અનાદિથી તેં તારી હિંસા જ કરી છે. તો હવે વસ્તુ, ધ્રુવ, અભેદ, સામાન્ય જ્ઞાયકભાવરૂપ છે તેનો આશ્રય કરી, અંતરમાં સ્વીકાર કરી, સમ્યગ્દર્શનાદિ ધર્મ પ્રગટ કરવો જોઈએ. આ સિવાય જેટલા બાહ્ય ક્રિયાકાંડ છે તે સઘળા ચારગતિમાં રખડવાના માર્ગછે.
આત્મા અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતશાંતિ, અનંત પ્રભુતા, અનંત સ્વચ્છતા, એમ અનંત અનંત ભાવસ્વરૂપે અનંત શક્તિઓથી સંપન્ન પરમાર્થ વસ્તુ છે. તેની સન્મુખ થઈ તેનો આશ્રય કરતાં સમ્યગ્દર્શન પ્રગટ થાય છે.
શ્રીમદ્ રાજચંદ્ર આત્મસિદ્ધિમાં કહે છે-
બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ.
આત્મા શુદ્ધ કહેતાં પવિત્ર છે. બુદ્ધ એટલે જ્ઞાનસ્વરૂપ છે. ચૈતન્યઘન કહેતાં અસંખ્યપ્રદેશી છે. સર્વજ્ઞ સિવાય બીજે કયાંય, આત્મા અસંખ્યપ્રદેશી છે એવી વાત નથી. આત્મા સ્વયંજ્યોતિ છે, એટલે સ્વયં સિદ્ધ વસ્તુ છે. કોઈએ ઉત્પન્ન કરી હોય કે કોઈથી નાશ પામે એવી ચીજ નથી. તે સુખધામ છે, એટલે આનંદનું-અતીન્દ્રિય આનંદનું ધામ છે. આવો આત્મા અભેદ એકરૂપ ભૂતાર્થ વસ્તુ છે. તેને ‘કર વિચાર તો પામ’-એટલે કે જ્ઞાનની પર્યાયમાં સ્વસંવેદન વડે આવા જ્ઞાયકને લક્ષમાં લે તો તેની પ્રાપ્તિ થાય. અમારી પાસેથી કાંઇ મળે તેમ નથી. પોતાના અનંત ગુણોમાં વ્યાપેલું અભેદ, અખંડ, જે ધ્રુવતત્ત્વ, એની દ્રષ્ટિ કરવી એ નિશ્ચય સમ્યગ્દર્શન છે. આ સિવાય બહારના ક્રિયાકાંડમાં-રાગમાં ધર્મ માની પ્રવર્તે તે મિથ્યાદ્રષ્ટિ છે.
વ્યવહારનય બધોય અભૂતાર્થ હોવાથી અવિદ્યમાન, અસત્ય, અભૂત અર્થને પ્રગટ કરે છે. વ્યવહારનય અવિદ્યમાન અર્થને પ્રગટ કરે છે. જે વસ્તુના સ્વરૂપમાં નથી તેને વ્યવહારનય પ્રગટ કરે છે માટે તે અભૂતાર્થ છે. અભેદ વસ્તુમાં ભેદ નથી છતાં એવા અવિદ્યમાન અર્થને વ્યવહારનય પ્રગટ કરે છે.
જ્ઞાનમાં જણાય તેવો બુદ્ધિપૂર્વકનો રાગ તથા જ્ઞાનમાં ન જણાય એવો અબુદ્ધિપૂર્વકનો રાગ-એવા રાગના બન્ને પ્રકાર વસ્તુમાં નથી. તેમ જ રાગને જાણનારું જ્ઞાન તે વસ્તુમાં નથી. અને જ્ઞાન તે આત્મા-એવો ભેદ પણ અભેદ વસ્તુમાં નથી. આમ વ્યવહારનય અવિદ્યમાન અર્થને પ્રગટ કરે છે, તેથી તે અભૂતાર્થ છે. બીજી રીતે કહીએ તો દ્રવ્ય અભેદ