સમયસાર ગાથા-૧૪૪ ] [ ૩૬૧ લાખ શબ્દો છે. જેમ પાંચ પરમેશ્વર છે તેમ આ પાંચ શાસ્ત્ર છે-સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, પંચાસ્તિકાય અને અષ્ટપાહુડ. આ બધાં શાસ્ત્ર આ પરમાગમમંદિરમાં આરસમાં કોતરાઈ ગયાં છે. તેની સમીપ બેસીને આ વાત ચાલે છે કે જે સમયે પરમાત્મરૂપ સમયસારનો જ્ઞાનમાં અખંડ પ્રતિભાસ થાય છે તે જ સમયે આત્મા શ્રદ્ધામાં-પ્રતીતિમાં આવે છે અને એ જ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે.
સમ્યગ્દર્શનમાં અનંતગુણની અંશે નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. ભગવાન આત્મા ચૈતન્યરાજા પરમાત્મસ્વરૂપે નિત્ય વિરાજમાન છે. તેનો નિર્વિકલ્પ અનુભવ થતાં તે જ સમયે તે જેવો છે તેવો સમ્યક્ શ્રદ્ધાય છે અને જણાય છે. તેથી સમયસાર જ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે. સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન ભગવાન સમયસારથી ભિન્ન નથી, અભિન્ન છે. તે આત્માની પર્યાય છે માટે આત્મા જ છે. જેમ જગતથી ભિન્ન છે તેમ સમયસાર સમ્યગ્દર્શનથી ભિન્ન નથી. માટે સમયસાર જ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે.
સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન શું ચીજ છે અને તે કેમ પ્રગટ થાય એ વાત આ ગાથામાં કહી છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને આત્મસંમુખ કરી, અત્યંત વિકલ્પરહિત થઈને, તત્કાળ નિજરસથી જ પ્રગટ થતા સમયસારને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યક્પણે શ્રદ્ધામાં આવે છે અને જણાય છે. તેથી સમયસાર જ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે, અર્થાત્ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન સમયસારથી જુદાં નથી, એક જ છે.
નિજરસથી જ પ્રગટ થતો તે સમયસાર કેવો છે? તો કહે છે-
૧. આદિ-મધ્ય-અંતરહિત છે અર્થાત્ અનાદિઅનંત, ત્રિકાળ, શાશ્વત, નિત્ય વસ્તુ છે. ૨. અનાકુળ છે. શ્રુતજ્ઞાનમાં જે વિકલ્પ ઊઠે છે તે આકુળતારૂપ છે અને ભગવાન આત્મા નિરાકુળ આનંદસ્વરૂપ છે. અતીન્દ્રિય આનંદનો સાગર પ્રભુ આત્મા છે.
૩. કેવળ એક છે. આ દ્રવ્ય અને આ પર્યાય એવો ભેદ પણ જેમાં નથી એવો કેવળ એક છે. અનંતગુણનો પિંડ પ્રભુ ગુણ-ગુણીના ભેદથી રહિત અભેદ એકરૂપ ધ્રુવ વસ્તુ છે.
૪. આખાય વિશ્વ ઉપર જાણે કે તરતો હોય એવો છે. એટલે કે રાગથી માંડીને આખાય લોકાલોકથી ભિન્ન વસ્તુ છે.
પ. અખંડ પ્રતિભાસમય છે. સ્વસંવેદનજ્ઞાનમાં જેવો પૂર્ણસ્વરૂપ છે તેવો પ્રતિભાસમાન થાય છે. જિનસ્વરૂપ પરિપૂર્ણ આત્મા છે તેવો જ્ઞાનમાં પ્રતિભાસિત થાય છે. કહ્યું છે ને કે-