પણ ભૂતાર્થદર્શીઓ (શુદ્ધનયને દેખનારાઓ) પોતાની બુદ્ધિથી નાખેલા શુદ્ધનય અનુસાર બોધ થવામાત્રથી ઉપજેલા આત્મ-કર્મના વિવેકપણાથી, પોતાના પુરુષાર્થ દ્વારા આવિર્ભૂત કરવામાં આવેલા સહજ એક જ્ઞાયકભાવપણાને લીધે તેને (આત્માને) જેમાં એક જ્ઞાયકભાવ પ્રકાશમાન છે એવો અનુભવે છે.
ત્રિકાળી એક અભેદ જ્ઞાયક વસ્તુને દેખનારા ભૂતાર્થદર્શીઓને પોતાની જ્ઞાનપર્યાયને જ્ઞાયક સન્મુખ કરતાવેંત જ બોધ એટલે સમ્યગ્જ્ઞાન થવાથી આત્મા અને કર્મ જે રાગાદિ તેમની જુદાઈ-ભિન્નતાનો વિવેક ઉત્પન્ન થાય છે. આમ આત્મા અને રાગાદિનું ભેદજ્ઞાન થવાથી તેઓ રાગથી ભિન્ન પડી પોતાના પુરુષાર્થ દ્વારા અખંડ એકરૂપ નિર્મળ જ્ઞાયકભાવનો આશ્રય કરી જેમાં એક જ્ઞાયકભાવ પ્રકાશમાન છે એવા શુદ્ધ આત્માને અનુભવે છે.
પહેલાં કહ્યું હતું કે વ્યવહારમાં વિમોહિત પર્યાયબુદ્ધિ જીવોને રાગાદિની મૂર્ચ્છામાં એકરૂપ જ્ઞાયકભાવ ઢંકાઈ ગયો છે, તેથી પર્યાયમાં અનેકરૂપ મલિનતા અનુભવે છે. હવે કહે છે-રાગ અને આત્મા બન્નેનું ભેદવિજ્ઞાન કરી ધ્રુવ ત્રિકાળી પરમાનંદસ્વરૂપ પરમાત્માનો પુરુષાર્થ વડે આશ્રય કરનાર ભૂતાર્થદર્શીઓને તે ચૈતન્યસૂર્ય જ્ઞાયકબિંબ આવિર્ભૂત થાય છે, પ્રગટ થાય છે અને તેથી સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન આદિ શુદ્ધ પર્યાય ઉત્પન્ન થાય છે.
અહીં ચારેય પ્રકારના વ્યવહારને ગૌણ કરી, અસત્ય કહી તેની દ્રષ્ટિ છોડાવી છે. અને એકરૂપ જ્ઞાયકને મુખ્ય કરી તેને સત્યાર્થ કહી તેની દ્રષ્ટિ કરાવી છે. આવા જ્ઞાયકનો અનુભવ પોતાના પુરુષાર્થ દ્વારા થાય છે. પુરુષાર્થ વિના મળી જાય એવી આ ચીજ નથી. ભૂતાર્થદર્શીઓ એક જ્ઞાયકભાવનો આશ્રય લઈ, એક જ્ઞાયકભાવ જેમાં પ્રકાશમાન છે એવા શુદ્ધ આત્માને અનુભવે છે. અને તે ધર્મ છે. અનુભવ તે પર્યાય છે અને ચૈતન્યદળ, અનંતગુણોનું અભેદદળ, જે જ્ઞાયક આત્મા તે એનું ધ્યેય છે.
શરીરનો, રાગનો અને એક સમયની પર્યાયનો જેને પ્રેમ છે તે મિથ્યાદ્રષ્ટિ છે. તેને રાગ અને આત્માની જુદાઈનો વિવેક નથી. તે વ્યવહારમાં વિમોહિત છે. જેને શરીરનો મોહ છે તે હાડ-ચામડામાં મોહિત છે, જેને બાહ્ય સંપત્તિ અને પુણ્યના ઠાઠનો મોહ છે તે જડમાં મોહિત છે અને જેઓ રાગદ્વેષાદિનો જ અનુભવ કરે છે તે પણ પર્યાયમૂઢ છે. રાગાદિ તો અંધકાર છે, કેમકે તે જડ છે, તેમાં ચૈતન્યના નૂરનો અંશ નથી. તેથી જે રાગાદિને અનુભવે છે તે માત્ર અંધકારને અનુભવે છે. તેને નિર્મળાનંદ જ્ઞાયક તિરોભૂત થાય છે. અરે! આમ જીવ પોતાના એકરૂપ સ્વભાવને ભૂલી અનેકરૂપ મોહ-રાગ-દ્વેષના અનુભવથી ચારગતિરૂપ સંસારમાં અનંતકાળથી રખડી રહ્યો છે.