સમયસાર ગાથા-૧૪પ ] [ ૩૧
અહીં આ (મોક્ષમાર્ગના) પરિણામને જીવના કહ્યા અને શુભાશુભ ભાવને પુદ્ગલમાં નાખ્યા.
વળી તત્ત્વાર્થસૂત્રમાં અધ્યાય બેના પ્રથમ સૂત્રમાં શુભાશુભ ભાવને જીવતત્ત્વ કહ્યું છે. પાંચેય ભાવને જીવતત્ત્વ કહ્યું છે. ત્યાં અપેક્ષા એમ છે કે શુભાશુભ ભાવ જીવની પર્યાયમાં થાય છે માટે એને જીવતત્ત્વ કહ્યું છે. એ પર્યાયનયનો-વ્યવહારનયનો ગ્રંથ છે ને! તેમાં વ્યવહારનયનથી શુભાશુભ ભાવને જીવના કહ્યા છે. જ્યારે અહીં રાગદ્વેષના જે શુભાશુભ પરિણામ તે અજ્ઞાનમય હોવાથી જીવના પરિણામ નથી અને તેથી નિશ્ચયથી પુદ્ગલના પરિણામમય છે એમ કહ્યું છે.
જુઓ, આચાર્યશ્રી કુંદકુંદદેવ આચાર્યશ્રી ઉમાસ્વામીના ગુરુ હતા. ગુરુ (કુંદકુંદાચાર્ય) શુભાશુભ ભાવને પુદ્ગલના કહે અને શિષ્ય (ઉમાસ્વામી) તેને જીવતત્ત્વ કહે! આવડો મોટો ફેર! ભાઈ! એમાં વિરોધ તો કાંઈ નથી. ગુરુનું કથન નિશ્ચયનયના આશ્રયે છે અને શિષ્યનું કથન વ્યવહારનયથી છે. જિનવાણીમાં જ્યાં જે નયવિવક્ષાથી કથન કર્યું હોય તેને તે પ્રમાણે યથાર્થ સમજવું જોઈએ.
‘सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः’ એવું જે સૂત્ર છે તે પર્યાયાર્થિકનયનું કથન છે, નિશ્ચયનયનું નહિ. નિશ્ચયથી તો ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનો જે આશ્રય એક જ મોક્ષમાર્ગ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ જેને અહીં જીવના પરિણામ કહ્યા તે ભેદરૂપ પર્યાયાર્થિકનયનું કથન છે. પ્રવચનસાર ગાથા ૨૪૨ માં આવે છે કે-‘‘તે ભેદાત્મક હોવાથી ‘સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષમાર્ગ છે’ એમ પર્યાયપ્રધાન વ્યવહારનયથી તેનું પ્રજ્ઞાપન છે; તે (મોક્ષમાર્ગ) અભેદાત્મક હોવાથી ‘એકાગ્રતા મોક્ષમાર્ગ છે’ એમ દ્રવ્યપ્રધાન નિશ્ચયનયથી તેનું પ્રજ્ઞાપન છે.’’
સમયસાર કળશટીકા, કળશ ૧૬ માં કહ્યું છે કે-નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના જે નિર્મળ પરિણામ છે એ ભેદ છે, પર્યાય છે માટે મેચક છે, મલિન છે અને તેથી વ્યવહાર છે; અને અભેદથી જે આત્મા એકસ્વરૂપ છે તે અમેચક છે, નિર્મળ છે. ભાઈ! શૈલી તો જુઓ! કયાં કેમ કહ્યું છે એની ખબર વિના એકાન્ત ખેંચી જાય એ ચાલે નહિ. કળશ-ટીકાકારે મોક્ષમાર્ગના પરિણામને ભેદ પડતો હોવાથી મેચક કહ્યા અને સમ્યગ્જ્ઞાન દીપિકામાં શ્રી ધર્મદાસ ક્ષુલ્લકજીએ એને અશુદ્ધ કહ્યા છે. મોક્ષના પરિણામ એ ભેદ છે, મેચક છે, માટે અશુદ્ધ છે.
અહીં કહે છે-મોક્ષમાર્ગ તો કેવળ જીવના પરિણામમય જ છે. આ અભેદથી વાત કરી છે. અને બંધમાર્ગ કેવળ પુદ્ગલના પરિણામમય જ છે. મતલબ કે કર્મ એક બંધમાર્ગના આશ્રયે જ છે, મોક્ષમાર્ગમાં થતું નથી; માટે કર્મ એક જ છે.
‘આ પ્રમાણે કર્મના શુભાશુભ ભેદના પક્ષને ગૌણ કરી તેનો નિષેધ કર્યો.’