૩૬૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ
અહા! ભગવાન સર્વજ્ઞદેવનું કહેલું આ સત્ય તત્ત્વ છે. કોઈને તે ન બેસે અને ન ગોઠે એટલે વિરોધ કરે પણ તેથી શું કરીએ? અહીં તો કોઈ સાથે વિરોધ છે જ નહિ. પ્રભુ! ભગવાન આત્મા કેવો છે અને તે કેમ પ્રાપ્ત થાય તેની તને ખબર નથી. ભગવાન આત્મા અનાદિઅનંત, કેવળ એક, નિરાકુળ, અખંડ પ્રતિભાસમય, વિજ્ઞાનઘન-સ્વરૂપ પરમાત્મ-દ્રવ્ય છે. અને તે વિકલ્પ રહિત નિર્વિકલ્પદશાથી પ્રાપ્ત થાય છે, વ્યવહારના વિકલ્પથી પ્રાપ્ત થતો નથી. અહાહા...! સ્વરૂપમાં એકાગ્ર થયેલી જ્ઞાનની પર્યાયનું એટલું સામર્થ્ય છે કે એમાં પરિપૂર્ણ પરમાત્મરૂપ સમયસારનો પ્રતિભાસ થાય છે અને તે જ સમયે આત્મા આવો પરિપૂર્ણ છે એવું શ્રદ્ધાન પ્રગટ થાય છે. આનું નામ સમ્યગ્દર્શન છે અને આ જ જૈનદર્શન છે.
ઇન્દ્રો અને ગણધરોની સભામાં ત્રિલોકીનાથ સર્વજ્ઞદેવ જે વાત કહે છે તે વાત અહીં આચાર્યદેવ કહે છે. કહે છે-કેવળ એક, અનંત વિજ્ઞાનઘનરૂપ પરમાત્મા જે વખતે જ્ઞાનની દશામાં પ્રતિભાસે છે તે જ સમયે આવો જ આત્મા છે એમ શ્રદ્ધાય છે. આવું શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે. બાકી શાસ્ત્ર દ્વારા કે નયના વિકલ્પ દ્વારા આત્મા સમ્યક્ પ્રકારે દેખવામાં આવતો નથી. બાર અંગનો સરવાળો આ છે. બાપુ! સમ્યગ્દર્શન કોઈ અપૂર્વ ચીજ છે.
સમ્યગ્દર્શન શું ચીજ છે? તો કહે છે-ભાવબંધ અને ભાવમોક્ષની પર્યાયના ભેદથી રહિત જે ત્રિકાળી શુદ્ધ અનંત વિજ્ઞાનઘનસ્વરૂપ નિજ પરમાત્મદ્રવ્ય છે તેનો નિર્વિકલ્પ અનુભવ થવો તે સમ્યગ્દર્શન છે. ભાવબંધ અને ભાવમોક્ષ પર્યાય છે અને વસ્તુ આત્મા તો એનાથી રહિત ત્રિકાળી દ્રવ્ય છે. દ્રવ્યબંધની તો વાત જ શી? જડકર્મ તો તદ્ન ભિન્ન છે. જડકર્મ તો બાહ્ય નિમિત્ત છે. રાગમાં અટકવું તે ભાવબંધ છે અને રાગરહિત થવું તે ભાવમોક્ષ છે. બન્ને પર્યાય છે અને વસ્તુ આત્મા જે છે તે ભાવબંધ અને ભાવમોક્ષથી રહિત સદાય અબંધ મુક્તસ્વરૂપ જ છે.
વીતરાગ સર્વજ્ઞદેવ અરિહંત પરમાત્માની સમોસરણમાં ૐકારધ્વનિ છૂટે છે. તે નિરક્ષરી એટલે એકાક્ષરી હોય છે. તે સાંભળી ગણધરદેવ આદિ આચાર્યો શાસ્ત્રરચના કરે છે. એ ભગવાનની વાણીથી કે સાંભળવાના વિકલ્પથી આત્મા જાણવામાં આવે છે એમ નથી, પરંતુ ભગવાને જેવો એક, અખંડ, અનંત વિજ્ઞાનઘનસ્વરૂપ આત્મા કહ્યો એવા આત્માનો નિર્વિકલ્પ અનુભવ કરે છે ત્યારે તે કાળમાં આત્મા સમ્યક્ પ્રકારે દેખવામાં આવે છે. સ્વદ્રવ્યમાં ઢળેલી જ્ઞાનની પર્યાયમાં પૂર્ણ પરમાત્મસ્વરૂપ દ્રવ્યનો પ્રતિભાસ જે સમયે થાય છે તે જ સમયે એ પૂર્ણ વસ્તુનું શ્રદ્ધાન પ્રગટ થાય છે અને એનું નામ સમ્યગ્દર્શન છે.
જુઓ, અહીં આગમમંદિરમાં ચારે બાજુ જિનવાણી કોતરાયેલી છે. પોણાચાર