૩૭૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ ખેંચતો અર્થાત્ પોતાની પરિણતિને પોતાના તરફ વાળતો પોતાના વિજ્ઞાનઘનસ્વભાવમાં આવી મળે છે.
રાગથી ભિન્ન પોતાના ચૈતન્યસ્વભાવને જાણીને પોતાની નિર્મળ જ્ઞાનની પર્યાય દ્વારા પોતાના પુરુષાર્થથી અંતરસ્વભાવમાં ગતિ કરે છે. રાગથી ભિન્ન પડેલી જ્ઞાનની પર્યાયને અંતરસ્વભાવ સાથે જોડી દે છે.
પ્રશ્નઃ– જ્ઞાનીને પણ વિકલ્પ તો આવે છે?
ઉત્તરઃ– હા, જ્ઞાનીને વિકલ્પ આવે છે તેને તે પોતાની ચીજ નથી એમ જાણે છે. જ્ઞાની વિકલ્પના સ્વામિત્વપણે પરિણમતો નથી. જ્ઞાની જે વિકલ્પ આવે છે તેનો કર્તા થતો નથી. સમયસાર નાટકમાં કહ્યું છે કે-
અહાહા...! વીતરાગ પરમેશ્વરે મિથ્યાદ્રષ્ટિ અને સમ્યગ્દ્રષ્ટિના માર્ગ સાવ ભિન્ન કહ્યા છે. શુભાશુભ રાગ છે તે ખરેખર પુદ્ગલમય પરિણામ છે. તેને પોતાના માની અજ્ઞાની ગહન વિકલ્પ-વનમાં પરિભ્રમણ કરે છે; જ્યારે જ્ઞાની રાગ અને વિકલ્પથી ભિન્ન પોતાની જ્ઞાનાનંદસ્વભાવી વસ્તુ છે એમ જાણી સ્વભાવ ભણી ગતિ કરી સ્વભાવમાં જઈને મળે છે. ભેદજ્ઞાનરૂપી જે ગંભીર ઢાળવાળો માર્ગ છે તે અંદર સ્વભાવમાં જતો માર્ગ છે અને જે વિકલ્પ છે તે બહાર પર તરફ જતો માર્ગ છે. ભેદજ્ઞાન વડે જેને સ્વભાવનો આશ્રય થાય છે તે વિકલ્પથી ભિન્ન પડી ગયો હોય છે અને તેથી તે વિકલ્પનો કર્તા થતો નથી. અજ્ઞાની દયા, દાન, વ્રત આદિ શુભ વિકલ્પોને પોતાનું સ્વરૂપ માની, વિકલ્પનો કર્તા થઈ, નિજ ચૈતન્યસ્વરૂપથી ભ્રષ્ટ થઈને વિકલ્પવનમાં ચિરકાળ પરિભ્રમે છે.
મોક્ષમહેલનું પ્રથમ સોપાન સમ્યગ્દર્શન છે. રાગથી ભિન્ન થઈ, ભેદજ્ઞાન દ્વારા પોતાના વિજ્ઞાનઘનસ્વભાવમાં એકાકાર થઈ પરિણમવું તેનું નામ સમ્યગ્દર્શન છે અને તે મોક્ષમહેલનું પ્રથમ પગથિયું છે. શુભાશુભ રાગથી ભિન્ન નિજ ચૈતન્યતત્ત્વનો આશ્રય કરીને જેણે સ્વરૂપની પરિણતિ પ્રગટ કરી છે તે સમકિતી જીવ રાગનો કર્તા નથી; કેમકે રાગથી ભિન્ન તે નિર્મળદશારૂપે પરિણમે છે, રાગને તે પોતામાં ભેળવતો જ નથી. જ્યારે અજ્ઞાની જીવ આ શરીર, મન, વાણી મારાં, હું પરને જીવાડું, સુખી-દુઃખી કરું ઇત્યાદિ અનેક વિકલ્પની જાળમાં ગુંચાઈ જઈને સંસારવનમાં દીર્ઘ પરિભ્રમણ કરે છે. કયારેક તે ભેદજ્ઞાન માર્ગ દ્વારા રાગથી અને પરથી ખસીને બળપૂર્વક પુરુષાર્થ વડે પોતાની પરિણતિને સ્વભાવ ભણી વાળી ચૈતન્યસ્વભાવમાં જોડી દે છે ત્યારે તેને સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન પ્રગટ થાય છે. અહો! ભગવાન શ્રી જિનેશ્વરદેવે અને દિગંબર સંતોએ કહેલો આ કોઈ દિવ્ય અલૌકિક માર્ગ છે!