સમયસાર ગાથા-૧૪પ ] [ ૩૯ સદાય જ્ઞાયક છે તે રાગરૂપે કયાં થયો છે? ભલે એ રાગની સાથે એકત્વ માને પણ ભગવાન જ્ઞાયક છે તે રાગથી એકત્વપણે થયો નથી. પ્રવચનસાર, ગાથા ૨૦૦ની ટીકામાં આવે છે કે- ‘‘જે (શુદ્ધ આત્મા) સહજ અનંતશક્તિવાળા જ્ઞાનસ્વભાવ વડે એકરૂપતાને છોડતો નથી, જે અનાદિ સંસારથી આ જ સ્થિતિએ (જ્ઞાયકભાવપણે જ) રહ્યો છે અને જે મોહ વડે અન્યથા અધ્યવસિત થાય છે, તે શુદ્ધ આત્માને, આ હું મોહને ઉખેડી નાખીને, અતિ નિષ્કંપ રહેતો થકો, યથાસ્થિત જ (જેવો છે તેવો જ) પ્રાપ્ત કરું છું.’’
જુઓ, જ્ઞાયક તો જ્ઞાયક જ રહ્યો છે; પણ એની માન્યતાએ ફેર પાડયો છે કે-આ રાગ મારો ને આ રાગ તારો, આ ચીજ મારી અને આ તારી, આ કર્મ ભલું અને આ બુરું. આ માન્યતા જ ભ્રાન્તિ છે.
અરે ભાઈ! જ્ઞાયક તો સદા જ્ઞાયક જ છે. એ બંધનમાં કેમ આવે? અને એને વળી મુક્તિ કેવી? વસ્તુમાં-દ્રવ્યમાં બંધન અને મુક્તિ કયાં છે? દ્રવ્યસંગ્રહમાં આવે છે કે-બંધાયેલાને છૂટવું કહેવું એ તો ઠીક છે પણ જે બંધાયેલો નથી એને છૂટવું કહેવું એ તો જૂઠ છે. જે સદા મુક્તસ્વરૂપ જ છે તેમાં નજર સ્થિર કરતાં તે મુક્ત જણાય છે; બસ આ જ મોક્ષ છે-સમજાણું કાંઈ...?
અહીં કહે છે-કર્મ એક જ માનવામાં આવ્યું છે અર્થાત્ એક જ માનવું યોગ્ય છે. લ્યો, કળશ પૂરો થયો.