Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1439 of 4199

 

૩૭૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ નથી. જ્ઞાતા જ્ઞાતા જ છે, કર્તા નથી. સમ્યગ્દ્રષ્ટિ રાગનો જાણનાર છે એમ કહેવું એ પણ વ્યવહાર છે. ખરેખર તો રાગ સંબંધીનું જે પોતાનું જ્ઞાન છે તેનો તે જાણનાર છે. આ પ્રમાણે તે જાણનાર જ છે, કર્તા નથી.

* કળશ ૯૬ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘કર્તા છે તે જ્ઞાતા નથી અને જ્ઞાતા છે તે કર્તા નથી.’

ઓહોહોહો...! એક લીટીમાં ઘણું ભરી દીધું છે. શું કહે છે? સદા વિજ્ઞાનઘનસ્વરૂપ ભગવાન આત્માની દ્રષ્ટિ છોડીને શુભાશુભ રાગનો કર્તા થાય તે જ્ઞાતા ન હોઈ શકે. સ્વરૂપની દ્રષ્ટિ રહિત અજ્ઞાની જીવ અશુદ્ધ પરિણામનો કર્તા થાય છે અને અશુદ્ધ પરિણામ જ કેવળ તેનું કર્મ બને છે. અશુદ્ધતા જ અજ્ઞાનીનું કર્મ છે, એ સિવાય બીજું કોઈ એનું કર્મ નામ કાર્ય નથી; તથા અશુદ્ધતા છે તે બીજા કોઈનું પણ કર્મ નથી.

પ્રશ્નઃ– તો શ્રી સમંતભદ્રાચાર્યદેવે કાર્યમાં બે કારણ કહ્યાં છે ને?

ઉત્તરઃ– હા, કાર્ય થવામાં બે કારણ કહ્યાં છે, પણ ત્યાં તો પ્રમાણજ્ઞાન કરાવવા માટે જોડે બીજી ચીજ નિમિત્ત છે એની વાત કરી છે. પણ નિમિત્ત છે તે કાંઈ વાસ્તવિક કારણ નથી. પરમાર્થે વાસ્તવિક કારણ તો એક (ઉપાદાન) જ છે. પં. શ્રી ટોડરમલજીએ કહ્યું છે કે-મોક્ષમાર્ગ બે નથી પણ તેનું નિરૂપણ બે પ્રકારે છે. હવે મોક્ષનો માર્ગ કહો, કારણ કહો કે ઉપાય કહો-એ બધું એક જ છે. મોક્ષના કારણનું નિરૂપણ બે પ્રકારે છે. વાસ્તવિક કારણ તો એક જ છે. બીજું કારણ તો સહચર નિમિત્ત દેખીને આરોપથી કહ્યું છે. બે કારણની વાત જે શાસ્ત્રમાં કહી છે ત્યાં તો પ્રમાણનું જ્ઞાન કરાવ્યું છે-એમ સમજવું, પણ નિમિત્ત પણ વાસ્તવિક કારણ છે એમ ન માનવું.

અહીં કહે છે-રાગ છે તે બહિર્મુખ ભાવ છે, તે ચૈતન્યના સ્વરૂપભૂત નથી. તેનો જે કર્તા થાય છે તે જ્ઞાતા હોઈ શકે નહિ. રાગનો રચનારો છે તે કર્તા જ છે, તે જ્ઞાતાપણે રહી શકે નહિ. તથા પોતાના જ્ઞાનસ્વરૂપ આત્માનું જેને સ્વાશ્રયે ભાન થયું છે એ જ્ઞાની તો જ્ઞાતા જ છે, તે રાગનો કર્તા થતો નથી.

રાગદ્વેષના પરિણામ થાય તે આત્માનો ધર્મ નથી; રાગદ્વેષના પરિણામ થાય તે ભાવમનનો ધર્મ છે અને દ્રવ્યમન તેમાં નિમિત્તમાત્ર છે. પુણ્ય-પાપના ભાવ તે આત્માનો ધર્મ નથી. સંકલ્પ-વિકલ્પરૂપ વિકૃત અવસ્થા તે મનનું કાર્ય છે. તેને પોતાનું કર્તવ્ય માનીને જે કર્તા થાય છે તે એનાથી ભિન્ન પડીને જ્ઞાતાપણે રહી શકે નહિ. તથા જે શુદ્ધ ચૈતન્યતત્ત્વ જે અંતઃતત્ત્વ છે તેનો અનુભવ કરીને જ્ઞાતાપણે પરિણમ્યો છે તે રાગનો કર્તા થતો નથી. એક મ્યાનમાં બે તલવાર રહી શકતી નથી. લ્યો, આ કર્તાકર્મની વ્યાખ્યા કરી. હવે ક્રિયાની વાત કરે છે.

* * *