૩૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬
અહીં કહે છે-હેતુ, સ્વભાવ, અનુભવ અને આશ્રય એ ચારનો અર્થાત્ ચારે પ્રકારે સદાય અભેદ હોવાથી કર્મમાં નિશ્ચયથી ભેદ નથી.
અરે! અજ્ઞાની જીવ પોતાનું જે શુદ્ધ અંતઃતત્ત્વ છે તેને જોવાની નવરાશ લેતો નથી. અનાદિથી એણે સ્વને જોવામાં પ્રમાદી થઈને પરને જ જોવાનો મિથ્યા પુરુષાર્થ કર્યો છે. પણ ભાઈ! એ પરને જાણનાર તું પોતે આત્મા છો કે નહિ? પરને જાણું એમ તું કહે છે પણ એ જાણનારો કોણ છે? એ જ તું છો. પરને જાણ્યું. જાણ્યું એમ જે કહેવું છે એ તો બીજી અપેક્ષા થઈ ગઈ. (વ્યવહાર થઈ ગયો). આ સ્ત્રી જોઈ, પુત્ર જોયો, દુકાન જોઈ, આ જોયું, તે જોયું- એમ કહેવું એ અસદ્ભૂત વ્યવહારનય છે અને જોવામાં જે ભેદ પાડયો એ મિથ્યાત્વ છે.
જુઓ, પ૦ સ્ત્રીઓ ઊભી હોય એમાંથી કહે કે આ મારી સ્ત્રી, ભાઈ! એ કયાંથી આવ્યું? પ૦ છોકરા હારબંધ ઊભા હોય એ તો બધા માત્ર જ્ઞેય છે, પણ એમાંથી આ દસમા નંબરે છે તે મારો એમ કયાંથી આવ્યું? ભાઈ! એ જ તો ભ્રમણા છે. એક હારમાં પ૦ દુકાન હોય. એ પચાસને ય જાણવાનો આત્માનો સ્વભાવ છે તેથી જાણે છે; પણ આ દુકાન આની અને આ મારી એમ ભેદ કયાંથી પાડયો? ભાઈ! એ એકત્વબુદ્ધિએ ભેદ પાડયો છે. આ પ્રમાણે અજ્ઞાની જીવ પરમાં મારાપણાનું પરિણમન કરીને મિથ્યાત્વને સેવે છે. જ્ઞાનીને તો આખુંય જગત માત્ર જ્ઞેય છે, પોતાના ચૈતન્યઘનસ્વરૂપ આત્મા સિવાય કયાંય એને મારાપણાની એકત્વબુદ્ધિ નથી.
અહાહા...! અશુભભાવ જેમ બંધના આશ્રયે છે તેમ શુભભાવ પણ બંધના જ આશ્રયે છે. અશુભ છે માટે બંધના આશ્રયે છે અને શુભ છે માટે મોક્ષમાર્ગના આશ્રયે છે એમ છે નહિ. એ જ કહે છે-
‘तद् समस्तं स्वयं’ માટે સમસ્ત કર્મ પોતે ‘खलु’ નિશ્ચયથી ‘बन्धमार्ग–आश्रितम्’ બન્ધમાર્ગને આશ્રિત હોવાથી અને ‘बन्ध हेतुः’ બંધનું કારણ હોવાથી, ‘एकम् इष्टम्’ કર્મ એક જ માનવામાં આવ્યું છે-એક જ માનવું યોગ્ય છે.
અહીં ‘બંધમાર્ગને આશ્રિત’નો અર્થ એ છે કે એ શુભાશુભભાવો પોતે બંધરૂપ છે. સમજાણું કાંઈ...? આગળ કહેશે કે જે મુક્તસ્વરૂપ હોય એ જ મુક્તનું કારણ થાય. જે બંધરૂપ હોય તે મોક્ષનું કારણ કેમ થાય? (ન થાય). અહાહા...! સદાય મુક્તસ્વભાવ તો એક ભગવાન આત્મા છે અને તે જ મુક્તિનું કારણ છે. આવી વાત છે.
શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે ને કે-દિગંબરના આચાર્યોએ એમ માન્યું છે કે જીવનો મોક્ષ થતો નથી પણ મોક્ષ જણાય છે અર્થાત્ સમજાય છે કે આત્મા મોક્ષસ્વરૂપ જ છે. એણે અજ્ઞાનવશ એમ માન્યું છે કે હું રાગના બંધનમાં છું પણ પોતે જે