અહીં શુદ્ધનય કતકફળના સ્થાને છે. પાણી અને કાદવને જેમ કતકફળ જુદાં કરે છે. તેમ શુદ્ધનય અનુસાર વસ્તુ જે ત્રિકાળી અખંડ એકરૂપ જ્ઞાયકભાવ છે તેમાં દ્રષ્ટિ કરતાં, તેનો અનુભવ કરતાં પર્યાયમાંથી મલિન પુણ્ય-પાપના ભાવ જુદા પડી જાય છે. પુણ્ય-પાપના ભાવ આત્માની શાંતિ દાઝતાં થાય છે. પદ્મનંદી પંચવિંશતિકામાં દાન અધિકારમાં દ્રષ્ટાંત આવે છે કે તારી શાંતિ દાઝીને કષાયમંદતાના પરિણામ થયા. એના ફળરૂપે આ બાહ્ય સામગ્રી મળી. તેને જો તું એકલો ભોગવીશ અને ધર્મપ્રભાવના અર્થે તેનો ઉપયોગ નહીં કરે તો તું કાગડાથી પણ જાય તેવો છે. કેમકે પથ્થરની કૂંડીમાં દાઝેલા ઉકડીઆ નાખ્યા હોય તે કાગડો ‘કા, કા, કા’ એમ પુકારીને બીજા કાગડાઓને પણ બોલાવીને ખાય છે, એકલો ખાતો નથી. અહીં તો એમ કહેવું છે કે આવા પુણ્ય-પાપના ભાવોનો અનુભવ તે મિથ્યાદર્શન છે અને શુદ્ધનય વડે તે પુણ્ય-પાપની મલિનતા જુદી પડી જાય છે. તેથી જેઓ શુદ્ધનયનો આશ્રય કરે છે તેઓ જ સમ્યક્ અવલોકન કરતા હોવાથી સમ્યગ્દ્રષ્ટિ છે, પણ બીજા સમ્યગ્દ્રષ્ટિ નથી. શુદ્ધનયનો આશ્રય કરે છે એટલે કે ત્રિકાળી અભેદ એકરૂપ જ્ઞાયકનો જેઓ આશ્રય કરે છે તેઓ જ વસ્તુના સ્વરૂપને સમ્યક્ પ્રકારે જુએ છે, અનુભવે છે અને તેથી તેઓ જ સમ્યગ્દ્રષ્ટિ છે. પરંતુ બીજા જેઓ અશુદ્ધનયનો સર્વથા આશ્રય કરે છે તેઓ સમ્યગ્દ્રષ્ટિ નથી. જેઓ રાગનો, ભેદનો, એક સમયની પર્યાયનો આશ્રય કરે છે તેઓ સમ્યગ્દ્રષ્ટિ નથી એટલે મિથ્યાદ્રષ્ટિ જ છે. માટે કર્મથી ભિન્ન આત્માના દેખનારાઓએ વ્યવહારનય અનુસરવા યોગ્ય નથી. રાગથી તથા પર્યાયથી પણ ભિન્ન એવો પોતાનો જ્ઞાનાનંદમૂર્તિ ભગવાન છે એમ જેમને દ્રષ્ટિ થઈ છે તેમણે વ્યવહારનય અનુસરવા યોગ્ય એટલે આશ્રય કરવા યોગ્ય નથી. રાગનું, ભેદનું કે પર્યાયનું યથાસ્થિત જ્ઞાન ભલે હો, પણ તેનો અનુભવ કે આશ્રય કરવા યોગ્ય નથી. * ભાવાર્થ ઉપરનું પ્રવચન *
અહીં વ્યવહારનયને અભૂતાર્થ અને શુદ્ધનયને ભૂતાર્થ કહ્યો છે. જેનો વિષય વિદ્યમાન ન હોય તેને અભૂતાર્થ કહે છે. વ્યવહારનયને અભૂતાર્થ કહેવાનો આશય એવો છે કે-શુદ્ધનયનો વિષય અભેદ એકાકારરૂપ નિત્ય દ્રવ્ય છે, તેની દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી; માટે તેની દ્રષ્ટિમાં ભેદ અવિદ્યમાન, અસત્યાર્થ જ કહેવો જોઈએ. જુઓ, શુદ્ધનયને અહીં ભૂતાર્થ કહ્યો છે. અતીન્દ્રિય આનંદનો પિંડ એવો જે જ્ઞાયકભાવ એને જ સત્ય કહ્યો છે. પર દ્રવ્યની તો અહીં વાત નથી. શરીર, મન, વાણી, દેવ, ગુરુ, શાસ્ત્ર, ઇત્યાદિ પર તો પરમાં રહ્યા. અહીં તો એક ત્રિકાળી દ્રવ્યસ્વભાવ અને