Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1417 of 4199

 

૩પ૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ નિજરસથી જ પ્રગટ થતા, આદિ-મધ્ય-અંત રહિત, અનાકુળ, કેવળ એક, આખાય વિશ્વના ઉપર જાણે કે તરતો હોય તેમ અખંડ પ્રતિભાસમય, અનંત, વિજ્ઞાનઘન, પરમાત્મરૂપ સમયસારને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યક્પણે દેખાય છે (અર્થાત્ શ્રદ્ધાય છે) અને જણાય છે, તેથી સમયસાર જ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે.’

મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન આત્મસંમુખ થતાં જે અનુભવ થાય તેમાં અત્યંત વિકલ્પ રહિતપણું છે. હું આવો છું અને આવો નથી એવા વિકલ્પને પણ જો અવકાશ નથી તો પછી પરનું આ કરવું અને તે કરવું એ વાત કયાં રહી? અહા! આમ થતાં અત્યંત વિકલ્પ રહિત થઈને તત્કાળ નિજરસથી જ આત્મા પ્રગટ થાય છે. અંતરમાં જ્યાં દ્રષ્ટિ પડી, જ્ઞાનની દશા જ્યાં જ્ઞાતા તરફ વળી કે તરત જ તે જ ક્ષણે નિજરસથી જ ભગવાન આત્મા પ્રગટ થાય છે. નિજરસ એટલે જ્ઞાનરસ, ચૈતન્યરસ, આનંદરસ, શાંતરસ, સમરસ, વીતરાગરસથી તત્કાળ ભગવાન આત્મા પ્રસિદ્ધ થાય છે.

આત્મા આદિ, મધ્ય અને અંતરહિત વસ્તુ છે. એને આદિ કયાં છે? અંત કયાં છે? એ તો છે, છે ને છે. એને મધ્ય કેવો? આનંદકંદ પ્રભુ જ્ઞાનનો પિંડ અનાદિ-અનંત એવો ને એવો વિરાજમાન છે. કયારે ન હતો? કયારે નહિ હોય? સદાય છે, છે, છે. આવો ત્રિકાળ અસ્તિરૂપ ભગવાન આત્મા છે. તેને વિકલ્પરહિત થઈને જ્યારે સ્વસન્મુખ થઈને જીવ અનુભવે છે ત્યારે તે જ ક્ષણે તે નિજરસથી પ્રગટ પ્રસિદ્ધ થાય છે. તે વિકલ્પથી પ્રગટ થતો નથી. હું શુદ્ધ છું એવો જે વિકલ્પ ઊઠે છે તે વ્યવહાર છે અને એનાથી આત્મા પ્રસિદ્ધ થતો નથી.

વિકલ્પના આશ્રયે સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન પ્રગટ થતું નથી પણ અંતરમાં સ્વભાવ- સન્મુખ થતાં તત્કાળ નિજરસથી જ આત્મા પ્રગટ થાય છે. ‘નિજરસથી જ’-એમ ‘જ’ નાખ્યો છે. સમ્યક્ એકાન્ત કર્યું છે. એટલે નિજરસથી પણ થાય અને વિકલ્પના રાગથી પણ થાય એવું એનું સ્વરૂપ નથી. ટીકામાં છે-‘स्वरसत एव व्यक्तिभवन्तम्’-મતલબ કે નિજરસથી જ આત્મા પ્રગટ થાય છે. (અન્યથી નહિ.) માર્ગ તો આ છે, બાપુ! તને ન બેસે તેથી વિરોધ કરે, પણ શું થાય? ખરેખર તો તું પોતાનો જ વિરોધ કરે છે; કેમકે પરનો વિરોધ શું કોઈ કરી શકે છે? (પરમાં કોઈ કાંઈ કરી શકતું નથી).

અહીં કહે છે-રાગ અને નયપક્ષના વિકલ્પોને છોડી જ્યાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનતત્ત્વને અંતર્મુખ વાળ્‌યું ત્યાં તત્કાળ નિજરસથી જ ભગવાન આત્મા પ્રસિદ્ધ થાય છે. પહેલાં વિકલ્પની આડમાં અપ્રસિદ્ધ હતો તે નિર્વિકલ્પ થતાં પ્રસિદ્ધ થાય છે. અહાહા...! શું ટીકા છે? એકલો અમૃતરસ રેડયો છે. આત્મપ્રસિદ્ધિ થતાં સમ્યગ્દર્શન થયું, સમ્યગ્જ્ઞાન થયું, સમ્યક્ચારિત્ર થયું- એમ અનંતગુણનો નિર્મળ રસ વ્યક્ત થયો. વસ્તુ છે તે અનંતગુણમય છે. તેમાં જ્ઞાન મુખ્ય છે, જ્ઞાન સાથે સર્વ અનંતગુણ અવિનાભાવી છે.