સમયસાર ગાથા-૧૪૪ ] [ ૩પપ
જેમ મતિજ્ઞાનને સ્વાભિમુખ વાળ્યું છે તેમ શ્રુતજ્ઞાનના સ્વરૂપને પણ આત્મસન્મુખ વાળવું એમ કહે છે. શ્રુતજ્ઞાનની બુદ્ધિઓ એટલે જ્ઞાનની દશાઓ જે નયવિકલ્પમાં ગૂંચવાઈ પડી હતી તેને ત્યાંથી સમેટીને સ્વસન્મુખ વાળવી એમ કહે છે. જુઓ, આ ધર્મની વિધિ બતાવે છે. શીરો બનાવવાની વિધિ હોય છે ને? લોટને પહેલાં ઘીમાં શેકે, પછી સાકરનું પાણી નાખે તો શીરો તૈયાર થાય. પણ એના બદલે જો કોઈ સાકરના પાણીમાં લોટ શેકે અને પછી ઘી નાખે તો એવી વિધિથી શીરો તૈયાર નહિ થાય; શીરો તો શું, ગુમડા પર ચોપડવાની પોટીશ (લોપરી) પણ નહિ થાય. તેમ સમસ્ત નયપક્ષના વિકલ્પથી છૂટીને શ્રુતજ્ઞાનતત્ત્વ અંતર- સ્વરૂપમાં એકાગ્ર થાય ત્યારે આત્માનો નિર્વિકલ્પ અનુભવ થાય છે. આ સમ્યગ્દર્શન અને ધર્મ છે અને તે પ્રગટ કરવાની આ જ વિધિ છે.
પરંતુ આ વિધિ છોડી દઈને કોઈ અજ્ઞાનીઓ પહેલાં વ્રત, તપ, પૂજા, ભક્તિ, દયા, દાન આદિ કરવા મંડી પડે તો તેથી સમ્યગ્દર્શન નહિ થાય. જેમ સાકરના પાણીમાં લોટ શેકનારને ઘી, લોટ અને સાકર ત્રણે પાણીમાં ફોગટ જશે તેમ આત્માના ભાન વિના ક્રિયાકાંડમાં રોકાય તેનાં દર્શન, જ્ઞાન અને ચારિત્ર-ત્રણેમાં વિપરીતતા થશે અર્થાત્ તેને મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર થશે. ભાઈ! ચારિત્ર શું છે બાપુ! એની તને ખબર નથી. ચારિત્ર એટલે તો સ્વરૂપમાં ચરવું, રમવું, ઠરવું, સ્થિર થવું. પણ સ્વરૂપના શ્રદ્ધાન-જ્ઞાન વિના શામાં ચરવું અને શામાં રમવું? ચૈતન્યસ્વરૂપના અનુભવ વિના ચારિત્ર હોઈ શકે જ નહિ.
અહીં આત્માના અનુભવની વિધિ બતાવે છે. કહે છે-અનેક વિકલ્પો વડે આકુળતા ઉત્પન્ન કરનારી શ્રુતજ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને શ્રુતજ્ઞાનતત્ત્વને આત્મસંમુખ કરે છે તે વખતે જ વિકલ્પરહિત થયેલા તેને આત્મા સમ્યક્પણે દેખાય છે, શ્રદ્ધાય છે. વિકલ્પ છે તે બહિર્મુખ ભાવ છે. જે વિકલ્પમાં જ અટકી રહે છે તે બહિરાત્મા છે. તેથી શ્રુતજ્ઞાનની બુદ્ધિઓને જે મર્યાદામાં લાવીને શ્રુતજ્ઞાનને અંતરમાં આત્માભિમુખ વાળે છે તેને આત્માનુભવ અને આત્મદર્શન થાય છે. આ સમ્યગ્દર્શન પામવાની રીત છે.
સંપ્રદાયમાં તો આ વાત ચાલતી જ નથી. વ્રત કરો, તપ કરો, જાત્રા કરો-બસ, આવી વિકલ્પની, રાગની વાતો છે. અહીં તો કહે છે કે હું જ્ઞાનસ્વરૂપ આત્મા છું એવો વિકલ્પ ઉઠે તે આકુળતામય રાગ છે; તે પર તરફ જતી બુદ્ધિને અંતરમાં વાળવી તે સ્વાનુભવની રીત છે.
પ્રથમ કહ્યું કે મતિજ્ઞાન તત્ત્વને આત્મસંમુખ કરવું. અહીં કહ્યું કે શ્રુતજ્ઞાનતત્ત્વને પણ આત્મસંમુખ વાળવું. અહાહા...! આમાં કેટલો પુરુષાર્થ છે! આખી દિશા (પરથી સ્વદ્રવ્ય તરફ) બદલી નાખવાની વાત છે. હવે કહે છે-
‘શ્રુતજ્ઞાનતત્ત્વને પણ આત્મસંમુખ કરતો, અત્યંત વિકલ્પ રહિત થઈને, તત્કાળ