૩૯૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ એમ નથી પણ નિમિત્તના આશ્રયથી વિકાર થાય એમ એનો અર્થ છે. અહીં તો આ સ્પષ્ટ વાત છે કે જીવ પુદ્ગલમાં નથી, પુદ્ગલ જીવમાં નથી; તો પછી તેમને કર્તા-કર્મભાવ કેમ હોઈ શકે? હવે કહે છે.
‘માટે જીવ તો જ્ઞાતા છે તે જ્ઞાતા જ છે, પુદ્ગલકર્મનો કર્તા નથી; અને પુદ્ગલકર્મ છે તે પુદ્ગલ જ છે, જ્ઞાતાનું કર્મ નથી. આચાર્યે ખેદપૂર્વક કહ્યું છે કે-આમ પ્રગટ ભિન્ન દ્રવ્યો છે તોપણ ‘‘હું કર્તા છું અને આ પુદ્ગલ મારું કર્મ છે’’ એવો અજ્ઞાનીઓનો આ મોહ (- અજ્ઞાન) કેમ નાચે છે?’
જુઓ, જડકર્મની પર્યાયનો અને પરદ્રવ્યનો આત્મા કર્તા નથી એમ આચાર્યદેવ અહીં સિદ્ધ કરે છે. ત્યારે કોઈ વળી એમ કહે છે કે પરદ્રવ્યનો આત્માને કર્તા ન માને તે દિગંબર નથી. અરે ભાઈ! આ તું શું કહે છે? ભગવાન! તને શું થયું છે? જરા વિચાર કર. આત્મા અને પુદ્ગલને કર્તાકર્મભાવ ત્રણકાળમાં નથી.
સંપ્રદાયમાં સ્ત્રીને મુક્તિ માને, વસ્ત્રસહિત સાધુપણું માને, કેવળી ભગવાનને આહાર માને એ બધી જૂઠી માન્યતાઓ છે, કલ્પિત છે. વળી ભગવાન કેવળીને એક સમયે કેવળદર્શન અને કેવળજ્ઞાન બંને હોય છે. એવી જ એ અવસ્થાની અદ્ભુતતા છે; છતાં એક સમયમાં જ્ઞાન અને બીજા સમયમાં દર્શન કેવળીને હોય એવું જે માને તે યથાર્થ નથી, વસ્તુસ્વરૂપ નથી. કેવળીના કેડાયતો દિગંબર સંતો એમ કહે છે કે કેવળજ્ઞાન અને કેવળદર્શન ભગવાન કેવળીને એક સમયમાં હોય છે. અરે! ધર્મનું વાસ્તવિક સ્વરૂપ શું છે અને તે કેમ પ્રગટ થાય એની લોકોને ખબર નથી, દરકાર પણ નથી.
માંદગીનો ખાટલો બાર મહિના રહે તો એને મુંઝવણ થાય; પરંતુ અનંતકાળથી જન્મ- મરણ કરતો આવે છે એની એને મૂંઝવણ થતી નથી! અરે ભાઈ! આત્માના સુખના તને વિરહા પડયા છે. તું સુખના વિરહે દુઃખના વેદનમાં પડયો છું તેની તને કેમ દરકાર નથી, કેમ મૂંઝવણ નથી? તારું સ્વરૂપ તો સદા જ્ઞાતારૂપ છે. ભાઈ! આ દેહ તો ક્ષણમાં છૂટી જશે. તું પરના કર્તાપણાના મોહની જાળમાં ફસાયો છે ત્યાંથી નીકળી જા.
અજ્ઞાની હું પરદ્રવ્યનાં કાર્ય કરું છું એવી ભ્રમણાની ભૂલ-ભૂલામણીમાં ભરાઈ ગયો છે. તેને જ્ઞાનીઓ અહીં માર્ગ બતાવે છે કે-જીવ જ્ઞાતા છે તે જ્ઞાતા જ છે, પુદ્ગલકર્મનો કર્તા નથી, અને પુદ્ગલકર્મ છે તે પુદ્ગલ જ છે, જ્ઞાતાનું કર્મ નથી. આચાર્યદેવે ખેદપૂર્વક કહ્યું છે કે-આ પ્રગટ ભિન્ન દ્રવ્યો છે તોપણ ‘હું કર્તા છું અને આ પુદ્ગલ મારું કર્મ છે’ એવો અજ્ઞાનીનો આ મોહ કેમ નાચે છે?