સમયસાર ગાથા-૧૪૪ ] [ ૩૮પ નબળાઈથી રાગ પરિણામ થાય છે અને રાગને ભોગવે પણ છે; પણ તે કર્તવ્ય છે અને ભોગવવા લાયક છે એમ માનતા નથી. તેથી અજ્ઞાન સંબંધી કર્તાપણું જ્ઞાનીને નથી.
હવે કહે છે-‘નિમિત્તની બળજોરીથી થતા પરિણમનનું ફળ કિંચિત્ હોય છે તે સંસારનું કારણ નથી. જેમ વૃક્ષની જડ કાપ્યા પછી તે વૃક્ષ કિંચિત્ કાળ રહે અથવા ન રહે-ક્ષણે ક્ષણે તેનો નાશ જ થતો જાય છે, તેમ અહીં સમજવું.’
નિમિત્તની બળજોરીથી એટલે કે પુરુષાર્થની નબળાઈથી થતા પરિણમનનું ફળ કિંચિત્ હોય છે. કર્મનાં તીવ્ર સ્થિતિ કે રસ પડતાં નથી; અલ્પ સ્થિતિ અને રસ હોય છે. તે અલ્પ રાગ અનંત સંસારનું કારણ નથી. એકાદ બે ભવ હોય તે જ્ઞાનીને જ્ઞાતાનું જ્ઞેય છે. ભવ અને ભવનો ભાવ જ્ઞાનીને જ્ઞાતાનું જ્ઞેય છે.
કોઈ એમ કહે કે જ્ઞાનીને રાગ કે દુઃખ છે જ નહિ તો ભાઈ! એમ નથી. દ્રવ્ય-દ્રષ્ટિ પ્રકાશમાં શ્રી ન્યાલચંદભાઈએ કહ્યું છે કે જ્ઞાનીને શુભરાગ ધધકતી ભટ્ઠી જેવો લાગે છે. વાત બરાબર છે. ચોથે, પાંચમે, છટ્ઠે ગુણસ્થાને જ્ઞાનીને જેટલો રાગ છે તે દુઃખરૂપ ભાવ છે, દુઃખના વેદનરૂપ છે. અંદર અકષાય આનંદનું વેદન છે, સાથે જેટલો રાગ છે તેટલું દુઃખનું વેદન પણ છે-એમ જ્ઞાન યથાર્થ જાણે છે. દુઃખનું બિલકુલ વેદન ન હોય તો સર્વજ્ઞ વીતરાગ હોય.
કેવળી ભગવાનને એકલું પરિપૂર્ણ આનંદનું વેદન છે, મિથ્યાદ્રષ્ટિને એકલું દુઃખનું વેદન છે અને સમકિતી સાધકને આનંદ અને સાથે કંઈક દુઃખનું પણ વેદન છે. તથાપિ દ્રષ્ટિ અને દ્રષ્ટિના વિષયની અપેક્ષાએ જ્ઞાનીને રાગ નથી એમ કહેવાય છે. માટે જ્યાં જેમ છે ત્યાં તેમ યથાર્થ સમજવું.
ફરીને એ જ વાતને દ્રઢ કરે છેઃ-
‘कर्ता कर्मणि नास्ति, कर्म तत् अपि नियतं कर्तरि नास्ति’ કર્તા નક્કી કર્મમાં નથી, અને કર્મ છે તે પણ નક્કી કર્તામાં નથી.
શું કહે છે? જે વિકલ્પ થાય છે તે હું કરું છું એવા મિથ્યાત્વભાવે પરિણમેલો જીવ કર્તા છે. તે કર્તા જડ કર્મની (જ્ઞાનાવરણાદિની) પર્યાયમાં નથી. કર્તાની જડકર્મમાં નાસ્તિ છે અર્થાત્ મિથ્યાત્વભાવે પરિણમેલો જીવ જડ કર્મનો કર્તા નથી. વળી જડ કર્મ છે તે પણ કર્તામાં નથી. મતલબ કે જડ કર્મ છે તે મિથ્યાત્વભાવે પરિણમેલા જીવનું કર્મ નથી. જડ કર્મની કર્તામાં નાસ્તિ છે.