અવસ્તુ માયાસ્વરૂપ કહે છે અને સર્વવ્યાપક એક અભેદ નિત્ય શુદ્ધબ્રહ્મને વસ્તુ કહે છે એવું ઠરે અને તેથી સર્વથા એકાંત શુદ્ધનયના પક્ષરૂપ મિથ્યાદ્રષ્ટિનો જ પ્રસંગ આવે.
વેદાંતવાળા જેમ એક જ આત્મા સર્વવ્યાપી માને છે-એમ આ વાત નથી. કેટલાકને આ નિશ્ચયની વ્યાખ્યા વેદાંત જેવી લાગે છે, પણ વેદાંત પર્યાયને કયાં માને છે? અનેક ગુણો કયાં માને છે? અનેક આત્મા કયાં માને છે? એની તો તર્કથી કલ્પીને માની લીધેલી વાત છે. આ વાતને અને વેદાંતને કોઈ મેળ નથી. આ તો સર્વજ્ઞકથિત સૂક્ષ્મ ન્યાયયુક્ત વાત છે.
ભગવાન જિનેશ્વરદેવે કેવળજ્ઞાનથી આત્મા જેવો પ્રત્યક્ષ જોયો તેવો કહ્યો છે. જેના મતમાં સર્વજ્ઞનો સ્વીકાર નથી તેમાં સત્યાર્થ વસ્તુ હોઈ શકે નહીં. સર્વજ્ઞના સ્વીકાર વિના આત્મા સર્વજ્ઞસ્વભાવ છે એવી દ્રષ્ટિ હોતી નથી. વસ્તુતઃ આત્મા સર્વજ્ઞસ્વભાવ છે તો પર્યાયમાં સર્વજ્ઞતા પ્રગટ થાય છે.
આ જૈનની મૂળવાત નિશ્ચયની જ્યાં બહાર આવી ત્યાં લોકોને વેદાંત જેવું લાગે છે. ક્રિયાકાંડની વાત આવે તો કહે છે કે આ જૈનની વાત છે. આવું કહેનારા અને માનનારા જૈનધર્મના મૂળ રહસ્યને જાણતા જ નથી. અનંત તીર્થંકર પરમેશ્વરો થઈ ગયા. તેઓ આ સત્યાર્થ વસ્તુને અનુભવીને મુક્તિ પામ્યા છે. અને જગત સમક્ષ એ જ વાત જાહેર કરી છે.
પર્યાય સમ્યગ્દર્શનનો વિષય નથી, પરંતુ ત્રિકાળ ધ્રુવ જ્ઞાયકને વિષય કરનાર પર્યાય છે. તેને ન માને તે સાંખ્યમતી છે. આત્મા શરીર પ્રમાણ છે, તેને વેદાંતમતવાળા (ક્ષેત્રથી) સર્વવ્યાપક માને છે. તેઓ બધું મળીને વસ્તુ એક કહે છે, એક શુદ્ધ બ્રહ્મને જ વસ્તુ કહે છે, પણ વસ્તુ અનેક છે. વળી વસ્તુમાં ગુણો છે એમ માનતા નથી. વસ્તુ સર્વથા નિત્ય કહે છે, અનિત્ય પર્યાયને માનતા નથી. આમ સર્વથા પર્યાય આદિને માયાસ્વરૂપ અસત્ય કહેતાં વેદાંતમત થઈ જાય. તેથી સર્વથા એકાંત શુદ્ધનયના પક્ષરૂપ મિથ્યાત્વનો પ્રસંગ આવે. માટે સર્વથા એકાંત ન માનવું. કથંચિત્ અશુદ્ધતા છે, ભેદો છે, પર્યાય છે એમ અપેક્ષાથી બરાબર સમજવું.
હવે કહે છે-માટે અહીં એમ સમજવું કે જિનવાણી સ્યાદ્વાદરૂપ છે, પ્રયોજનવશ નયને મુખ્ય-ગૌણ કરીને કહે છે. જુઓ, શુદ્ધનયને સત્ય કહ્યો અને પર્યાયને અસત્ય, અવિદ્યમાન કહી તે શા માટે એનો ખુલાસો કરે છે. કહે છે કે જિનવાણી સ્યાદ્વાદરૂપ- એટલે અપેક્ષાથી કથન કરનારી છે. જેથી જ્યાં જે અપેક્ષા હોય, ત્યાં તે સમજવી જોઈએ.