તે આત્માની વાત પણ નથી. અહીં તો સર્વજ્ઞ પરમેશ્વરે જે પ્રત્યક્ષ જોયો, જાણ્યો અને દિવ્યધ્વનિમાં કહ્યો એ ત્રિકાળી સત્ ચૈતન્યસ્વરૂપ પરમબ્રહ્મસ્વરૂપ આનંદકંદ આત્મા ભૂતાર્થ છે. અને તેનો આશ્રય કરતાં જે નિર્વિકલ્પ અનુભવ થાય તે ધર્મનું પહેલું પગથિયું સમ્યગ્દર્શન છે. કોઈને એમ લાગે કે પર્યાય સ્વતંત્ર છે અને વળી જ્ઞાયકનો આશ્રય કરે તે શું છે? તો કહે છે કે વર્તમાન પર્યાય સ્વતંત્રપણે કર્તા થઈને રાગનું લક્ષ છોડી અંતરમાં સ્વભાવ-સન્મુખ થઈને, જ્ઞાયક પૂર્ણાનંદ તરફ વળે, ઢળે તેને આશ્રય કરે છે એમ કહેવામાં આવે છે. દ્રવ્યની પ્રાપ્તિ થાય છે તે પર્યાયમાં થાય છે. અનાદિથી પર્યાય રાગની પ્રાપ્તિમાં પડી છે, એ મિથ્યાત્વ છે. ત્યાં જે જ્ઞાનની પર્યાય અંતર વળીને અંદર જ્ઞાયકની સન્મુખ થાય, સત્ પૂર્ણાનંદની તરફ ઢળે તે આત્માની પ્રાપ્તિ છે, તે સમ્યગ્દર્શન છે. અહા! જિનેશ્વરદેવનો માર્ગ એ જ દિગંબર જૈનધર્મ છે. એમાં આવી સત્ય ન્યાયયુક્ત વાત છે, અન્યત્ર કયાંય નથી. ભાઈ, કોઈને રુચે ન રુચે એ જુદી વાત છે. ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમેશ્વરના મુખથી જે દિવ્યધ્વનિ છૂટી એમાં એમ આવ્યું કે-અખંડ એક અભેદ સામાન્ય ધ્રુવ જે વસ્તુ, વર્તમાન પર્યાયને બાદ કરતાં જે રહે તે અભેદ વસ્તુ-તે ભૂતાર્થ છે, સત્યાર્થ છે. તે જ દ્રષ્ટિનો વિષય છે. અને એનો આશ્રય કરવાથી એટલે એની સન્મુખ ઢળવાથી જીવ સમ્યગ્દ્રષ્ટિ થાય છે. ભૂતાર્થનો આશ્રય પર્યાય લે છે એટલે પર્યાય ભૂતાર્થ તરફ ઢળે છે એમ અર્થ છે. આશ્રય કહો, આલંબન કહો બધું એકાર્થ છે. કેટલાકને એમ થાય કે જૈન ધર્મનો માર્ગ આવો હશે? દયા પાળવી, ભક્તિ કરવી, વ્રત કરવાં એ બધું શું ધર્મ નહીં? ભાઈ, પરની દયા કોણ પાળી શકે છે? પર દ્રવ્ય તો સ્વતંત્ર છે. પર દ્રવ્યની અવસ્થા તેના પોતાના કારણે જે થવાની હોય છે તે થાય છે. તે શું તું કરી દે છે? પરની અવસ્થા તું કરે એમ છે જ નહીં. ‘દયા ધર્મનું મૂળ છે, પાપ મૂળ અભિમાન-’ એમ આવે છે ને? પણ કોની દયા? ભાઈ! ભગવાને કહેલી વીતરાગી દયાનું સ્વરૂપ જુદું છે. પરનું લક્ષ છોડી વર્તમાન પર્યાય ત્રિકાળી ભૂતાર્થ સત્ નિજ જ્ઞાયકના આશ્રયે જે વીતરાગ દશા પ્રગટ કરે તેને ભગવાન અહિંસા કહે છે. તે સાચી દયા છે. ધર્મનું સ્વરૂપ બહુ સૂક્ષ્મ છે. લોકોને સત્ય વાત સાંભળવા જ મળી નથી. ધ્રુવ ત્રિકાળી સત્ સામાન્ય જ્ઞાયક વસ્તુ તે પરમાર્થ છે. તેનો અનાદર કરીને વર્તમાન પર્યાયનો કે રાગનો આદર કરવો એ જ જીવની હિંસા છે. પોતે હયાત છે તેનો નકાર કરવો એ જ હિંસા છે, અને તેનો અંતરમાં સ્વીકાર કરવો તેનું નામ અહિંસા છે, દયા છે, ધર્મ છે.