૩૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ બધા ભૂતાવળના ભડકા છે. તને ખબર નથી પણ બાપુ! એ સર્વ પરચીજ છે. અનુભવપ્રકાશમાં કહ્યું છે કે-શ્રદ્ધા-ગુણ કેમ વિપરીત થયો? તો કહે છે કે જેટલી પરચીજ છે તે સર્વને પોતાની માની-માનીને, જોકે શ્રદ્ધા-ગુણ તો નિર્મળ છે તોપણ, એની પરિણતિ વિપરીત કરી નાખી છે. અહા! શુભથી મને લાભ થાય, શુભનાં ફળ મને ઠીક પડે, પરવસ્તુ મને મદદ કરે અને પરને હું મદદ કરું ઇત્યાદિ અનેક પ્રકારે પોતાને પરરૂપે અને પરને પોતારૂપે માન્યું છે. વિશ્વમાં અનંત ચીજો છે. એક-એક અનુકૂળ ચીજમાં સુખબુદ્ધિ અને પ્રતિકૂળ ચીજમાં દુઃખબુદ્ધિ કરીને પરચીજમાં એણે પોતાપણું માન્યું છે, અને આ પ્રમાણે પરચીજમાં જ પોતાનું શ્રદ્ધાન રોકી રાખ્યું છે.
પરંતુ ભાઈ! એ સર્વ પરચીજ છે એ તો માત્ર જ્ઞેય છે. પરચીજમાં અનુકૂળ-પ્રતિકૂળ એવો ભેદ કયાં છે? ચાહે તો સમોસરણ હોય કે સાતમું નરક હોય-એ બધું જ્ઞાનનું જ્ઞેય છે, એક જ પ્રકાર છે.
જેમ પાણીનો પ્રવાહ એકરૂપે ચાલતો હોય અને વચમાં નાળાં આવે તો ખંડ પડી જાય, પણ પાણી તો એકરૂપે જ છે-તેમ ભગવાન આત્માનું જ્ઞાન અનંત જ્ઞેયોને જાણતું થકું એકરૂપ જ છે. પણ નાળારૂપ ભેદની માફક અનુકૂળતામાં ઠીક અને પ્રતિકૂળતામાં અઠીક એમ જાણેલા જ્ઞેયમાં ભેદ પાડે છે તે મિથ્યાત્વભાવ છે. પર ચીજો તો એક જ પ્રકારે જ્ઞેય છે. તેમાં અનુકૂળ- પ્રતિકૂળ એમ ભેદ પાડવા એ મિથ્યા કલ્પના છે, અજ્ઞાન છે.
તેમ કર્મપ્રકૃતિ શાતા બંધાઈ કે અશાતા, યશકીર્તિ બંધાઈ કે અપયશકીર્તિ, ઉંચ આયુષ્યની બંધાઈ કે નીચ આયુષ્યની-એ બધીય કર્મપ્રકૃતિ પુદ્ગલના જ પરિણામ હોવાથી પુદ્ગલમય જ છે. જેમ શુભ-અશુભભાવમાં ભેદ નથી તેમ એક પુદ્ગલસ્વભાવમય કર્મપ્રકૃતિમાં ભેદ નથી, એક જ પ્રકાર છે.
વળી અજ્ઞાની જીવ એમ કહે છે કે બે પુદ્ગલકર્મના ફળના અનુભવમાં એક શુભકર્મના ફળમાં સ્વર્ગનું સુખ મળે છે અને બીજા અશુભકર્મના ફળમાં નરકનું દુઃખ મળે છે; માટે બેના અનુભવમાં ફેર છે. તેને અહીં કહે છે-બાપુ! બેય ગતિમાં દુઃખનો જ અનુભવ છે તેથી એના ફળના અનુભવમાં કોઈ ફેર નથી.
ભાઈ! ચારેય ગતિ પરાધીન અને દુઃખમય છે. સ્વર્ગની ગતિ પણ પરાધીન અને દુઃખની દશારૂપ જ છે. ભાઈ! તેં બહારના વિષયોને સુખ-દુઃખરૂપ માન્યા છે પણ એ વિષયો તો (સુખદુઃખ દેવામાં અકિંચિત્કર છે. પ્રવચનસારમાં (ગાથા ૬૭ માં) વિષયોને અકિંચિત્કર કહ્યા છે. આ શરીરની રૂપાળી સુંવાળી ચામડી ભોગના કાળમાં આમ જરી ઠીક લાગે પણ બાપુ! એ તને સુખ ઉપજાવવા અકિંચિત્કર છે, અસમર્થ છે. તારી ખોટી માન્યતાએ ઘર ઘાલ્યું છે પણ ભાઈ! એ માન્યતા બહુ આકરી પડશે.