાથા-૧૪૪ ] [ ૩૪૯
‘જે ખરેખર સમસ્ત નયપક્ષો વડે ખંડિત નહિ થતો હોવાથી જેનો સમસ્ત વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો છે એવો છે, તે સમયસાર છે; ખરેખર આ એકને જ કેવળ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનનું નામ મળે છે. (સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન સમયસારથી જુદાં નથી, એક જ છે.)’
હું શુદ્ધ છું, અબદ્ધ છું, એક છું-એવા જે નયપક્ષના વિકલ્પ ઉઠે તે વડે જે ખંડિત થતો નથી તે સમયસાર છે. શું કહ્યું? ભગવાન આત્મા સદા જ્ઞાનાનંદસ્વભાવી નિત્યાનંદ પ્રભુ છે; આ નયપક્ષનો વિકલ્પ છે તે તેની શાંતિનો ખંડ કરે છે. જે જીવ નયપક્ષના વિકલ્પ કરે છે તે આત્માની શાન્તિનો ખંડ એટલે ભંગ કરે છે. સમસ્ત નયપક્ષો વડે ખંડિત નહિ થતો હોવાથી એમ કહ્યું ત્યાં મતલબ એમ છે કે પૂર્વે નયપક્ષ વડે ખંડિત થતો હતો તે હવે શુદ્ધ ચૈતન્યસ્વરૂપના લક્ષે સમસ્ત નયપક્ષ છૂટી જવાથી જેને સર્વ વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો છે એવો તે સમયસાર છે. જુઓ, આ વીતરાગ સર્વજ્ઞદેવની વાણીનો સાર ભગવાન કુંદકુંદાચાર્યદેવ જાહેર કરે છે.
મહાવિદેહમાં વર્તમાનમાં સાક્ષાત્ સીમંધરસ્વામી સર્વજ્ઞપદે બિરાજી રહ્યા છે. પ૦૦ ધનુષ્યનો દેહ છે, ક્રોડ પૂર્વનું આયુષ્ય છે. અબજો વર્ષોથી બિરાજે છે અને હજુ અબજો વર્ષ પછી નિર્વાણપદને પામશે. ભગવાન કુંદકુંદાચાર્યદેવ ત્યાં પધાર્યા હતા. આઠ દિવસ ત્યાં રહીને ભરતમાં ભગવાનનો આ સંદેશ લાવ્યા છે. દેવસેન આચાર્ય નામના મહામુનિ થઈ ગયા. તેઓ શ્રી દર્શનસાર નામના શાસ્ત્રમાં કહે છે-‘(મહાવિદેહક્ષેત્રના વર્તમાન તીર્થંકરદેવ) શ્રી સીમંધરસ્વામી પાસેથી મળેલા દિવ્યજ્ઞાન વડે શ્રી પદ્મનંદિનાથે (શ્રી કુંદકુંદાચાર્યદેવે) બોધ ન આપ્યો હોત તો મુનિજનો સાચા માર્ગને કેમ જાણત?’ અહા! આવા શ્રી કુંદકુંદાચાર્યદેવ કહે છે કે જે ખરેખર સમસ્ત નયપક્ષો વડે ખંડિત નહિ થતો હોવાથી જેનો સમસ્ત વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો છે એવો છે તે સમયસાર છે. જડકર્મ, શરીરાદિ નોકર્મ અને વિકલ્પરૂપી ભાવકર્મથી જે રહિત થયો છે તે સમ્યક્ પ્રકારે સમયસાર છે. ખરેખર આ એકને જ કેવળ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનનું નામ મળે છે.
ભગવાન આત્મા જ્ઞાતા-દ્રષ્ટાના સ્વભાવથી, એકલા ચૈતન્યરસથી ભરેલું અનાદિ અનંત નિર્મળ તત્ત્વ છે. આત્મા ત્રિકાળી શુદ્ધ, એક, પરમ પવિત્ર પરમાત્મદ્રવ્ય છે એ તો બરાબર જ છે. પણ આવો જે નયપક્ષનો વિકલ્પ ઉઠે છે તે વસ્તુના સ્વભાવમાં નથી. વિકલ્પ છે તે ચૈતન્યસ્વભાવથી ભિન્ન છે. અંતરસ્વભાવની દ્રષ્ટિ થતાં જ સર્વ નયપક્ષના વિકલ્પ ખંડિત થઈને વિલય પામી જાય છે અર્થાત્ નાશ પામી જાય છે. (ઉત્પન્ન થતા નથી.) અહાહા...! હું જ્ઞાનસ્વભાવી ત્રિકાળી ધ્રુવ પરમાત્મદ્રવ્ય છું એવો વિકલ્પ પણ