સમયસાર ગાથા-૧૪પ ] [ ૩૭
પાંચે ઇન્દ્રિયના વિષયો નિમિત્ત છે, પણ તેઓ સુખ-દુઃખ ઉપજાવવામાં અકિંચિત્કર છે. આ નિંદા-પ્રશંસાના શબ્દો, સુગંધ-દુર્ગંધ, રૂપ-કુરૂપ, માઠો અને સુંવાળો સ્પર્શ ઇત્યાદિ વિષયો બધાય આત્માને રાગ ઉપજાવવા માટે અકિંચિત્કર છે. જુઓ, આ નિમિત્તને ઉડાવી દીધું. એટલે નિમિત્ત હો ભલે, પણ એ તને અનુકૂળતા વખતે રાગ ઉપજાવે છે અને પ્રતિકૂળતા વખતે દ્વેષ ઉપજાવે છે એમ નથી. જે તે વખતે વિકારનું પરિણમન પોતાના ષટ્કારકથી થાય છે. હવે એમાં કર્મના કારકોની અપેક્ષા નથી તો પછી આ બહારની સામગ્રી જે નિમિત્તરૂપ છે તેની અપેક્ષા કેમ હોય? (ન જ હોય).
તેથી અહીં કહે છે કે કર્મના ફળમાં ફેર નથી. તને સ્વર્ગ અને નરકના સંજોગમાં ફેર લાગે છે પણ એ બન્નેય સંસારરૂપ દુઃખની જ દશા છે.
પ્રશ્નઃ– તો નરકનો ભય તો લાગે છે?
ઉત્તરઃ– હા, નરકનો ભય શાથી લાગે છે? કે નરક પ્રતિકૂળ અને દુઃખમય છે અને સ્વર્ગ અનુકૂળ અને સુખમય છે એવી તારી માન્યતાને લીધે નરકનો ભય લાગે છે. પણ ભાઈ! એ માન્યતા ખોટી છે. યોગસાગર દોહા પ માં તો એમ કહ્યું છે કે-
એટલે ચારેય ગતિ દુઃખરૂપ છે એમ ત્યાં કહ્યું છે. એકલો નરકનો ભવ ભયકારી- દુઃખકારી છે એમ નથી કહ્યું. તને એકલા નરકનો ભય છે કેમકે તને નરકથી દ્વેષ છે; તથા તું સ્વર્ગ ચાહે છે કેમકે તને સ્વર્ગથી રાગ છે. આવા રાગ-દ્વેષ થવા એનું જ નામ સંસાર છે. વળી ત્યાં દોહા ૩ માં આચાર્ય યોગીન્દ્રદેવ કહે છે કે-જેઓ ભવથી ભયભીત છે અને મોક્ષના ઇચ્છુક છે તેમના ચિત્તની શુદ્ધિ માટે હું આ માર્ગ કહું છું. ભાઈ! ભવમાત્ર (ચાહે સ્વર્ગનો હો તોપણ) ઇચ્છવા યોગ્ય નથી. સમજાણું કાંઈ...! માટે અહીં કહે છે કે કર્મના ફળના અનુભવમાં ફેર નથી.
હવે ચોથો આશ્રયનો બોલઃ-અજ્ઞાનીનો આ પક્ષ છે કે મોક્ષમાર્ગમાં શુભ આવે છે, બંધમાર્ગમાં નહિ. જુઓ, મોક્ષમાર્ગના આશ્રયે તીર્થંકર પ્રકૃતિ બંધાય, આહારક શરીર બંધાય, સર્વાર્થસિદ્ધિનું આયુષ્ય બંધાય ઇત્યાદિ. આ બધું સમકિતીને મોક્ષમાર્ગમાં સંભવે છે પણ મિથ્યાદ્રષ્ટિને હોતું નથી. જુઓ, આ અજ્ઞાનીનો પક્ષ છે કે મોક્ષમાર્ગને લઈને શુભભાવ છે, અજ્ઞાનીને તે હોતો નથી. માટે શુભાશુભકર્મમાં ભેદ છે.
તેને કહે છે-ભાઈ! શુભ અને અશુભ કર્મ બન્ને બંધમાર્ગના જ આશ્રયે છે, બન્ને બંધપદ્ધતિરૂપ છે. એકેય મોક્ષમાર્ગરૂપ નથી માટે શુભ મોક્ષમાર્ગના આશ્રયે નથી. ગંભીર વાત છે પ્રભુ! પણ શું થાય? માણસને જે વાત કોઠે પડી ગઈ હોય અને તે-રૂપે જાણે આત્મા થઈ ગયો હોય એવી માન્યતા દ્રઢ થઈ ગઈ હોઈ એટલે એને એમાંથી ખસવું કેમ ગોઠે? શુભભાવથી મોક્ષમાર્ગ છે એવી દ્રઢ માન્યતાવાળાને ‘હું આત્મા છું’ અને નિજ સ્વભાવના આશ્રયે મોક્ષમાર્ગ છે એમ ફેરવવું કેમ ગોઠે?