Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1430 of 4199

 

સમયસાર ગાથા-૧૪૪ ] [ ૩૬૯

કળશટીકામાં રાજમલજીએ ‘વિવેક-નિમ્નગમનાત્’ એ પદનો આમ અર્થ કર્યો છે કે- ‘‘શુદ્ધ સ્વરૂપનો અનુભવ એવો જે નીચો માર્ગ, તે કારણથી જીવદ્રવ્યનું જેવું સ્વરૂપ હતું તેવું પ્રગટ થયું.’’ અહા! જ્ઞાનનો સમૂહ એવો ભગવાન આત્મા અનાદિથી પર્યાયમાં રાગાદિમાં ચાલ્યો ગયો છે; તેને ભેદજ્ઞાનરૂપી ગંભીર માર્ગ દ્વારા પોતાના વિજ્ઞાનઘનસ્વભાવ તરફ વાળવામાં આવ્યો-એમ કહે છે.

જુઓ, વિજ્ઞાનઘનસ્વભાવથી ચ્યુત થયો હતો તે કર્મના કારણે ચ્યુત થયો હતો એમ નથી. દર્શનમોહનીય કર્મના કારણે ભ્રષ્ટ થયો હતો એમ નથી કહ્યું. કર્મ તો નિમિત્તમાત્ર છે. પોતાના ઊંધા પુરુષાર્થથી જ પોતે ચ્યુત થયો હતો, કર્મને લીધે નહિ. અનાદિથી જ ભ્રષ્ટ થયેલો છે ત્યાં કર્મનું શું કામ છે? લોકોના આ જ વાંધા છે કે કર્મને લઈને રાગાદિ ભાવ થાય. પણ ભાઈ! સમાધાન એમ છે કે પોતે જ પોતાના વિજ્ઞાનઘનસ્વભાવથી અનાદિથી ભ્રષ્ટ થયેલો છે. જડકર્મ તો પરદ્રવ્ય છે. જડની પર્યાય તો નિશ્ચયથી આત્માને અડતી જ નથી. એકબીજામાં બન્નેનો અભાવ છે.

અનાદિથી પોતાના વિજ્ઞાનઘનસ્વભાવથી ચ્યુત થયો હતો તેને દૂરથી જ વિવેકરૂપી ઢાળવાળા માર્ગ દ્વારા પોતાના વિજ્ઞાનઘનસ્વભાવ ભણી બળથી વાળવામાં આવ્યો. પોતાનો પુરુષાર્થ રાગથી ખસીને સ્વભાવ તરફ વળ્‌યો એટલે વિવેકરૂપી ઢાળવાળા માર્ગ દ્વારા બળથી વાળવામાં આવ્યો એમ કહ્યું છે. દર્શનમોહકર્મનો અભાવ થયો માટે સ્વભાવ તરફ વળ્‌યો એમ નથી. ‘निज–ओघं बलात् नीतः’ એમ કહ્યું છે. પોતે જ સ્વભાવથી ભ્રષ્ટ થઈને રાગના વલણમાં રહ્યો હતો, તે પોતાના અંતર-પુરુષાર્થથી ભેદજ્ઞાન પ્રગટ કરીને આત્મા તરફ વળ્‌યો. રાગનું વલણ છોડીને, રાગથી ભિન્ન પડી વિવેકરૂપી નિજ બળથી આત્માને આત્મામાં વાળ્‌યો. પોતાના બળથી પોતે જ પોતા તરફ દોરાઈ ગયો, ઢળી ગયો. આ મૂળ મુદની રકમની વાત છે.

વિજ્ઞાનઘનસ્વભાવથી ભ્રષ્ટ થયેલો તે પ્રચુર વિકલ્પજાળના ગહન વનમાં દૂર ભમતો હતો. ભગવાન આત્મા સ્વ-સ્વરૂપથી ભ્રષ્ટ થઈને અનેક પ્રકારના રાગની વિકલ્પજાળમાં ભમતો હતો. અસંખ્ય પ્રકારના વિકલ્પો છે, અને સૂક્ષ્મપણે અનંત પ્રકારના વિકલ્પોની જાળમાં પોતે પોતાથી ભ્રષ્ટ થઈને ભમતો હતો. દયા, દાન, વ્રત આદિ અને હિંસા, જૂઠ, ચોરી આદિ પુણ્ય- પાપરૂપ અનેક પ્રકારના શુભાશુભ વિકલ્પોની વા અનેક પ્રકારના નયવિકલ્પોની ઇન્દ્રજાળમાં પોતે સ્વભાવથી દૂર ભમતો હતો. તેને દૂરથી જ એટલે કે રાગમાં ભળ્‌યા વિના, રાગમાં જોડાયા વિના આમ સ્વભાવ તરફ જોડી દીધો; ભેદજ્ઞાન વડે પ્રાપ્ત પોતાના બળથી પોતાના ચૈતન્યસ્વભાવ તરફ વાળી દીધો. ખૂબ ગંભીર વાત છે, ભાઈ!

અહો! જેમ મંદિરના શિખર ઉપર સોનાના કળશ ચઢાવે છે તેમ અમૃતચંદ્રાચાર્યદેવે આ પરમાગમના શિખર ઉપર અમૃતના કળશ ચઢાવ્યા છે!