સમયસાર ગાથા-૧૪૪ ] [ ૩૭૩
હવે કર્તાકર્મ અધિકારનો ઉપસંહાર કરતાં, કેટલાંક કળશરૂપ કાવ્યો કહે છે; તેમાં પ્રથમ કળશમાં કર્તા અને કર્મનું સંક્ષિપ્ત સ્વરૂપ કહે છેઃ-
ઉત્પન્ન થાય છે તેનો કરનાર જ કેવળ કર્તા છે. બીજો કોઈ કર્તા નથી. પોતાને વિકલ્પનો કર્તા માને તે મિથ્યાદ્રષ્ટિ જીવ જ વિકલ્પનો કેવળ કર્તા છે; અને વિકલ્પનો ભેદ કરી ભેદજ્ઞાન કરનાર, જાણનાર જ્ઞાની જ્ઞાતા છે, ધર્મી છે. અહા! રાગનો કર્તા થાય તે કેવળ કર્તા છે (જ્ઞાતા નથી). શરીર, મન, વાણી ઇત્યાદિ પરનો કર્તા તો આત્મા છે જ નહિ. પરની દયા કરવી કે હિંસા કરવી-એ ત્રણકાળમાં આત્મા કરતો નથી, કરી શકતો નથી. પરદ્રવ્યની અવસ્થાનો આત્મા કદીય કર્તા નથી. અજ્ઞાનપણે તે રાગનો કર્તા થાય છે અને ત્યારે તે રાગનો કેવળ કર્તા છે. આ સિવાય આત્મા જડકર્મનો કર્તા નથી અને જડ દ્રવ્યકર્મ રાગનું કર્તા નથી. અજ્ઞાનપણે રાગને કરનાર મિથ્યાત્વી જીવ રાગનો કેવળ કર્તા છે. લોકોને આ વાત સૂક્ષ્મ પડે છે, પણ ભાઈ! જન્મ-મરણરહિત થવાનો આ એક જ માર્ગ છે.
વીતરાગ માર્ગ વીતરાગસ્વરૂપ જ છે, તે રાગથી કેમ ઉત્પન્ન થાય? રાગથી ઉત્પન્ન થાય તે બીજી ચીજ છે, વીતરાગમાર્ગ નથી. અહીં તો કહે છે કે રાગનો કરવાવાળો કેવળ એટલે એકલો કર્તા છે. હવે કહે છે-
‘विकल्पः केवलं कर्म’ વિકલ્પ જ કેવળ કર્મ છે. જુઓ, આ વીતરાગ પરમેશ્વર દેવાધિદેવ જિનેન્દ્રદેવનો હુકમ છે. મહાવિદેહક્ષેત્રમાં સીમંધર પરમાત્મા ‘ણમો અરિહંતાણં’ પદમાં બિરાજે છે. તેમની દિવ્યધ્વનિ ત્યાં નિરંતર છૂટી રહી છે. સંવત ૪૯માં શ્રી કુંદકુંદાચાર્યદેવ ત્યાં ગયા હતા. ત્યાંથી આવીને આ શાસ્ત્રો બનાવ્યાં છે. તેઓ કહે છે-આત્મા વિજ્ઞાનઘનસ્વભાવ હોવા છતાં જ્યાંસુધી રાગનો કર્તા થાય ત્યાંસુધી તે એકલો કર્તા છે, અને તે રાગ તેનું કેવળ કર્મ છે. અજ્ઞાનીનું રાગ એકલું કાર્ય છે. પરના કાર્યનો કર્તા તો આત્મા છે નહિ, તેથી રાગનો કર્તા થનાર અજ્ઞાનીનું કેવળ રાગ કર્મ છે. આવું વસ્તુસ્વરૂપ છે; તેના ભાન વિના અનાદિ કાળથી અજ્ઞાની મૂઢ થઈને ચાર ગતિમાં રૂલે છે.
ભગવાન આત્મા સદા જિનપદરૂપ છે, સિદ્ધપદરૂપ છે; અત્યારે પણ હોં! વર્તમાનમાં પણ તે વીતરાગસ્વરૂપ જ છે. જો સ્વરૂપથી વીતરાગ ન હોય તો વીતરાગતા પ્રગટશે કયાંથી? વીતરાગતા કાંઈ બહારથી આવતી નથી. આવા વીતરાગસ્વભાવને ભૂલીને પોતાને રાગનો કર્તા માને, રાગને પોતાનું કર્મ માને તેને આત્માની શાંતિ બળી રહી છે, દાઝી રહી છે. ભગવાન આત્મા સદા વિજ્ઞાનઘનસ્વરૂપ છે. તેનાથી ભ્રષ્ટ થઈને જે