જળ-કાદવના વિવેકપણાથી પોતાના પુરુષાર્થ દ્વારા આવિર્ભૂત કરવામાં આવેલા સહજ એક નિર્મળભાવપણાને લીધે, તેને (જળને) નિર્મળ જ અનુભવે છે; એવી રીતે પ્રબળ કર્મના મળવાથી જેનો સહજ એક જ્ઞાયકભાવ તિરોભૂત થઈ ગયો છે એવા આત્માનો અનુભવ કરનાર પુરુષો-આત્મા અને કર્મનો વિવેક નહિ કરનારા, વ્યવહારથી વિમોહિત હૃદયવાળાઓ તો, તેને (આત્માને) જેમાં ભાવોનું વિશ્વરૂપપણું (અનેકરૂપપણું) પ્રગટ છે એવો અનુભવે છે; પણ ભૂતાર્થદર્શીઓ (શુદ્ધનયને દેખનારાઓ) પોતાની બુદ્ધિથી નાખેલા શુદ્ધનય અનુસાર બોધ થવામાત્રથી ઊપજેલા આત્મ-કર્મના વિવેકપણાથી, પોતાના પુરુષાર્થ દ્વારા આવિર્ભૂત કરવામાં આવેલા સહજ એક જ્ઞાયકભાવપણાને લીધે તેને (આત્માને) જેમાં એક જ્ઞાયકભાવ પ્રકાશમાન છે એવો અનુભવે છે. અહીં, શુદ્ધનય કતકફળના સ્થાને છે તેથી જેઓ શુદ્ધનયનો આશ્રય કરે છે તેઓ જ સમ્યક્ અવલોકન કરતા (હોવાથી) સમ્યગ્દ્રષ્ટિ છે પણ બીજા (જેઓ અશુદ્ધનયનો સર્વથા આશ્રય કરે છે તેઓ) સમ્યગ્દ્રષ્ટિ નથી. માટે કર્મથી ભિન્ન આત્માના દેખનારાઓએ વ્યવહારનય અનુસરવા યોગ્ય નથી.
ભાવાર્થઃ– અહીં વ્યવહારનયને અભૂતાર્થ અને શુદ્ધનયને ભૂતાર્થ કહ્યો છે. જેનો વિષય વિદ્યમાન ન હોય, અસત્યાર્થ હોય, તેને અભૂતાર્થ કહે છે. વ્યવહારનયને અભૂતાર્થ કહેવાનો આશય એવો છે કે-શુદ્ધનયનો વિષય અભેદ એકાકારરૂપ નિત્ય દ્રવ્ય છે, તેની દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી; માટે તેની દ્રષ્ટિમાં અવિદ્યમાન, અસત્યાર્થ જ કહેવો જોઈએ. એમ ન સમજવું કે ભેદરૂપ કાંઈ વસ્તુ જ નથી. જો એમ માનવામાં આવે તો તો જેમ વેદાંત-મતવાળાઓ ભેદરૂપ અનિત્યને દેખી અવસ્તુ માયાસ્વરૂપ કહે છે અને સર્વવ્યાપક એક અભેદ નિત્ય શુદ્ધબ્રહ્મને વસ્તુ કહે છે એવું ઠરે અને તેથી સર્વથા એકાંત શુદ્ધનયના પક્ષરૂપ મિથ્યાદ્રષ્ટિનો જ પ્રસંગ આવે. માટે અહીં એમ સમજવું કે જિનવાણી સ્યાદ્વાદરૂપ છે, પ્રયોજનવશ નયને મુખ્ય-ગૌણ કરીને કહે છે. પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિ કાળથી જ છે અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. વળી જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધનયનો હસ્તાવલંબ (સહાયક) જાણી બહુ કર્યો છે; પણ એનું ફળ સંસાર જ છે. શુદ્ધનયનો પક્ષ તો કદી આવ્યો નથી અને એનો ઉપદેશ પણ વિરલ છે-કયાંક કયાંક છે. તેથી ઉપકારી શ્રી ગુરુએ શુદ્ધનયના ગ્રહણનું ફળ મોક્ષ જાણીને એનો ઉપદેશ પ્રધાનતાથી (મુખ્યતાથી) દીધો છે કે-‘શુદ્ધનય ભૂતાર્થ છે, સત્યાર્થ છે; એનો આશ્રય કરવાથી સમ્યગ્દ્રષ્ટિ થઈ શકાય છે; એને જાણ્યા વિના જ્યાં સુધી જીવ વ્યવહારમાં મગ્ન છે ત્યાં સુધી આત્માના જ્ઞાનશ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યક્ત્વ થઈ શકતું નથી.” એમ આશય જાણવો.