પ્રયોજનવશ શુદ્ધનયને મુખ્ય કરી સત્યાર્થ કહ્યો છે અને વ્યવહારને ગૌણ કરી અસત્ય કહ્યો છે. ત્રિકાળી અભેદ શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિ કરતાં જીવને સમ્યગ્દર્શન થાય છે. આવા પ્રયોજનને સિદ્ધ કરવા ત્રિકાળી દ્રવ્યને અભેદ કહીને ભૂતાર્થ કહ્યું છે. અને પર્યાયનું લક્ષ છોડાવવા તેને ગૌણ કરી અસત્યાર્થ કહી છે. આત્મા અભેદ ત્રિકાળી ધ્રુવ છે. તેની દ્રષ્ટિ કરતાં ભેદ દેખાતો નથી. અને ભેદદ્રષ્ટિમાં નિર્વિકલ્પતા થતી નથી. માટે પ્રયોજનવશ ભેદને ગૌણ કરી અસત્યાર્થ કહેલો છે. અનંતકાળમાં જન્મ-મરણનો અંત કરવાના બીજરૂપ સમ્યગ્દર્શન જીવને થયું નથી. એવા સમ્યગ્દર્શનની પ્રાપ્તિનું અહીં પ્રયોજન સિદ્ધ કરવું છે. તેથી શુદ્ધ જ્ઞાયકને મુખ્ય કરી સત્યાર્થ કહ્યો છે. અને પર્યાય તથા ભેદને ગૌણ કરી વ્યવહાર કહી તેને અસત્યાર્થ કહ્યો છે.
હવે નયને મુખ્ય-ગૌણ કરી કથન કરવાનું કારણ શું તે વિસ્તારથી કહે છે. પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિ કાળથી જ છે, અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. જીવને અનાદિથી પર્યાયબુદ્ધિ ચાલી આવે છે. અંદર આનંદનો નાથ ત્રિકાળી ભગવાન પોતે બિરાજે છે તેને દ્રષ્ટિમાં કદીય લીધો નથી. અને ભેદરૂપ વ્યવહારનો પક્ષ, પુણ્યનો પક્ષ, રાગનો પક્ષ, પર્યાયનો પક્ષ તથા વર્તમાન મતિ-શ્રુતજ્ઞાનની પર્યાયનો પક્ષ પ્રાણીઓને અનાદિકાળથી છે.
વળી વ્યવહારનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. ‘આપણે સંસારી છીએ, કાંઈ વીતરાગ તો નથી; વળી વ્રત, તપ, પૂજા, ભક્તિ, દાન ઇત્યાદિ વ્યવહાર ધર્મ છે, ધર્મનાં અંગ છે. એટલે આપણે તે વ્યવહારધર્મનું પાલન કરવું જોઈએ. વ્યવહાર કાંઈ છોડી દેવાય? વ્યવહાર કરતાં કરતાં નિશ્ચયધર્મ પ્રગટે.’ આમ પરસ્પર મોટા ભાગના સંસારી પ્રાણીઓ રાગના પક્ષનો ઉપદેશ આપતા હોય છે.
વળી કોઈ એમ પણ કહેતા હોય છે-‘પર્યાય છે, તેનું જ્ઞાન કરવું જોઈએ ને? પર્યાય જાણવી જોઈએ, પર્યાયને વિષય બનાવવો જોઈએ, અન્યથા એકાંત થઈ જાય. પર્યાય પણ વસ્તુ છે, અવસ્તુ નથી એમ શાસ્ત્રમાં પણ કહ્યું છે. કાર્ય તો પર્યાયમાં થાય છે ને? પર્યાય વિના કાંઈ કાર્ય થાય? આમ પર્યાયનો પક્ષ કરી પરસ્પર વ્યવહારના પક્ષ રૂપ ઉપદેશ કરીને મિથ્યાત્વ પુષ્ટ કરી રહ્યા હોય છે.
અહીં બે વાત કરી. એક તો ભેદનો પક્ષ, વ્યવહારનો પક્ષ જીવને અનાદિકાલીન છે. અને બીજું વ્યવહારનો ઉપદેશ પણ પ્રાણીઓ બહુધા પરસ્પર કરે છે. હવે ત્રીજી વાત કરે છે. વળી જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધનયનો હસ્તાવલંબ (સહાયક) જાણી બહુ કર્યો છે; પણ એનું ફળ સંસાર જ છે. ભગવાન સર્વજ્ઞદેવની વાણીમાં વ્યવહારનો