પહેલાં એમ કહ્યું હતું કે વ્યવહારને અંગીકાર ન કરવો. પણ જો તે પરમાર્થનો કહેનાર છે તો એવા વ્યવહારને કેમ અંગીકાર ન કરવો? જ્ઞાન તે આત્મા એવો ભેદ કરનાર વ્યવહાર પરમાર્થરૂપ આત્માનું પ્રતિપાદન કરે છે તો પછી તેને કેમ અંગીકાર ન કરવો? આવો શિષ્યનો પ્રશ્ન છે. તેના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છેઃ-
પ્રવચન નંબર ૨૪–૨૯, તારીખ ૨૪–૧૨–૭પ થી ૨૯–૧૨–૭પ
આ ગાથા બહુ ઊંચી છે. માલ, માલ ભર્યો છે. વીતરાગ પરમેશ્વરનો માર્ગ જે જૈન દર્શન તેનો આ અગિયારમી ગાથા પ્રાણ છે. બહુ શાંતિ અને ધીરજથી સમજવા જેવી આ ગાથા છે. અનંતકાળમાં સત્ય શું છે તે સાંભળવા મળ્યું નથી અને કદાચ સાંભળવા મળ્યું તો તે સમજવાનો પ્રયત્ન કર્યો નહીં તેથી તેની શ્રદ્ધા થઈ નથી. આ સત્યનું સ્વરૂપ અહીં બતાવ્યું છે. ભગવાનની વાણીમાં જે વાત આવી તેનો સાર આ ગાથામાં ભર્યો છે.
વ્યવહારનય અભૂતાર્થ છે, અને શુદ્ધનય ભૂતાર્થ છે એમ ઋષીશ્વરોએ દર્શાવ્યું છે. ત્રિલોકીનાથ તીર્થંકરદેવ અને સાધુઓના અગ્રેસર ગૌતમ આદિ ગણધરોએ એમ કહ્યું છે કે વ્યવહારનય અભૂતાર્થ એટલે અસત્ય છે, જૂઠો છે અને નિશ્ચયનય ભૂતાર્થ એટલે સત્ય, સાચો છે.
જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યગ્દ્રષ્ટિ છે. ત્રિકાળી પૂર્ણ આનંદસ્વરૂપ જે જ્ઞાયકભાવ, છતો પદાર્થ, શાશ્વત ચીજ આત્મા છે તે ભૂતાર્થ છે. જે જીવ તેનો આશ્રય કરે એટલે કે તેની સન્મુખ થાય તે નિશ્ચયથી સમ્યગ્દ્રષ્ટિ છે. કર્મ, રાગ, ગુણ-ગુણીના ભેદ એ સઘળો વ્યવહાર છે. તે અસત્યાર્થ છે, જૂઠો છે કેમકે કર્મ, રાગ અને ગુણભેદ એ ત્રિકાળી વસ્તુમાં નથી. ધ્રુવ વસ્તુ જે અનાદિ-અનંત અસંયોગી, શાશ્વત, ભૂતાર્થ વસ્તુ-જેમાં સંયોગ, રાગ, પર્યાય કે ગુણભેદ નથી.-એવા અભેદની દ્રષ્ટિ કરવી, આશ્રય કરવો એ સમ્યગ્દર્શન છે.
આ તો પ્રથમ દરજ્જાનો ધર્મ, જે સમ્યગ્દર્શન તે કોને કહેવાય તેની વાત ચાલે છે. અંદર આત્મા ત્રિકાળી એકરૂપ અભેદ જ્ઞાયક છે તેનો દ્રષ્ટિમાં જ્યાં સુધી સ્વીકાર આવે નહીં ત્યાં સુધી સમ્યગ્દર્શન નથી. જૈન કુળમાં જન્મ્યો માટે જૈન એવી અહીં વાત નથી. અનંતગુણોનો અભેદ પિંડ એક ધ્રુવ આત્માનો આશ્રય લઈ એની પ્રતીતિ કરે તે સમ્યગ્દર્શન છે. તે જૈનધર્મ છે. જૈનધર્મ કોઈ વાડાની ચીજ નથી, એ તો વસ્તુનું સ્વરૂપ છે.
આત્માને તેની સન્મુખ થઈને જાણવો તેનું નામ સમ્યગ્દર્શન છે. અજ્ઞાનીઓએ જેવો આત્મા કલ્પ્યો હોય તેની અહીં વાત નથી. વેદાંતીઓએ જેવો સર્વવ્યાપક માન્યો