સમયસાર ગાથા-૧૪૪ ] [ ૩૭૧
‘જેમ જળ, જળના નિવાસમાંથી કોઈ માર્ગે બહાર નીકળી વનમાં અનેક જગ્યાએ ભમે; પછી કોઈ ઢાળવાળા માર્ગ દ્વારા, જેમ હતું તેમ પોતાના નિવાસસ્થાનમાં આવી મળે; તેવી રીતે આત્મા પણ મિથ્યાત્વના માર્ગે સ્વભાવથી બહાર નીકળી વિકલ્પોના વનમાં ભ્રમણ કરતો થકો કોઈ ભેદજ્ઞાનરૂપી ઢાળવાળા માર્ગ દ્વારા પોતે જ પોતાને ખેંચતો પોતાના વિજ્ઞાનઘનસ્વભાવમાં આવી મળે છે.’
પાણી પોતાના નિવાસમાંથી કોઈ માર્ગે બહાર નીકળી વનમાં ભમે, અને પછી ઢાળવાળા માર્ગ દ્વારા જેમ હતું તેમ પોતાના નિવાસસ્થાનમાં આવીને મળી જાય છે. તેવી રીતે આત્મા પોતાના શુદ્ધ ચૈતન્યસ્વભાવથી બહાર નીકળી અનાદિથી મિથ્યાત્વના માર્ગે વિકલ્પરૂપી વનમાં ભમે છે. દયા, દાન અને કામ, ક્રોધ આદિ જે પુણ્ય-પાપના ભાવ થાય છે તે મારા છે એમ જે માને તે અજ્ઞાની મિથ્યાત્વના માર્ગે છે. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યઘનસ્વભાવરૂપ છે. રાગાદિ વિકલ્પ એની ચીજ નથી, એના સ્વરૂપમાં નથી. છતાં રાગાદિ ભાવ મારા છે એમ જે માને તે મિથ્યાત્વના માર્ગે છે; તે સ્વરૂપથી ભ્રષ્ટ થઈને એટલે કે બહાર નીકળીને પુણ્ય-પાપરૂપ અનેક વિકલ્પોના વનમાં ભમે છે. પરની દયા પાળું, પરને સહાય કરું, પરને જીવાડું, પરને મારું-એવા અનેક પ્રકારના વિકલ્પોના વનમાં જીવ મિથ્યાત્વના માર્ગે પરિભ્રમણ કરે છે.
અજ્ઞાની સ્વભાવથી બહાર નીકળી મિથ્યાત્વના માર્ગે અનેક વિકલ્પોના વનમાં ભ્રમણ કરી રહ્યો છે. પુણ્ય-પાપના વિકલ્પ જે પોતાની ચીજ નથી તેને પોતાની માનતો થકો તે બહિરાત્મા છે. અહીં હવે તે બહિરાત્મપણું છોડી કેવી રીતે સમ્યક્ત્વના માર્ગે પડી પોતાના સ્વભાવમાં આવી મળે છે તે બતાવે છે. કહે છે-ભેદજ્ઞાનરૂપી ઢાળવાળા માર્ગ દ્વારા પોતે જ પોતાને ખેંચતો પોતાના વિજ્ઞાનઘનસ્વભાવમાં આવી મળે છે. ‘વિવેક-નિમ્નગમનાત્’ એમ શ્લોકમાં પાઠ છે એનો અર્થ એ કે ભેદજ્ઞાનરૂપી ગંભીર માર્ગ દ્વારા પોતે પોતાના જ્ઞાનઘનસ્વભાવમાં આવી મળે છે. ઢાળવાળો માર્ગ એટલે ભેદજ્ઞાનરૂપી ગંભીર માર્ગ-એમ અર્થ છે.
વિજ્ઞાનઘનસ્વભાવમય આત્મા ચૈતન્યતત્ત્વ છે. શુભાશુભ રાગાદિ ભાવ છે તે પુણ્ય અને પાપતત્ત્વ છે. અજ્ઞાની પોતાના ચૈતન્યતત્ત્વને પુણ્ય-પાપ તત્ત્વરૂપ માનીને અનાદિથી વિકલ્પના વનમાં પરિભ્રમણ કરી રહ્યો છે. તેણે પોતાના ચૈતન્યતત્ત્વને છોડી દીધું છે. પણ હવે તે ભેદજ્ઞાનરૂપી ગંભીર માર્ગ દ્વારા અંતરમાં સ્વભાવસન્મુખ થાય છે. જે વિકલ્પ ઊઠે છે એનાથી એણે ભેદ કર્યો છે કે આ રાગ તે હું નહિ, હું તો શુદ્ધ ચૈતન્યતત્ત્વ છું, વિજ્ઞાનઘનસ્વભાવમય છું આ પ્રમાણે વિવેક અર્થાત્ ભેદજ્ઞાન કરીને, ઢાળવાળા ગંભીર માર્ગ દ્વારા, પોતે જ પોતાને