૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ ચરણ હિત જાણી-તેના ચરણકમળમાં મારું હિત જાણી નમસ્કાર કરું છું -આમ શ્રી જયચંદજીએ મંગલાચરણ કર્યું છે.
પ્રથમ ટીકાકાર કહે છે કે-‘હવે એક જ કર્મ બે પાત્રરૂપ થઈને પુણ્ય-પાપરૂપે પ્રવેશ કરે છે.’
‘જેમ નૃત્યના અખાડામાં એક જ પુરુષ પોતાને બે રૂપે બતાવી નાચતો હોય તેને યથાર્થ જાણનાર ઓળખી લે છે અને એક જ જાણે છે.’ શું કહ્યું? આ નાચવાનો અખાડો હોય છે ને! નાટક-નાટક, જેને લોકો નાટક કહે છે તેમાં એક જ પુરુષ ઇન્દ્રનો વેશ લે અને વળી પછી ભરથરીનો વેશ પણ લઈને આવે. પરંતુ તેને જે યથાર્થ ઓળખે છે તે તો એને એક જ જાણે છે.
‘તેવી રીતે જોકે કર્મ તો એક જ છે તોપણ પુણ્ય-પાપના ભેદે બે પ્રકારનાં રૂપ કરી નાચે છે તેને, સમ્યગ્દ્રષ્ટિનું જ્ઞાન કે જે યથાર્થ છે તે એકરૂપ જાણી લે છે.’
જુઓ, કર્મ તો અનાદિથી એક જ છે. પુણ્ય અને પાપ કર્મપણે એક જ વસ્તુ છે. તોપણ પુણ્ય-પાપના ભેદે બે પ્રકારનું રૂપ (પુણ્યનું રૂપ અને પાપનું રૂપ) લઈને પ્રગટ થાય ત્યારે અજ્ઞાની તેને (કર્મને) બે જુદા જુદા રૂપે માને છે. પુણ્ય ભલું અને પાપ બુરું એમ અજ્ઞાની જાણે છે. પરંતુ જ્ઞાની સમકિતી જેનું જ્ઞાન યથાર્થ પરિણમ્યું છે તે બન્ને કર્મ (પુણ્ય અને પાપ) એક જ છે એમ જાણી લે છે. અહાહા...! ભલા-બુરાના ભેદરહિત સમ્યક્ જ્ઞાની બન્ને એક જ છે એમ જાણે છે કેમકે બન્નેમાંથી એકેમાંય આત્મા નથી. ચાહે પુણ્યભાવ હો કે ચાહે પાપભાવ હો, બન્નેય ભાવ રાગ છે, એકેય વીતરાગ પરિણામ નથી.
પુણ્યના ફળમાં કોઈ પાંચ-પચાસ કરોડની સંપત્તિનો સ્વામી મોટો શેઠ હોય, કે પાપના ફળમાં કોઈ સો વાર માગે તોય માંડ એક કોળિયો મળે એવો દરિદ્રી હોય, બન્નેય સરખા છે, કેમકે બન્નેય ભિખારી છે, બન્નેય માગણ છે, દુઃખી છે. એક, બીજા પાસે આશા કરતો દુઃખી છે તો બીજો, પુણ્યની આશા ધરતો દુઃખી છે. અર્થાત્ એક અન્ય પાસે માગે છે કે તું મને દે તો બીજો પુણ્યના પરિણામથી મને સુખ થાય એમ માની પુણ્યની આશા કરે છે. (સુખી તો એકેય નથી). જ્યારે જ્ઞાની તો કર્મ અને કર્મના ફળ બન્નેને એક જ જાણે છે.
જેમ એકનો એક પુરુષ પહેલાં પીંગળાનો વેશ લઈને આવે અને પાછો તે ફરી ભરથરીનો વેશ લઈને આવે તેમ એકનું એક કર્મ કોઈ વાર પુણ્યરૂપે આવે અને વળી કોઈ વાર પાપરૂપે (વેશ લઈને) આવે તેને સમ્યગ્દ્રષ્ટિનું જ્ઞાન જે યથાર્થ છે તે એકરૂપ જાણી લે છે. ચાહે તો પુણ્યના ફળરૂપે સ્વર્ગનો વેશ હોય કે પાપના ફળરૂપે નરકનો વેશ હોય, જ્ઞાની બેયને એકસરખા માને છે. કહ્યું છે ને કે-