સમયસાર ગાથા-૧૪૪ ] [ ૩૮૭
અહાહા...! અંતરમાં જેને ત્રણકષાયના અભાવપૂર્વક વીતરાગી શાંતિ પ્રગટ હોય અને બહારમાં દેહની જેને નગ્ન દિગંબર અવસ્થા હોય, વસ્ત્રનો એક ધાગો પણ રાખવાની જેને વૃત્તિ ઉઠતી નથી, પોતા માટે બનાવેલ આહાર જે પ્રાણ જાય તોપણ લેતા નથી અને જેઓ જંગલવાસી થયા છે-આવી જેની દશા થઈ છે તે ભાવલિંગી સંતને સાચી મુનિદશા છે. અહો! મુનિદશા કોઈ અલૌકિક આનંદની દશા છે! અહીં તો પ્રથમ ભૂમિકાની સમ્યગ્દર્શનની વાત છે. કહે છે-
પોતાના શુદ્ધ જ્ઞાનસ્વરૂપને ભૂલીને, અજ્ઞાનવશ આત્મા રાગનો કર્તા થાય અને રાગ એનું કાર્ય થાય પણ જડકર્મની અવસ્થાને આત્મા કરે એ વાત ત્રણકાળમાં સત્ય નથી. તેવી રીતે જડકર્મ જડકર્મની અવસ્થાને કરે પણ જીવના રાગાદિના પરિણામને કરે એ ત્રણકાળમાં સત્યાર્થ નથી. કહ્યું ને કે કર્તા કર્મમાં નથી અને કર્મ કર્તામાં નથી. એટલે કે જીવ મિથ્યાત્વનો કર્તા છે પણ જડ કર્મનો કર્તા નથી અને જડકર્મ છે તે જીવના મિથ્યાત્વભાવનો કર્તા નથી. પરસ્પર અભાવ છે ને? તેથી પરસ્પર કર્તાકર્મભાવ નથી.
હવે કહે છે-‘ज्ञाता ज्ञातरि, कर्म सदा कर्मणि’ આ પ્રમાણે જ્ઞાતા સદા જ્ઞાતામાં જ છે અને કર્મ સદા કર્મમાં જ છે ‘इति वस्तुस्थितिः व्यक्ता’ એવી વસ્તુસ્થિતિ પ્રગટ છે.
શું કહ્યું? જ્યારે પરના કર્તાપણાની બુદ્ધિ છૂટી જાય છે ત્યારે હું જ્ઞાયક છું -એમ જ્ઞાતાપણાની દ્રષ્ટિ ખીલી જાય છે. છઠ્ઠી ગાથામાં આવે છે કે પરદ્રવ્યની પર્યાય ઉપરથી લક્ષ છૂટી જતાં સ્વદ્રવ્ય ઉપર લક્ષ જાય છે. અર્થાત્ પરદ્રવ્યનો હું કર્તા નથી એમ જ્યાં અંદર નિર્ણય કર્યો ત્યાં એકદમ સ્વદ્રવ્ય ઉપર લક્ષ જાય છે અને સ્વદ્રવ્યનું લક્ષ થતાં રાગનું પણ કર્તાપણું છૂટી જાય છે. આમ જ્ઞાતા જ્ઞાતામાં જ છે અને કર્મ કર્મમાં જ છે એવું સહજ ભાન થાય છે. ભાઈ! આ સમજવાનો અત્યારે અવસર છે.
જુઓને! આ શરીર તો ધૂળ, માટી છે. આયુ પૂરું થતાં એક ક્ષણમાં છૂટી જશે. સ્થિતિ પૂરી થયે ક્રોડ ઉપાય કરીને પણ કોઈ રાખવા સમર્થ નથી. માટે દેહની સ્થિતિ પૂરી ન થાય ત્યાં સુધી આવું તત્ત્વ સમજી લે, ભાઈ! દુનિયા માને કે ન માને. એનાથી તને શું સંબંધ છે? અહાહા...! આ તો ચીજ જ જુદી છે; બસ જ્ઞાતા છે. શુભાશુભ વિકલ્પ સહિત આખા જગતથી ભગવાન જગદીશ ભિન્ન જ્ઞાતા છે એમ જિનેશ્વર પ્રભુ કહે છે.
શુભરાગ હો ભલે, પણ તે જડ અચેતન છે. તે શુદ્ધ ચૈતન્યમય આત્માની ચીજ નથી. ગમે તેવો મંદ હોય તોપણ રાગ ચૈતન્યસ્વરૂપ આત્માનું જ્ઞાન કરાવે એવી એનામાં તાકાત નથી. તેમ વ્યવહાર છે તે નિશ્ચયને પમાડે એવી વ્યવહારમાં તાકાત નથી. જેનો વસ્તુમાં અભાવ છે તે વસ્તુને કેમ પમાડે? અરે! ભગવાનના વિરહ પડયા! અવધિજ્ઞાની અને મનઃપર્યયજ્ઞાની પણ રહ્યા નહિ! ભાવશ્રુતજ્ઞાનના આધારે પોતાને સમજવાનું અને બીજાને સમજાવવાનું રહ્યું!