૩૮૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ
कर्तृकर्मस्थितिः का’ તો કર્તાકર્મની સ્થિતિ શી? (અર્થાત્ જીવ-પુદ્ગલને કર્તાકર્મપણું ન જ હોઈ શકે.)
આત્મા પોતાના અશુદ્ધ પરિણામને કરે પણ જડ કર્મને ન કરે; અને જડ કર્મ જડની પર્યાયને કરે પણ જીવના મિથ્યાત્વના પરિણામને ન કરે. આમ સ્થિતિ છે પછી એ બંને વચ્ચે કર્તાકર્મપણું કયાં રહ્યું?
આત્મા કર્તા અને જડ કર્મ એનું કાર્ય એમ છે નહિ. તથા જડ કર્મની પર્યાય કર્તા અને જીવના મિથ્યાત્વના પરિણામ એનું કાર્ય એમ પણ નથી. બન્નેનો એકબીજામાં અભાવ છે. ભાઈ! શરીર, મન, વાણીની ક્રિયાનો કર્તા આત્મા અજ્ઞાનભાવે પણ નથી, કેમકે પરસ્પર દ્વન્દ્વ છે, ભિન્નતા છે. જ્યાં ભિન્નતા છે ત્યાં કર્તાકર્મની મર્યાદા કેવી? આત્મા અજ્ઞાનભાવે મિથ્યાત્વના પરિણામને કરે અને જડ કર્મની પર્યાયને પણ કરે એમ છે નહિ. તેવી રીતે જડ કર્મ જડ કર્મની પર્યાયને કરે અને જીવના મિથ્યાત્વના પરિણામને પણ કરે એમ છે નહિ; કારણ કે જીવ- પુદ્ગલને પરસ્પર દ્વન્દ્વ છે, ભિન્નતા છે. તેથી જીવ અને પુદ્ગલને પરસ્પર કર્તાકર્મપણું ન હોઈ શકે. બે ચીજ જ્યાં ભિન્ન છે ત્યાં કર્તાકર્મપણું કેમ હોઈ શકે? ન જ હોઈ શકે.
પરનાં કાર્ય પોતાનાથી (જીવથી) થાય એમ લોકો માને છે પણ એ ભ્રમ છે. તન, મન, વચન, ધન ઇત્યાદિ બધું પુદ્ગલ છે. આત્મા એનાથી અત્યંત ભિન્ન છે. માટે જડ પુદ્ગલની અવસ્થાનો આત્મા કર્તા નથી. લક્ષ્મીને લાવે, લક્ષ્મી આપે-એ કાર્ય આત્માનું નથી. અજ્ઞાનભાવે રાગદ્વેષ અને મિથ્યાત્વના જે ભાવ થાય તે આત્માનું કાર્ય છે, પણ જડ પુદ્ગલનું કાર્ય આત્મા કદીય શકતો નથી.
બાપુ! તારું તો એકલું ચૈતન્યઘનસ્વરૂપ છે. એક સમયની પર્યાયમાં જે ભૂલ છે તેની દ્રષ્ટિ છોડી દે તો વસ્તુ અંદર એકલી ચિદાનંદઘનસ્વરૂપ છે. રાગનો ઉપદ્રવ એમાં નથી. વ્યવહારનો જે વિકલ્પ-રાગ છે તે ઉપદ્રવ છે, દુઃખ છે, આકુળતા છે, પરદ્રવ્ય છે. એનાથી રહિત ચિત્સ્વરૂપ ભગવાન આત્મા છે. જેમ રૂનું ધોકડું હોય છે તેમ ભગવાન આત્મા એકલું જ્ઞાન અને આનંદનું ધોકડું છે. આવા નિજ સ્વરૂપમાં અંતર્દ્રષ્ટિ કરવી તે સમ્યગ્દર્શન છે અને તે દિગંબર ધર્મ છે. દિગંબર ધર્મ એ કોઈ પંથ છે? ના; એ તો વસ્તુધર્મ-આત્મધર્મ છે.
પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપને જાણ્યા વિના લોકોને એમ લાગે છે કે આ બધાં પરનાં કાર્ય અમે કરીએ છીએ. પણ ભાઈ! એ તો તારી ભ્રમણા જ છે કેમકે પરનું કાર્ય આત્મા કરી શકતો જ નથી. પર સાથે આત્માને કર્તાકર્મભાવ છે જ નહિ. આ તો હજુ સમ્યગ્દર્શન કેમ થાય એની વાત છે. મુનિદશા એ તો એનાથી આગળની કોઈ અલૌકિક દશા છે.