Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 148 of 4199

 

ભાગ-૧ ] ૧૪૧

કતકફળ એ ‘નિર્મળી’ નામની ઔષધિ છે. મલિન પાણીમાં પોતાના હાથથી એટલે પોતે જ કતકફળ નાખી થોડા લોકો શુદ્ધ પાણીને અનુભવે છે. કતકફળ નાખતાં વેંત જ-પડવામાત્રથી જળ-કાદવનો વિવેક પ્રગટ થાય છે. એટલે કે કાદવ નીચે બેસી જાય છે અને પાણી નિર્મળ થઈ જાય છે. આ રીતે પોતાના પુરુષાર્થ વડે પાણીનો સહજ એકરૂપ નિર્મળભાવ આવિર્ભૂત કરવામાં આવે છે. કાદવના કારણે પાણીનું નિર્મળપણું ઢંકાઈ ગયું હતું તે ‘નિર્મળી’ના પડવામાત્રથી પ્રગટ થાય છે. આમ કેટલાક એટલે કોઈ થોડા લોકો કાદવને જળથી ભિન્ન કરી નિર્મળ જળને પીએ છે. અહા! આચાર્યદેવે કરુણા કરી કેવું સરળ કરીને સમજાવ્યું છે! પાણીને નિર્મળ કરે છે તેથી તે ઔષધિને ‘નિર્મળી’ કહે છે. આ તો દ્રષ્ટાંત થયું. હવે સિદ્ધાંત કહે છે.

એવી રીતે પ્રબળ કર્મના મળવાથી જેનો સહજ એક જ્ઞાયકભાવ તિરોભૂત થઈ ગયો છે એવા આત્માનો અનુભવ કરનાર પુરુષો-આત્મા અને કર્મનો વિવેક નહીં કરનારા, વ્યવહારથી વિમોહિત હૃદયવાળા તો, તેને (આત્માને) જેમાં ભાવોનું વિશ્વરૂપપણું પ્રગટ છે એવો અનુભવે છે.

અહીં કર્મ એટલે જડ પુદ્ગલકર્મની વાત નથી. પણ તે કર્મના નિમિત્તે જીવની અવસ્થામાં થતા જે મિથ્યાત્વ-રાગ-દ્વેષના મલિનભાવ તેને અજ્ઞાની જીવ અનુભવે છે એની વાત છે. જડકર્મ તો અજીવ છે, તેનો અનુભવ હોઈ શકે નહીં પ્રબળ કર્મના મળવાથી એટલે પુણ્ય-પાપના જે વિકલ્પો તેને અનુભવવાથી સહજ એકરૂપ નિર્મળ જ્ઞાયકભાવ ઢંકાઈ ગયો છે. જે શુભાશુભ રાગ થાય તે હું એવા મિથ્યાત્વ અને રાગ- દ્વેષના અનુભવની આડમાં આખો નિર્મળાનંદ જ્ઞાયકભાવ ઢંકાઈ ગયો છે, નજરમાં આવતો નથી. દયા, દાન તથા કામ-ક્રોધાદિ મલિન વૃત્તિઓના અનુભવમાં એકરૂપ જ્ઞાયક દ્રષ્ટિમાં આવતો નથી, જણાતો નથી એમ કહ્યું છે. બાકી તો સચ્ચિદાનંદસ્વરૂપ જ્ઞાયકભાવ તો જે છે તે છે, પ્રગટ જ છે. તિરોભૂત થઈ જાય અને આવિર્ભૂત થાય એવું જ્ઞાયકભાવમાં છે જ નહીં. રાગાદિના અનુભવમાં જ્ઞાયક નજરમાં આવતો નથી તેથી ઢંકાઈ ગયો એમ કહેવાય છે. અને જ્ઞાયકના આશ્રયમાં તેનો અનુભવ થાય છે ત્યારે તે પ્રગટ થયો એમ કહેવાય છે.

હવે આવા રાગાદિસંયુક્ત આત્માનો અનુભવ કરનારા, રાગાદિ કર્મ અને આત્માની જુદાઈ-ભિન્નતાનો વિવેક નહીં કરવાથી વ્યવહારમાં વિમોહિત રહે છે. શુભાશુભભાવો તે હું એમ મૂર્ચ્છિત થયેલા છે તેથી તેઓ જેમાં ભાવોનું અનેકરૂપપણું પ્રગટ છે અર્થાત્ પર્યાયમાં જે અનેક પ્રકારના મલિન વિકારી ભાવો ઉત્પન્ન થાય છે તેને પોતાપણે અનુભવે છે.