૩૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬
અજ્ઞાનીએ એમ કહ્યું હતું કે શુભભાવ મોક્ષમાર્ગના આશ્રયે એટલે કે મોક્ષમાર્ગમાં થાય છે માટે તે શુભ-સારો છે. પરંતુ પાઠમાં ‘શુભ એવો મોક્ષમાર્ગ તો કેવળ જીવમય છે’ એમ કહ્યું છે. ત્રિકાળી શુદ્ધદ્રવ્યના આશ્રયે જે નિર્મળ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગના પરિણામ પ્રગટ થાય તે જીવમય અને શુભ છે અને શુભાશુભ ભાવ અને તેનાથી થતો બંધ પુદ્ગલમય અને અશુભ છે.
‘મોક્ષમાર્ગ તો કેવળ જીવના પરિણામમય જ છે.’ શું કીધું આ? કે જે ભાવે બંધન થાય એ જીવના પરિણામ નહિ, અર્થાત્ શુભાશુભ ભાવ તે અજીવ, અજ્ઞાનમય, પુદ્ગલમય છે. કેવળ એક શુદ્ધ ચૈતન્યસ્વભાવમય આત્માના આશ્રયે પ્રગટ થયેલાં નિર્મળ શ્રદ્ધા-જ્ઞાન-રમણતા જ જીવના પરિણામ છે, અને તે જ શુભ એટલે કે ભલા છે. બાકી શુભાશુભ પરિણામ બધા અશુભ એટલે બુરા છે.
અરે! નરક અને નિગોદના ભવમાં જીવ કેટલો દુઃખી થતો હોય છે? અને હમણાં પણ તે કેટલો દુઃખી છે? આ બધા રાજાઓ, અને કરોડપતિ કે અબજોપતિ શેઠિયાઓ બધા ભિખારી વિચારા દુઃખી છે; કેમકે તેમને અંતરની નિજનિધિ-સ્વરૂપ-લક્ષ્મીની ખબર નથી. અરેરે! સુખ માટે બિચારા તૃષ્ણાવંત થઈ બહાર ઝાવાં નાખે છે!
મૃગની નાભિમાં કસ્તૂરી હોય છે. પવનના ઝકોરે તેની ગંધ પ્રસરતાં તેને ગંધ આવે છે. પોતાની નાભિમાં કસ્તૂરી હોવા છતાં જાણે કસ્તૂરીની ગંધ કયાંય બહારથી આવે છે એમ જાણી તે બહાર ગોતવા દોડાદોડ કરી મૂકે છે અને થાકીને ખેદખિન્ન થાય છે. તેમ ભગવાન આત્મા અંદર આનંદનું પરમ નિધાન આનંદધામ છે. પણ ખબર નથી બિચારાને એટલે પૈસામાંથી, બાયડીમાંથી, રાજ્યમાંથી, વિષયભોગમાંથી જાણે આનંદ આવે છે એમ માની અહીંતહીં બહાર ગોતે છે અને ખેદખિન્ન થાય છે. આમ પોતાનું પરમનિધાન છોડી જેઓ બહારમાં સુખ માટે ઝાવાં નાખે છે તેઓ મૃગલા જેવા મૂઢ છે. શ્લોકમાં આવે છે ને કે-मनुष्यरूपेण मृगाश्चरन्ति’ તેઓ મનુષ્યના વેશમાં ખરેખર મૃગ જેવા મૂઢ છે.
અહીં કહે છે કે મોક્ષનો માર્ગ કેવળ જીવના પરિણામમય જ છે. મતલબ કે શુભાશુભ ભાવ જીવના પરિણામ નથી એટલે કે પુદ્ગલના પરિણામ છે; તેથી કર્મનો આશ્રય કેવળ બંધમાર્ગ જ છે. ગંભીર વાત છે ભાઈ!
જે નિર્મળ રત્નત્રયને અહીં જીવના પરિણામ કહ્યા તેને નિયમસારમાં પરદ્રવ્ય કહ્યું છે. ત્યાં એ બીજી અપેક્ષાથી વાત છે. જેમ પરદ્રવ્યમાંથી જીવની નવી પર્યાય આવતી નથી તેમ મોક્ષમાર્ગની પર્યાયમાંથી નવી પર્યાય આવતી નથી. નવી પર્યાય આવવાનો ભંડાર તો ત્રિકાળી દ્રવ્ય છે. ત્યાં દ્રવ્યનો આશ્રય કરાવવાના પ્રયોજનથી ત્રિકાળ દ્રવ્યને સ્વદ્રવ્ય કહ્યું અને નિશ્ચય મોક્ષમાર્ગના પરિણામને પરદ્રવ્ય કહ્યું.