૩૭૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ
एक–रसः आत्मा’ જે એક વિજ્ઞાનરસવાળો જ અનુભવાય છે એવો તે આત્મા, ‘आत्मानम् आत्मनि एव आहरन्’ આત્માને આત્મામાં જ ખેંચતો થકો (અર્થાત્ જ્ઞાન જ્ઞાનમાં ખેંચતું થકું પ્રવાહરૂપ થઈને), ‘सदा गतानुगतताम् आयाति’ સદા વિજ્ઞાનઘનસ્વભાવમાં આવી મળે છે.
અહાહા...! વિજ્ઞાનઘનના રસીલા પુરુષોને આત્મા વિજ્ઞાનરસવાળો જ અનુભવાય છે. રસ એટલે સ્વભાવ, શક્તિ. આત્માના રસિક પુરુષો પોતાને વિજ્ઞાનસ્વભાવમય જ અનુભવે છે. આવો આત્મા ઘણા વિકલ્પોની જાળમાં ભમતો હતો ત્યાંથી છૂટીને સ્વરૂપમાં ઢળતાં તે એક વિજ્ઞાનઘનસ્વભાવમાં આવી મળે છે.
કરવાનું તો આ છે, ભાઈ! બહારની સંપદા એ તો બધી આપદા છે. આ તો અંદર આનંદની સંપદાથી ભરેલો આનંદઘન પ્રભુ આત્મા છે એનો અનુભવ કરવાની વાત છે. આત્માના રસિક પુરુષોને જે એકલો આનંદરસમય અનુભવાય છે તે આત્માને અનુભવવાની વાત છે. આવો આત્મા આત્માને આત્મામાં જ ખેંચતો થકો સદા વિજ્ઞાનઘનસ્વભાવમાં આવી મળે છે. આત્માને આત્મામાં જ ખેંચતો એટલે પર્યાયને આત્મા તરફ વાળતો એમ સમજવું. વિકલ્પ જે રાગ હતો તે અનાત્મા હતો. ત્યાંથી ખસીને પર્યાય આત્મા ભણી વાળીને પોતે શુદ્ધ ચૈતન્યપણે પરિણમતો સદા વિજ્ઞાનઘનસ્વભાવમાં આવી મળે છે. જે નિર્મળ પરિણતિ થઈ તે દ્રવ્યમાં ભળી ગઈ. નિર્વિકલ્પ દશાથી આત્મા તરફ ગયો તેને આત્માને આત્મામાં ખેંચતો-એમ કહ્યું છે. ભાઈ! આ તો સમયસાર છે! દ્રવ્યાનુયોગનું કથન બહુ સૂક્ષ્મ અને ગંભીર છે. નિર્મળ પરિણતિ ધ્રુવ પ્રવાહરૂપ આત્મામાં ઠરી ગઈ, ભળી ગઈ એનું નામ સદા વિજ્ઞાનઘનસ્વભાવમાં આવી મળે છે અને એનું નામ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે. જે છે, છે, ને છે એવો સદા વિજ્ઞાનઘનસ્વભાવ આત્મા છે. તેમાં પરિણતિ એકાગ્રપણે સ્થિત થઈ એનું નામ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે. અહીં ચારિત્રની વાત નથી. આ તો ચોથા ગુણસ્થાનની સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનની વાત છે.
ભાઈ! તને સૂક્ષ્મ પડે તોપણ માર્ગ તો આ જ છે. અરે! અનાદિકાળથી હેરાન-હેરાન થઈને ચાર ગતિમાં રખડે છે. અનંતકાળમાં અનંત અનંત ભવ કરીને તું દુઃખી જ દુઃખી થયો છે. પૂર્વે અનંત દુઃખ તેં સહન કર્યાં છે. બાપુ! હવે પાછો વળ અને તારા વિજ્ઞાનઘનસ્વભાવમાં જા. પરમાં અને રાગમાં તું નથી; ત્યાંથી વળી જા અને તારી અનાકુળ આનંદઘનસ્વરૂપ ચીજમાં ભળી જા. બસ, એ જ દર્શન અને જ્ઞાન છે અને એ જ મોક્ષનો ઉપાય છે.