૩૬૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ નિર્મળ જ્ઞાન અને આનંદની પર્યાય દ્વારા તેમને જ્ઞાનાનંદસ્વરૂપ આત્માના આનંદના સ્વાદનું વેદન થાય છે. આત્મા આવો છે ને તેવો છે-એવી ચિંતાથી રહિત આત્મલીન પુરુષો સ્વયં આત્માના આનંદને અનુભવે છે.
પુરુષનો અર્થ આત્મા થાય છે. પુરુષનું કે સ્ત્રીનું શરીર તે કાંઈ આત્મા નથી. દેહ તો જડ છે. સ્ત્રીનો દેહ હો કે પુરુષનો, આત્મલીન પુરુષો વડે, અંતરના જ્ઞાનના પ્રકાશના ભાવ વડે આત્મા અનુભવાય છે. આવી વસ્તુ છે. આ તો હજુ સમ્યગ્દર્શનની વાત ચાલે છે. આ ૧૪૪મી ગાથાનો કળશ છે. અહીં સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનની વાત ઉપાડી છે. ચારિત્રની અહીં વ્યાખ્યા નથી. કહે છે-વસ્તુ આત્મા નિર્વિકલ્પ જ્ઞાનપ્રકાશનો પુંજ છે. તે નિર્વિકલ્પ જ્ઞાનના પ્રકાશ દ્વારા પ્રકાશે છે અને તે વડે જ તે આસ્વાદ્યમાન છે. જ્ઞાનની નિર્મળ પર્યાય દ્વારા આનંદનું વેદન થાય છે. એ વેદનમાં આત્મા પૂર્ણ પ્રતિભાસે અર્થાત્ જણાય એવો છે. નયપક્ષનો જે વિકલ્પ છે એ તો દુઃખ છે, અંધકાર છે. એનાથી (વિકલ્પથી) આત્મા જણાય એવો નથી.
આવો સમયસાર આત્મલીન પુરુષો દ્વારા સ્વયં આસ્વાદ્યમાન છે. અહીં ‘સ્વયં’નો અર્થ એમ છે કે આત્માનુભવમાં વિકલ્પ કે વ્યવહારની અપેક્ષા નથી. આવી વાત છે. કેટલાકને પોતાને ગોઠતી વાત ન હોય એટલે રાડ પાડે કે-એકાન્ત છે, એકાન્ત છે; એમ કે નિશ્ચયથી થાય અને વ્યવહારથી પણ થાય એમ વાત નથી માટે એકાન્ત છે. પ્રભુ! તને ખબર નથી. અહીં આચાર્ય ભગવાન તો એમ કહે છે કે-વ્યવહારના પક્ષથી તો ધર્મ ન થાય પણ હું શુદ્ધ છું, અબદ્ધ છું, એક છું, ચેત્ય છું, દ્રશ્ય છું, વેદ્ય છું -ઇત્યાદિ જે નિશ્ચયનયના પક્ષરૂપ વિકલ્પ ઉઠે છે એનાથી પણ ભગવાન આત્મા પ્રાપ્ત થાય એવો નથી. આચાર્ય અમૃતચંદ્રસ્વામીએ નયપક્ષના ૨૦ કળશમાં ૨૦ બોલ કહ્યા છે. એ નયપક્ષના જે વિકલ્પ છે તે બધા આત્માનુભવ થવામાં બાધક છે.
નિશ્ચળ, આત્મલીન પુરુષો વડે આત્મા સ્વયં આસ્વાદ્યમાન છે. અહીં ‘સ્વયં’ શબ્દ ઉપર વજન છે. મતલબ કે નિર્વિકલ્પ નિર્મળ પર્યાય વડે આત્મા સ્વયં અનુભવાય છે; તેને કોઈ વ્યવહાર કે નિશ્ચયના પક્ષના વિકલ્પની અપેક્ષા નથી. નિયમસારની બીજી ગાથામાં કહ્યું છે કે શુદ્ધરત્નત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ છે, એને રાગ કે ભેદની અપેક્ષા નથી. તેમ અહીં પણ આત્મા સ્વયં આસ્વાદ્યમાન છે એમ કહ્યું છે; એટલે કે પોતે પોતાથી પોતાના આનંદનું વેદન કરી શકે એવો આ આત્મા છે.
હવે, જે ત્રિકાળી વસ્તુ આત્મલીન પુરુષો વડે સ્વયં અનુભવાય છે તે કેવી છે? તો કહે છે-‘विज्ञान–एक–रसः भगवान्’ તે વિજ્ઞાન જ જેનો એક રસ છે એવો ભગવાન છે. નિર્મળ પર્યાયમાં જે વેદનમાં આવે છે તે આત્મા એક વિજ્ઞાનરસમય વસ્તુ છે. વિશેષ જ્ઞાનનો ઘન એકરૂપ દ્રવ્ય તે એકલો જ્ઞાનસ્વભાવનો પિંડ પ્રભુ છે. શાસ્ત્રનું જ્ઞાન-તે જ્ઞાનની આ વાત નથી. આ તો સામાન્ય એકરૂપ વિજ્ઞાનઘનસ્વભાવ વસ્તુની વાત