સમયસાર ગાથા-૧૪૪ ] [ ૩પ૯
અત્યારે તો માર્ગમાં ખૂબ ગરબડ થઈ છે. શુભરાગ કરતાં કરતાં ધર્મ થાય એવી પ્રરૂપણા થવા લાગી છે; પરંતુ તે યથાર્થ નથી. અહીં કહે છે-ભગવાન આત્મા અનંત વિજ્ઞાનઘનસ્વરૂપ વસ્તુ છે. તેમાં ‘હું શુદ્ધ છું’ એવો વિકલ્પ પણ પ્રવેશી શકતો નથી. અહા! આ તો ૧૪૪ મી ગાથા છે! જેમ સરકારમાં ૧૪૪ મી કલમ છે કે બે માણસો ભેગા ન થઈ શકે અને થાય તો દંડપાત્ર થાય તેમ ભગવાનની આ ૧૪૪ મી કલમ છે કે આત્મા અને રાગ કદી ભેગા ન થાય; અને (અભિપ્રાયમાં) થાય તો ચારગતિરૂપ સંસારની જેલ થાય. ગજબ વાત છે ૧૪૪ માં! ૧૪૪ નો આંક છે એના અંકોનો સરવાળો ૧+૪+૪=૯ આવે. આ નવની ગુણક સંખ્યાના અંકો પણ મળીને નવ થાય છે; જેમકે-
૯×૧= ૯ ૯×૨=૧૮; ૧+૮=૯ ૯×૩=૨૭; ૨+૭=૯ ૯×૪=૩૬; ૩+૬=૯ ઇત્યાદિ. આ નવનો અંક (નવ કેવળલબ્ધિ પ્રગટ કરનાર) વીતરાગભાવનો સૂચક છે.
જ્ઞાતાદ્રવ્યમાં એકાગ્ર થયેલી જ્ઞાનની પર્યાયમાં આદિ-મધ્ય-અંતરહિત અનાદિઅનંત, કેવળ એક, અખંડ પ્રતિભાસમય, અનંત, વિજ્ઞાનઘનરૂપ વસ્તુનો જે પ્રતિભાસ થયો તે પરમાત્મરૂપ સમયસાર છે. અહાહા...! આત્માની શક્તિ, એનું સામર્થ્ય, એનું સ્વરૂપ પરમાત્મરૂપ છે. આત્માનું સિદ્ધસ્વરૂપ કહો કે પરમાત્મસ્વરૂપ કહો-એક જ વાત છે. આવા અખંડ પ્રતિભાસમય પરમાત્મરૂપ સમયસારને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યક્પણે દેખાય છે; દેખાય છે એટલે શ્રદ્ધાય છે અને જણાય છે. તેથી સમયસાર જ સમ્યગ્દર્શન અને સમ્યક્જ્ઞાન છે.
આત્માનો અનુભવ એટલે શુદ્ધ દ્રવ્યનો અનુભવ, અનાદિ અનંત, કેવળ એક, અખંડ પ્રતિભાસમય, અનંત વિજ્ઞાનઘન પરમાત્મરૂપ સમયસારનો અનુભવ. આ અનુભવમાં આત્મા સમ્યક્પણે દેખાય છે, શ્રદ્ધાય છે. આનું નામ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે અને તે ભગવાન સમયસારથી ભિન્ન નથી, એક જ છે ભાઈ, દેવ-શાસ્ત્ર-ગુરુની બાહ્ય શ્રદ્ધા તે સમ્યગ્દર્શન અને લઈ લ્યો વ્રત એટલે ચારિત્ર-એમ કેટલાક માને છે પણ એ તો તદ્ન વિપરીત માન્યતા છે.
પરમાત્મરૂપ આત્મદ્રવ્યની સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનની દશાઓ કેવી હોય છે તે અહીં સમજાવે છે. જ્યારે આત્મા વિજ્ઞાનઘનસ્વરૂપ નિજ પરમાત્મરૂપ સમયસારનો અનુભવ કરે છે તે સમયે જ આત્મા સમ્યક્ પ્રકારે દેખવામાં આવે છે અને તે જ સમયે આત્માનાં સમ્યક્ શ્રદ્ધાન અને જ્ઞાન પ્રગટ થાય છે.