૩૬૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ કરાયેલો નથી, કોઈએ તેને ઉત્પન્ન કર્યો છે એવું એનું સ્વરૂપ નથી. ટીકામાં જે આવ્યું કે આદિ- મધ્ય-અંતરહિત છે એનો જ અર્થ અહીં પુરાણ કર્યો છે. ધ્રુવ-ધ્રુવ-ધ્રુવ અનાદિ-અનંત પ્રવાહરૂપ છે. પ્રવાહ એટલે અહીં પર્યાયની વાત નથી; ધ્રુવપ્રવાહરૂપ સામાન્યની વાત છે.
વળી તે પુરુષ છે. આત્માને સેવે તે પુરુષ છે. રાગને સેવે તે પુરુષ નહિ, તે નપુંસક છે. ૪૭ શક્તિના અધિકારમાં એક વીર્યશક્તિનું વર્ણન છે. સ્વરૂપની રચનાના સામર્થ્યરૂપ વીર્યશક્તિ છે. પોતાના પરિપૂર્ણ પવિત્રપદની રચના કરે તેનું નામ વીર્ય અને પુરુષાર્થ છે. રાગને જે રચે તે વીર્યગુણનું કાર્ય નથી. અરે, વ્યવહારરત્નત્રયના રાગને રચે તે પણ વીર્યગુણનું કાર્ય નથી, એ તો નપુંસકતા છે; કેમકે જેમ નપુંસકને પ્રજા ન હોય તેમ શુભભાવવાળાને પણ આત્મધર્મરૂપ પ્રજા હોતી નથી. રાગની રુચિવાળાને લાગે કે આ તે શું વાત છે! બાપુ! માર્ગ તો આવો છે. ભાઈ! તું પણ ભગવાન છો. દ્રવ્યે બધા આત્મા સાધર્મી છે. બધા આત્મા વિજ્ઞાન જ જેનો એક રસ છે એવા ભગવાન છે. એની દ્રષ્ટિમાં એ ભલે ન આવે, પણ એ ભગવાન છે. કોઈ સાથે વેર-વિરોધ ન હોય. અહીં પાંચ વિશેષણથી આત્મા કહ્યો છે-
૧. વિજ્ઞાન જ જેનો એકરસ છે એવો વિજ્ઞાન-એકરસસ્વરૂપ છે; ૨. એવો ભગવાન છે; ૩. પવિત્ર છે; ૪. પુરાણ છે; પ. પુરુષ છે. પુમાન્નો અર્થ પુરુષ થાય છે.
હવે કહે છે-આવો વિજ્ઞાન જ એકરસ જેનો છે તેને ‘ज्ञानं दर्शनम् अपि अयं’ જ્ઞાન કહો કે દર્શન કહો-તે આ (સમયસાર) જ છે. અહાહા...!! આવો વિજ્ઞાનઘન પ્રભુ છે! તેને જ્ઞાન કહો તો તે, દર્શન કહો તો તે, આનંદ કહો તો તે, પરમેશ્વર કહો તો તે-એમ અનંત નામથી કહો તો તે આ જ છે. ભગવાનના એક હજાર આઠ નામનું વર્ણન આદિપુરાણમાં છે. પં. શ્રી બનારસીદાસે પણ જિનસહસ્રનામ સ્તોત્ર બનાવ્યું છે; તેમાં ૧૦૦૮ નામનું વર્ણન કર્યું છે. અહીં કહે છે-તેને જ્ઞાન કહો કે દર્શન કહો-તે બધું આત્મા જ છે, સમયસાર જ છે. અનંતગુણનું ધામ પરિપૂર્ણ વસ્તુ આત્મા પોતે છે. જ્ઞાન, દર્શન, આનંદ ઇત્યાદિ બધું કાંઈ આત્માથી જુદી ચીજ નથી.
નિશ્ચયમાં વ્યવહારની અપેક્ષા નથી. વ્યવહાર હો, બીજો નય હો; બીજો નય છે, બીજા નયનો વિષય પણ છે; પણ તે બીજા નયની અપેક્ષા નથી. એવો નિરપેક્ષ માર્ગ છે.
પ્રશ્નઃ– તો ‘निरपेक्षा नया मिथ्याः’ એમ શાસ્ત્રમાં કહ્યું છે ને?