Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 147 of 4199

 

૧૪૦ [ સમયસાર પ્રવચન

અશુદ્ધનયનો વિષય છે. એ અશુદ્ધનય વ્યવહારમાં જાય છે. અશુદ્ધનય અને શુદ્ધનય એવા બે ભેદ વસ્તુમાં નથી. અશુદ્ધનય કહો, વ્યવહાર કહો કે ઉપચાર કહો, એ બધું એકાર્થ છે. શુદ્ધનય એક જ ભૂતાર્થ હોવાથી વિદ્યમાન, સત્ય, ભૂત અર્થને પ્રગટ કરે છે. અહીં વસ્તુ ત્રિકાળ સિદ્ધ કરવી છે. જ્ઞાન તે આત્મા એવા ભેદને વ્યવહાર એટલે જૂઠો કહી ત્રિકાળી વસ્તુમાંથી કાઢી નાખ્યો. પર્યાય છે તે એક સમયનું સત્ છે, એ ત્રિકાળી ધ્રુવ સત્ નથી. એનો આશ્રય લેવાથી ધર્મ પ્રગટ થતો નથી. માટે એક ત્રિકાળી ભાવને જ વિદ્યમાન, ભૂતાર્થ, સત્યાર્થ કહેલો છે. આત્મામાં બે પ્રકાર-એક પર્યાય અને બીજો ધ્રુવ. તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે ને કે उत्पादव्ययध्रौव्ययुक्तम् सत्– એમાં પર્યાય ઉત્પાદ-વ્યયરૂપ છે. એક સમયમાં ઉત્પન્ન થઈ, બીજે સમયે વ્યય થાય, તે પર્યાય છે. અને ત્રિકાળ એકરૂપ રહે તે ધ્રુવ છે. અહીં એક સમયની ઉત્પાદ-વ્યયરૂપ પર્યાયનું લક્ષ છોડાવવા તેને વ્યવહાર કહી, અસત્યાર્થ-જૂઠી કહી. અને ત્રિકાળી ધ્રુવ એક જ વિદ્યમાન છતો પદાર્થ છે એમ કહી, તેની દ્રષ્ટિ કરાવી છે. અહો! સમયસાર એ અદ્ભુત શાસ્ત્ર છે. આ બે લીટીમાં ઘણું-ઘણું રહસ્ય ભર્યું છે. શુદ્ધનય એક જ સાચા અર્થને પ્રગટ કરે છે. ત્રિકાળ વિદ્યમાન તત્ત્વ ભગવાન આત્મા, એક સમયની પર્યાય વિનાનો, અવિનાશી, અવિચળ, ધ્રુવ, ચૈતન્યસૂર્ય તેને શુદ્ધનય પ્રગટ કરે છે. દ્રષ્ટિનો વિષય આ એકમાત્ર વિદ્યમાન જ્ઞાયક તત્ત્વ છે. ગાથામાં કહ્યું છે ને भूदत्थमस्सिदो खलु सम्माइट्ठी हवइ जीवो ભૂતાર્થના આશ્રયે જીવ સમ્યગ્દ્રષ્ટિ થાય છે. ‘खलु’ નો અર્થ નિશ્ચય કર્યો છે. જયસેન આચાર્યે પ્રગટ ત્રિકાળી ભગવાનનો જે આશ્રય લે તેને નિશ્ચયથી સમ્યગ્દર્શન થાય છે તેમ કહ્યું છે. અહા! જેવું અંદર પૂર્ણ સત્ય સ્વરૂપ પડયું છે, તેનો અનુભવ કરીને પ્રતીતિ કરે તેને નિશ્ચયથી સમ્યગ્દર્શન થાય છે. આ જૈનધર્મ છે. અરે! લોકોએ નવા નવા વાડા બાંધી, જૈનધર્મનું મૂળતત્ત્વ આખું પીંખી નાખ્યું છે. હવે, આ વાત દ્રષ્ટાંતથી બતાવે છે. જેમ પ્રબળ કાદવના મળવાથી જેનો સહજ એક નિર્મળભાવ તિરોભૂત થઈ ગયો છે એવા જળનો અનુભવ કરનારા પુરુષો-જળ અને કાદવનો વિવેક નહિ કરનારા ઘણા તો, તેને (જળને) મલિન જ અનુભવે છે. જુઓ, પાણીનો તો સહજ એકરૂપ નિર્મળ સ્વભાવ છે. પરંતુ પ્રબળ કાદવના મળવાથી તે ઢંકાઈ ગયો છે. ત્યાં પાણી અને કાદવની જુદાઈનો વિવેક નહીં કરનારા ઘણા લોકો તો પાણીને મલિન જ અનુભવે છે એટલે કે તેઓ મલિન (મેલ-સંયુક્ત) પાણીને જ પીએ છે. પણ કેટલાક પોતાના હાથથી નાખેલા કતકફળ-(નિર્મળી ઔષધિ)ના પડવામાત્રથી ઉપજેલા જળ-કાદવના વિવેકપણાથી, પોતાના પુરુષાર્થ દ્વારા આવિર્ભૂત કરવામાં આવેલા સહજ એક નિર્મળભાવપણાનેલીધે તેને (જળને) નિર્મળ જ અનુભવે છે.