Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1509 of 4199

 

૪૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ સંસારરૂપી ખાડામાં નાખી બંધન કરાવવાવાળા હોવાથી કુશીલ-ખરાબ છે. એકમાત્ર શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ચિદાનંદમય ભગવાન આત્માનો અનુભવ મોક્ષમાર્ગ હોવાથી સુશીલ છે, સારો છે. સમયસાર નાટકમાં કહ્યું છે કે-

‘‘અનુભવ ચિંતામનિ રતન, અનુભવ હૈ રસકૂપ;
અનુભવ મારગ મોખકૌ, અનુભવ મોખસરૂપ.’’

અનુભવ મોક્ષનો માર્ગ છે એમ કહ્યું છે, પણ શુભભાવ મોક્ષમાર્ગ કે મોક્ષમાર્ગનું કારણ છે એમ છે નહિ. જોકે જ્ઞાનીને પણ સાધકદશામાં અશુભથી બચવા ભકિત, સ્તુતિ, પૂજા ઇત્યાદિ શુભભાવ હોય છે, આવે છે પણ એ છે બંધનું કારણ.

પરમાત્મપ્રકાશમાં આવે છે કે ભરત અને સગર આદિ સમકિતી પુરુષો પણ ગુણસ્તવન, વસ્તુસ્તવન કરે છે; વળી તેઓને શુદ્ધ રત્નત્રયધારી મુનિવરોને સુપાત્ર દાન આપવાનો શુભભાવ હોય છે; પણ એની સાથે એમને સ્વભાવનો અનુભવ છે. તેથી રાગની અપેક્ષાથી તેમને સરાગ સમ્યગ્દ્રષ્ટિ કહીએ છીએ. પણ કોઈને આત્માનુભવ હોય નહિ અને એકલો રાગ જ હોય તો તેને એવો વ્યવહાર લાગુ પડતો નથી.

અહીં તો કહ્યું ને કે-‘કુશીલ એવાં શુભ અને અશુભ કર્મ સાથે રાગ અને સંસર્ગ બંધનાં કારણ હોવાથી, શુભાશુભ કર્મો સાથે રાગ અને સંસર્ગનો નિષેધ કરવામાં આવ્યો છે. જુઓ, આ દયા, દાન, વ્રત, ભકિત, પૂજા ઇત્યાદિ ભાવ કુશીલ છે, બંધનાં કારણ છે અને તેથી નિષિદ્ધ છે. ભગવાન સાક્ષાત્ ત્રણલોકના નાથ સમોસરણમાં વિરાજમાન હોય તેની બહુ પ્રકારે ભક્તિ કરે પણ એ શુભરાગ કુશીલ છે, બંધનું કારણ છે; માટે નિષિદ્ધ છે.

પ્રશ્નઃ– જો એમ છે તો તમે તે કરો છો શા માટે? આ ૨પ-૨૬ લાખનું પરમાગમ મંદિર, આ પોણાચાર લાખ અક્ષરો, બારીએ બારીએ ચિત્રામણ ઇત્યાદિ તમે લોકોને ખેંચવા સારુ કરો છો! વળી તમે નિમિત્તનો નિષેધ કરો છો અને પાછા નિમિત્ત દ્વારા લોકોને ધર્મ સમજાવો છો! તમારી કથની અને કરણીમાં આવો ફેર!!

સમાધાનઃ– ભાઈ! મંદિરની રચના ઇત્યાદિ તો એના કારણે અને એના ઉત્પત્તિકાળે પુદ્ગલોથી થઈ છે. એને અન્ય કોણ બનાવે? તથા ધર્મીને, જોકે કુશીલ છે તોપણ એવો શુભરાગ આવે છે, આવ્યા વિના રહેતો નથી; તથાપિ એ શુભરાગના કારણે મંદિરની રચના થઈ છે એમ નથી અને એ શુભરાગ ધર્મ છે કે ધર્મનું કારણ છે એમ પણ નથી. ધર્મી જીવ એવા શુભરાગને હેય જાણે છે. અસ્થાનના તીવ્ર રાગથી બચવા ધર્મીને આવા શુભભાવ આવે છે પણ તેના કર્તાપણાનો-સ્વામીપણાનો એને અભિપ્રાય નથી, એ તો માત્ર એના જ્ઞાતાપણે જ રહે છે. (કથની તો અભિપ્રાય અનુસાર છે અને કરણી વર્તમાન પુરુષાર્થની તારતમ્યતા અનુસાર છે અન.ે તેથી ધર્મીની કથની અને કરણીમાં ફેર જણાય છે). સમજાણું કાંઈ...?