સમયસાર ગાથા-૧૪૪ ] [ ૩૯૧
અથવા જો મોહ નાચે છે તો ભલે નાચો; તથાપિ વસ્તુસ્વરૂપ તો જેવું છે તેવું જ છે- એમ હવે કહે છેઃ-
ચિત્શક્તિઓના (-જ્ઞાનના અવિભાગ પરિચ્છેદાના) સમૂહના ભારથી અત્યંત ગંભીર ‘एतत् ज्ञानज्योतिः’ આ જ્ઞાનજ્યોતિ ‘अन्तः’ અંતરંગમાં ‘उच्चैः’ ઉગ્રપણે ‘तथा ज्वलितम्’ એવી રીતે જાજ્વલ્યમાન થઈ કે-
અહાહા...! શું કહે છે? કે આત્મા ચિત્શક્તિઓના સમૂહનો ભર છે, મોટો જ્ઞાનનો ઢગલો છે. જેમ ગાડામાં ઠાંસીને ઘાસ ભરે એને ભર ભર્યો કહેવાય છે. તેમ ભગવાન આત્મા જ્ઞાનશક્તિઓનો ભર કહેતાં ભંડાર છે. વળી તે અચળ નામ ચળે નહિ તેવો નિત્ય ધાતુમય છે, વ્યક્ત અર્થાત્ પ્રગટ છે. ચૈતન્યધાતુમય ભગવાન આત્મા પ્રગટ છે. પર્યાયની અપેક્ષાએ અવ્યક્ત કહ્યો છે પણ વસ્તુ અપેક્ષાએ તો એ સદા વ્યક્ત છે, પ્રગટ છે.
પર્યાય છે તે દ્રવ્યની ઉપર ને ઉપર તરે છે, દ્રવ્યમાં પ્રવેશતી નથી. શું કહ્યું? આ શરીર, મન, વાણી અને દયા, દાન આદિ વિકલ્પો વસ્તુમાં પ્રવેશતા નથી એ તો છે, પણ દયા, દાન આદિ વિકલ્પને જાણનારી જ્ઞાનની જે પર્યાય છે તે પણ દ્રવ્યમાં પ્રવેશતી નથી. ચીજ બહુ સૂક્ષ્મ, ભાઈ! આત્મા આવો ચિત્શક્તિઓના એટલે જ્ઞાનના અવિભાગ પરિચ્છેદોના સમૂહના ભારથી અત્યંત ગંભીર જ્ઞાનજ્યોતિસ્વરૂપ છે.
અહાહા...! આત્માના જ્ઞાન અને આનંદના ગંભીર સ્વભાવનું શું કહેવું? એની શક્તિના સત્ત્વની મર્યાદા શું હોય? અહાહા...! અનંત અનંત અનંત એવું જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા, અનંત વીર્ય, અનંત પ્રભુતા-અહાહા...! આવી અનંત ચિત્શક્તિના સમૂહથી ભરેલો અત્યંત ગંભીર ભગવાન આત્મા છે. ચિત્શક્તિ કહો કે ગુણ કહો; જ્ઞાનગુણ એવા અનંત ગુણોનો સમૂહ પ્રભુ આત્મા છે. અત્યંત ગંભીર છે અર્થાત્ એની શક્તિની ઉંડપનો પાર નથી, અપરિમિત શક્તિના સમૂહથી ભરેલો છે. સંખ્યાએ શક્તિઓ અનંત છે અને એકેક શક્તિનો સ્વભાવ પણ અનંત છે.
આવા અનંત સ્વભાવથી ભરેલા અનંત મહિમાવંત પોતાના આત્માને જાણે નહિ અને પરની દયા કરે તે આત્મા અને દાન આપે તે આત્મા એમ ખોટી માન્યતા કરી કરીને પ્રભુ! તું અનંતકાળથી સંસારમાં આથડે છે. અહીં કહે છે-ભગવાન! જેનો દેખવા-જાણવાનો બેહદ સ્વભાવ છે એવા દેખનારાને દેખ અને જાણનારાને જાણ. તેથી તારું અવિચળ કલ્યાણ થશે.