૩૭૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ રાગનો કર્તા થાય તેનું રાગ એકલું કાર્ય છે. મિથ્યાદ્રષ્ટિનું રાગ એકલું કાર્ય છે, પછી ભલે તે શ્રાવકપદ ધરાવતો હોય કે મુનિપદ ધરાવતો હોય. છહઢાલામાં આવે છે કે-
અહા! એણે અનંતવાર મુનિવ્રત ધારણ કર્યાં, પંચમહાવ્રત અને અટ્ઠાવીસ મૂલગુણનું અનંતવાર પાલન કર્યું; પણ તે બધું શુભરાગના કેવળ કર્તા થઈને કર્યું તેથી કેવળ રાગ તેનું કર્મ થયું, પરંતુ આત્મજ્ઞાન પ્રાપ્ત ન થયું. પરિણામે તેને લેશમાત્ર આત્માનું સુખ ન મળ્યું. પંચમહાવ્રતના પરિણામ પણ તેને દુઃખરૂપ બોજારૂપ થયા. ભાઈ! વીતરાગના માર્ગ સિવાય આવી સત્ય વાત બીજે કયાંય નથી. અહો! દિગંબર સંતોએ મોક્ષમાર્ગ અતિ અતિ સ્પષ્ટ ખોલી દીધો છે, સુગમ કરી દીધો છે. હવે કહે છે-
‘सविकल्पस्य’ જે જીવ વિકલ્પસહિત છે તેનું ‘कर्तृकर्मत्वं’ કર્તાકર્મપણું ‘जातु नश्यति न’ કદી નાશ પામતું નથી. વિકલ્પ મારી ચીજ છે એમ જે વિકલ્પસહિત હોય તેને ‘હું વિકલ્પનો કર્તા અને વિકલ્પ મારું કાર્ય’ -એવું કર્તાકર્મપણું અવિરત ચાલ્યા જ કરે છે, તેને નિશ્ચય સમ્યગ્દર્શન કદી પ્રગટ થતું નથી.
ત્યારે કોઈ કહે છે વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય; તેને અહીં કહે છે-ન થાય. જે રાગનો કર્તા થાય તેનું રાગ જ કેવળ કર્મ છે અને તેનું કર્તાકર્મપણું નાશ પામતું નથી. ભાઈ! જેનાથી ભિન્ન પડવું છે, જેનાથી ભેદજ્ઞાન કરવું છે તે રાગથી ધર્મ કેમ થાય? ન થાય. ભલે આ વાત દુર્ગમ લાગે તોપણ માર્ગ તો આ જ સત્ય છે કે ભગવાન આત્મા રાગથી કદી પ્રાપ્ત થતો નથી; વ્યવહારથી નિશ્ચય કદી પ્રગટતો નથી. પોતે જ્ઞાનાનંદસ્વરૂપ પરમાત્મદ્રવ્ય છે તેને છોડીને હું રાગવાળો છું, રાગમય છું એમ જે માને તેને રાગનું કર્તાકર્મપણું કદી મટતું નથી.
ત્યારે કોઈ કહે-અમે તો મોટાં મોટાં વેપારનાં-ઝવેરાત આદિનાં કામ કરીએ અને અમારી હોશિયારીથી ખૂબ ધન કમાઈએ-એ તો કામ અમે કરીએ છીએ ને?
સમાધાનઃ– ધૂળેય તું ધન કમાતો નથી, સાંભળને; એ ધન તો પૂર્વનાં પુણ્ય હોય તો આવે છે. તું તો માત્ર રાગની-મોહની મજૂરી કરે છે અને હું કમાઉં છું એમ માને છે તે અજ્ઞાન છે, મિથ્યાત્વ છે. પહેલાં કહ્યું ને કે પરદ્રવ્યનું કાર્ય અજ્ઞાની પણ કરી શકતો નથી. પરદ્રવ્યની અવસ્થા તે તે દ્રવ્યથી પોતાથી થાય છે. પોતાની પર્યાયની વ્યવસ્થિત વ્યવસ્થા કરનાર પોતાનું દ્રવ્ય છે, તેને બીજું દ્રવ્ય કરે એ વાત ત્રણકાળમાં સત્ય નથી. તું વેપારની બાહ્ય ક્રિયા અને ધન કમાવાનું કામ કરે છે એ વાત તદ્ન અસત્ય છે; હા, અજ્ઞાનવશ તેવા રાગનો કર્તા થઈ મિથ્યાત્વને સેવે છે, પણ તેનું ફળ બહુ આકરું આવશે. ભાઈ! મિથ્યાત્વનું પરંપરા ફળ નિગોદ છે.