કેમકે તે નયપક્ષના વિકલ્પ છે તે રાગમય છે, આકુળતામય છે; એવા વિકલ્પથી પણ આત્મપ્રાપ્તિ નથી. આચાર્યદેવ વ્યવહારનો પક્ષ તો પહેલેથી છોડાવતા આવ્યા છે. અહીં નિશ્ચયનયનો પક્ષ પણ રાગમય હોવાથી છોડવાની વાત છે.
તો ‘નિશ્ચયનયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની’ -એમ (ગાથા ૨૭૨ માં) કહ્યું છે ને?
હા, ત્યાં સ્વના આશ્રયે નિર્વાણ થાય છે એમ કહ્યું છે. પણ અહીં તો સ્વના આશ્રય સંબંધી જે વિકલ્પ ઉઠે તેની વાત છે. નિશ્ચયનયના પક્ષનો જે વિકલ્પ ઉઠે છે એ તો રાગ છે, દુઃખદાયક છે અને તેથી તે છોડવા યોગ્ય છે. એ સૂક્ષ્મ રાગનો પણ પોતાને કર્તા માને તે મિથ્યાદ્રષ્ટિ છે. આત્મા તો વિજ્ઞાનઘનસ્વરૂપ પ્રભુ છે. તે રાગનો કર્તા કેમ હોઈ શકે? અને તે રાગ વડે પ્રાપ્ત કેમ થાય? તેથી સમસ્ત નયપક્ષનો રાગ છોડાવી નયપક્ષરહિત થવાની અહીં વાત છે.
વ્યવહારથી નિશ્ચય થાય એ વાત તો કયાંય રહી ગઈ. શાસ્ત્રમાં કોઈ ઠેકાણે એવું કથન આવે ત્યાં બીજી અપેક્ષાથી વાત છે. છઠ્ઠા ગુણસ્થાનમાં ભાવલિંગી મુનિરાજને વિકલ્પ હોય છે. તે છૂટીને સાતમા ગુણસ્થાનમાં નિર્વિકલ્પ અનુભવ થાય છે. ખરેખર તો છઠ્ઠા ગુણસ્થાનની જે શુદ્ધિ છે તે સાતમા ગુણસ્થાનનું કારણ છે. તેને કારણ ન કહેતાં છઠ્ઠા ગુણસ્થાનના શુભ વિકલ્પને કારણ કહ્યું એ તો ઉપચારથી નિમિત્તનું વા સહચરનું જ્ઞાન કરાવવા કથન કર્યું છે. પણ તેથી છઠ્ઠાના શુભ વિકલ્પથી સાતમું ગુણસ્થાન થાય છે એમ ન સમજવું.
અહીં કહે છે નયપક્ષના જે વિકલ્પ છે તે આકુળતામય છે અને તેનાથી આત્મા જણાય એવો નથી. જેમ સૂર્યબિંબ તેના પ્રકાશ વડે જણાય, અંધકાર વડે ન જણાય તેમ ભગવાન આત્મા તેના જ્ઞાનપર્યાયરૂપ પ્રકાશથી જણાય પણ વિકલ્પરૂપ અંધકારથી ન જણાય.
ભગવાન આત્મા સદા અચળ એટલે ચળે નહિ તેવો નિર્વિકલ્પ વિજ્ઞાનઘનરૂપ સમયસાર છે. તે અચળ નિર્વિકલ્પભાવને પામતો એટલે નિર્વિકલ્પ નિર્મળ જ્ઞાનની દશાને પ્રાપ્ત થઈને પ્રકાશે છે. અર્થાત્ સમયનો સાર પ્રભુ આત્મા ચૈતન્યની નિર્મળ નિર્વિકલ્પ જ્ઞાનપ્રકાશરૂપ પર્યાય દ્વારા પ્રકાશે છે પણ વ્યવહારથી કે નયપક્ષના વિકલ્પથી તે પ્રકાશતો નથી. આવું જ વસ્તુનું સ્વરૂપ છે. વિજ્ઞાનઘનસ્વરૂપ આત્મા નિર્વિકલ્પ જ્ઞાનની નિર્મળ દશાથી પ્રાપ્ત થાય એવો છે પણ શ્રુતજ્ઞાનના બાહ્ય વિકલ્પથી પ્રાપ્ત થાય એમ નથી.
આવો સમયસાર એટલે શુદ્ધાત્મા નિભૃત એટલે નિશ્ચળ, આત્મલીન પુરુષો વડે સ્વયં આસ્વાદ્યમાન છે. અહાહા...! જે પુરુષો ચિંતારહિત, વિકલ્પરહિત થઈને સ્વરૂપમાં લીન થયા છે તેમને આત્મા સ્વયં આસ્વાદ્યમાન છે એટલે કે આસ્વાદમાં આવે છે.